બંદગી છે જિંદગી : કૂતરો માણસની સેવા કરે કે માણસે કૂતરાની સેવા કરવાની?
કૂતરો માણસની સેવા કરે કે માણસે કૂતરાની સેવા કરવાની?
શું કૂતરાને ખબર ન પડે? અને શું આ રબુ સામાન્ય કૂતરો હતો?
રબુને જિંદગીમાં રસ જ બાકી ન હતો.
તે ખાતો ખરો,
પણ નહિ ખાવા બરાબર. તેની દશા કોઈ સમાધિ લાગેલા સંત જેવી થઈ ગઈ હતી.
'લે, થોડુંક ખાવાનું લાવી છું. ખાઈ લે. ભાવશે તો નહિ,
પણ જીવવું તો પડશે ને! એમ કંઈ ઓછો જીવ આપી દેવાય છે?'
(ગતાંકથી ચાલુ)
લો કો તો વાત ભૂલી ગયા. થોડા દહાડા જોરદાર સમાચાર છપાયા. અબુની કબર સાથે કૂતરા રબુની છબીઓ છપાતી રહી. પછી વાત ઠંડી પડી ગઈ. ભૂલાઈ ગઈ.
હા વળી, લોકો કંઈ કૂતરા થોડા જ છે કે કબર પર બેસી રહે?
પણ રબુ તો બેઠો તે બેઠો. જે દશા અબુની તે રબુની.
બધાં ભૂલી ગયા. એક ડોસી ભૂલે તેમ ન હતું. દાદીમા મરિયમબીબીને રબુ યાદ આવી ગયો.
હા, એ દાદીમાને અબુ શેઠે જીવન આપી દીધું હતું. પોતાની મા માની હતી.
દાદીમા ઘરડાં હતાં, ઘણાં ઘરડાં. છતાં ડગુમગુ ગયાં. કબર સુધી પહોંચી કૂતરાને વહાલથી પંપાળી લીધો. કંપતા હાથે, કંપતા અવાજે દાદી કહે ઃ રબુ! બેટા! અબુ શેઠ તો ગયા, આપણે નિરાધાર બની ગયા. આ જ કુદરતનો નિયમ છે. ચાલ, ઘરે ચાલ, આપણે એકબીજાના સાથી બનીશું.
રબુએ દાદી સામે જોઈ લીધું. કહી દીધું ઃ ના દાદી, હવે તો અહીં જ મારું ઘર, આ જ મારું જીવન અને આ જ મારું...
દાદી કહે ઃ ના બેટા! આટલી કઠોર વાત ન કર, મારું દિલ તૂટી જશે. ડોસી છું. વધારે નહિ સહન થાય.
પણ રબુની વાત અફર હતી. તે ખસે તેમ ન હતું ઃ ઠીક ભાઈ! જેવી તારી મરજી. લે, થોડુંક ખાવાનું લાવી છું. ખાઈ લે. ભાવશે તો નહિ, પણ જીવવું તો પડશે ને! એમ કંઈ ઓછો જીવ આપી દેવાય છે? લે, ખા.
વહાલ કરીને, પંપાળી પંપાળીને દાદીમા રબુને ખવડાવતાં થઈ ગયા.
પછી એ જ નિયમ થઈ ગયો. રોજ દાદીમા બે વખત આવે, અબુ શેઠની સમાધિ પર લોબાન કરે, રબુને ખવડાવે.
દિવસો પસાર થતા ગયા, એ નિયમમાં કોઈ ફેર પડે તેમ ન હતું. કૂતરો રબુ માલિકની કબર પાસેથી ખસે તેમ હતું જ નહિ.
તેને જિંદગીમાં રસ જ બાકી ન હતો. તે ખાતો ખરો, પણ નહિ ખાવા બરાબર. તેની દશા કોઈ સમાધિ લાગેલા સંત જેવી થઈ ગઈ હતી. તે ઊંચી જાતનો ફકીર બની ગયો હતો. આ દુનિયામાં તે કદાચ હવે રહેતો જ ન હતો.
તેમ છતાં જે મળે તે ખાવાની આદત પડી ગઈ હતી. દાદીમાની તે રાહ જોતો થઈ ગયો હતો. માલિકને યાદ કરવા જેટલું જીવાય તેટલું તે જીવવા માગતો હતો.
અને... દાદીમા આવતા બંધ થઈ ગયાં. ઘરડાં તો હતાં જ. તેમનાથી અવાતું જ ન હતું. આ કબર ઘણી દૂર હતી.
તે સમજુ હતો. જાણી ગયો, ચાલો, હવે અમારોય જવાનો સમય થયો. અબુ શેઠ પાસે અમેય પહોંચી જઈશું.
અને ખાવાનું આવી ગયું. કાસમ તે લઈને આવી ગયો હતો.
કાસમ કહે ઃ રબુ! આ ખાવાનું દાદીએ જ મોકલી દીધું છે. તેઓ માંદાં છે. ઘણાં માંદા છે. પણ તને રોજ ખાવા મળશે. એવી ગોઠવણ કરી દીધી છે.
ખૂબ સરસ ખાવાનું હતું. દાદી ન હતાં. પણ ખાણામાં દાદીનાં હેતનાં ગાણાં હતાં.
આમેય રબુને કંઈ બહુ ખાવાનું હતું જ નહિ. પણ તે દાદીને યાદ જરૂર કરી લેતો. તે મનમાં જ વિચારી લેતો કે માનવી કેવાં ભલા પશુ છે!
કાસમ બે વખત આવતો. પણ કાસમને આ કામ ગમતું નહિ. કાસમને આ કામના ખૂબ પૈસા મળતાં. દાદીએ ઘણાં બધાં પૈસાની સગવડ કરી હતી.
દાદી કહેતાં ઃ કાસમ! તને કોઈ જગાએથી નહિ મળે એટલો પગાર અને પૈસા મળશે, પણ તું નિયમ ચૂકીશ નહિ. રબુને ભૂખ્યો રાખીશ નહિ.
ડોસીની વાત કાસમ સુધી પહોંચી જ નહિ. અને ડોસીમાંય કેટલુંક પહોંચે?
રબુને માટે તથા કાસમને માટે પુરેપુરી સગવડ કરીને દાદી ગયાં. એટલી સગવડ કરી હતી કે પૈસા કદી ખૂટે જ નહિ. આખો વારસો જ બંનેના નામે કરી દીધો હતો, એમ જ કહો ને!
પણ કાસમને આ કામ ગમતું નહિ. આ કૂતરા પાછળ તે વળી આવી શી ઘેલછા? અને કૂતરો માણસની સેવા કરે કે માણસે કૂતરાની સેવા કરવાની?
તેમાં આટલું કિંમતી ખાણું કૂતરાને ખવડાવી દેવાનું?
તે એ ખાણું જાતે જ ખાઈ જતો થઈ ગયો. વળી વધતું તો ભિખારીઓને વેચી દેતો.
વહેંચતો નહિ, વેચતો. જે થોડાઘણા પૈસા મળે તે ભિખારી પાસે પણ લઈ લેતો.
રબુને ખાવાનું મળતું બંધ થઈ ગયું.
રબુને તો ખાવાનામાં કંઈ રસ જ ન હતો. જે દશા દાદીની થઈ હતી એ જ દશા તેની હતી. પણ પહેલાં દાદી આવતાં બંધ થયાં. પછી કાસમ આવતો બંધ થયો.
રબુને હવે ચિંતા થવા લાગી, તેને થયું કે દાદીને જઈને મળવું જોઈએ. દાદીની ખેરખબર લેવી જોઈએ. નહિ તો અબુ શેઠ શું કહેશે?
તે તો ધીમી ચાલે ચાલતો થઈ ગયો. કેટલા લાંબા સમયે તે ચાલતો હતો! પણ આજુબાજુ તેને કંઈ જોવું ન હતું. કંઈ જોવામાં તેને રસ જ ન હતો. આ બધી જગાએ તેણે કંઈક ખેલ બતાવી દીધા હતા.
તેને ખૂણેખૂણેથી તેના માલિક અને તેના પોતાના હસવાના અવાજ સંભળાતા હતા, માલિકની ઢોલકી સંભળાતી હતી.
પણ એ બધું હવે યાદ કરવાનો શો હેતુ? ચાલ દાદીમાની ખબર લઈએ.
તે પહોંચી ગયો દાદીમાને ઘરે.
ઘર બંધ. દરવાજો બંધ. વાતાવરણ સૂમસામ અને ખામોશ. જે દશા અબુ શેઠની કબરની હતી, એ જ અહીં હતી. આ ઘર પણ કબર જ બની ગયું હતું.
લોકો ભેગા થઈ ગયા. તેઓ કહે ઃ જુઓ જુઓ રબુ આવી ગયો છે. કેવો થઈ ગયો છે. બિચારો દાદીને મળવા જ આવી ગયો હશે! પણ એ કૂતરાને ખબર કેમ પડે કે દાદીમા તો... દાદીમા તો...
કૂતરાને ખબર કેમ પડે?
શું કૂતરાને ખબર ન પડે?
અને શું આ રબુ સામાન્ય કૂતરો હતો?
દાદીમા તો... મરી ગયા જેવી વાત સાંભળવા તે રોકાયો નહિ. જાણી ગયો.
પાછો જતો થઈ ગયો. હવે વધુ નંખાઈ ગયો. ખલાસ થઈ ગયો. તેનામાં અબુ શેઠ સુધી જવાના હોશ ન હતાં. છતાં તે જતો હતો.
છોકરાંઓ પાછળ હતા, લોકોય હતાં.
બજારમાં કાસમ ભિખારીઓને ખાવાનું વેચતો હતો. પોતેય ખાતો હતો.
રબુ તેની પાસેથી પસાર થયો તેનીય તેને ખબર ન પડી અથવા ખબર પડી તો પરવા જ કરી નહિ ઃ જવા દો ને! કૂતરો છે. જતો હશે!!
રબુ ગયો. શેઠની સમાધિ પર તેણે માથું મૂકી દીધું. હવે કોઈની રાહ જોવાની ન હતી.
પહેલાં અબુ શેઠ ગયા.
પછી દાદીમા ગયાં.
અને કાસમ...?
જવા દો વાત, રબુએ માથું મૂકી દીધું તે મૂકી દીધું. એ માથું જ બંદગી બની ગયું.
કહે છે કે ઘણા દિવસો પછી લોકોએ રબુને આ દશામાં જોયો. લોકો ટોળે વળી ગયા. તેમણે અબુ અને રબુની સમાધિ બનાવી દીધી. એ માટે જાતે જ ફાળો એકઠો કરી લીધો.
સમાધિને દિવસે લોકો ભેગા થયા. બંદગી કરી. લોકોના ટોળાં માતા ન હતા.
પણ એ ટોળામાં કાસમ ન હતો.