- કિરીટ ગોસ્વામી
છોટુ અને મોટુ બંને પાક્કા દોસ્ત.
બંને હંમેશા સાથે જ હોય. બંને સાથે મળીને ફરવા જાય, આઇસક્રીમ ખાય અને અલકમલકની વાતો કરે!
એક દિવસ બંને બેઠા-બેઠા ગપ્પાં મારતા હતા.
છોટુ કહે- 'મારાં દાદી એમ કહે છે કે તારી વાતો ગધેડાને તાવ આવે એવી હોય છે!'
મોટુએ નવાઇભેર પૂછયું- 'તે હેં, આ ગધેડાને પણ તાવ આવે?'
છોટુ કહે- 'એ જ વાત મને પણ નથી સમજાતી, યાર!'
મોટુ બોલ્યો- 'પણ દાદી કહે છે એટલે ખોટી વાત તો નહીં હોય!'
છોટુએ કહ્યું- 'હા, યાર! એ જ ને! ચાલ, આપણે કોઇને પૂછીએ!'
મોટુ કહે- 'અમમમ.. પણ કોને પૂછીશું?'
છોટુએ જરા વાર માથું ખંજવાળ્યું અને પછી ચપટી વગાડતાં બોલ્યો- 'આપણા ટીચરને પૂછીએ તો?'
મોટુ કહે- 'હા, ચાલો, એમને જ પૂછીએ!'
બીજે દિવસે સ્કૂલે જઇ બંનેએ જઈને ટીચરને પૂછયું- 'હેં ટીચર, શું ગધેડાને તાવ આવે?'
એ સાંભળીને ટીચર ગુસ્સાભેર બોલ્યા- 'ગધેડાઓ! જાવ, ક્લાસની બહાર ઊભા રહો!'
છોટુ-મોટુ તો બહાર ઊભા પણ એ જ ચર્ચા કરી રહ્યા હતા કે ગધેડાને તાવ આવતો હશે? કે નહીં?
રજા પડી કે તરત ઘેર આવીને બંને એક બાજુ બેસીને વાતો કરતા હતા ત્યાં દાદીમા આવ્યાં.
દાદીમાએ બંનેને પૂછયું - 'શું આમ એક બાજુ બેસી ગયા છો બંને?'
છોટુએ દાદીમાને કહ્યું- 'દાદી, અમે તમારી જ વાતથી હેરાન-પરેશાન છીએ!'
દાદીમાએ નવાઇભેર પૂછયું- 'મારી વાતથી? એ વળી કઇ વાત?'
મોટુ બોલ્યો- 'દાદી, ભૂલી ગયાં તમે? એ દિવસ તમે અમને કહ્યું હતું કે તમે બંને ગધેડાને તાવ આવે એવી વાતો કરો છો!'
'હા, તો?' દાદીમાએ પૂછયું.
છોટુએ કહ્યું- 'તે હેં દાદી, ગધેડાને ખરેખર તાવ આવે?'
બંનેની વાત સાંભળીને દાદીમાએ કહ્યું- 'તમે બંને ખરેખર ગધેડાઓ જ છો!'
બંનેએ આંખો ફાડી, પૂછયું- 'કેમ, દાદી?'
દાદીમા બોલ્યાં- 'ગધેડાને તાવ આવે એવી વાત કરવી એટલે એટલે મૂરખ જેવી વાત કરવી!'
'હેં...!' છોટુ-મોટુ બંને આંખો પટપટાવતાં, એકબીજાની સામે જોઇ રહ્યા.
દાદીમા મરક-મરક હસી રહ્યાં.


