મરજીવો અને માછલી

માછલીના કહ્યા પ્રમાણે 21મો દિવસ છેલ્લો હતો. મરજીવો છેલ્લે વધેલાં પાંચ મોતી રાક્ષસને આપવા ગયો.
દયાળુ મરજીવો રાક્ષસને કહે,
'અરે રાક્ષસભાઈ, આ મોતી તમારા મોતનું કારણ બનશે! માટે મોતી મેળવવાની જીદ છોડી દો, નહિતર તમારો નાશ થશે.'
વાસુદેવ પટેલ
આજે રવિવાર રજાનો દિવસ હતો. કેટલાક બાળકો દાદાજીની પાસે ટોળું વળીને બેઠાં હતાં. બાળકોએ કહ્યું, 'દાદાજી, અમને એક વાર્તા સંભળાવો ને.'
દાદાજીએ બાળકોને કહ્યું, 'ચાલો, આજે હું તમને એક વાત કહું જે તમે ધ્યાનથી સાંભળજો.'
એક મરજીવો મહાસાગરની અંદર દરરોજ મોતી શોધવા જતો હતો. મરજીવાને ક્યારેક જ મોતી મળતા. એક વખત આખો દિવસ તનતોડ મહેનત કરી, પરંતુ તેને એક પણ મોતી હાથ ન લાગ્યું. તે ખૂબ જ નિરાશ હતો, પણ તેણે મોતી શોધવાનું કામ ચાલુ જ રાખ્યું. મોતી તો ન મળ્યું, પણ એક મોટી આફત આવી. એક ભયંકર રાક્ષસ તેના રસ્તા વચ્ચે આવીને ઊભો રહ્યો. મરજીવો ખૂબ જ ડરી ગયો. રાક્ષસે ત્રાડ નાખીને બોલ્યો, 'હે મરજીવા! તારી પાસે જેટલાં મોતી હોય તે મને આપી દે, નહિતર તને મારી નાખીશ!'
મરજીવો કરગરવા લાગ્યો અને કહ્યું, 'રાક્ષસભાઈ! આજે એક પણ મોતી નથી મળ્યું.'
રાક્ષસ બોલ્યો, 'ગમે તે કર પણ મને મોતી જોઈએ. જો તું નહીં આપે તો તને અને તારા પરિવારને ખાઈ જઈશ! હા... હા... હા...' રાક્ષસે અટ્ટહાસ્ય કર્યું.
મરજીવાએ ઘણી આજીજી કરી પણ રાક્ષસ માન્યો નહીં. અંતે રાક્ષસે એક શરત મૂકી, 'મરજીવા, હું તને એક શરતે જવા દઉં. તારે કાલથી રોજ પાંચ મોતી મને આપવા.' મરજીવાએ રાક્ષસની શરત સ્વીકારી લીધી.
લાચાર મરજીવો મહાસાગરને કિનારે નિરાશ થઈ બેઠો હતો. ત્યાં તેની એક મિત્ર માછલીએ આવીને પૂછયું, 'મિત્ર, કેમ આજે ઉદાસ બેઠો છે?ધ મરજીવાએ રાક્ષસ સાથે બનેલી આખી ઘટના વિસ્તારથી કહી સંભળાવી. માછલીએ મરજીવાને આશ્વાસન આપ્યું અને કહ્યું, 'હું તને રાક્ષસના ત્રાસથી જરૂર બચાવીશ.'
માછલી તેના ગુરુ મચ્છરાજ કુમારી પરી પાસે ગઈ અને મરજીવાની દુઃખભરી કહાની સંભળાવી. ત્યારે મચ્છરાજ કુમારી પરીએ માછલીને એક થેલી ભરીને મોતી આપ્યાં અને કહ્યું, 'લે આ મોતી. મરજીવાને આપીને કહેજે કે આ થેલીમાંથી દરરોજ પાંચ મોતી રાક્ષસને આપે. તારા મિત્રને કહેજે કે ૨૧મા દિવસે છેલ્લું મોતી રાક્ષસને આપશે જે તેના મૃત્યુનું કારણ બનશે અને રાક્ષસનો નાશ થશે. જા, વિલંબ ન કર.'
માછલી ગુરુની આજ્ઞા લઈ મોતી ભરેલી થેલી સાથે મરજીવા પાસે આવી. મરજીવાને આખી વાત કહી સંભળાવી. મરજીવો ખૂબ જ ખુશ થયો અને માછલી તથા મચ્છરાજ પરીનો આભાર માન્યો.
મરજીવો બીજા દિવસે રાક્ષસને વચન આપ્યા પ્રમાણે પાંચ મોતી આપવા ગયો. રાક્ષસ મોતી જોઈને ખૂબ જ ખુશ થયો. મરજીવો શરત પ્રમાણે વીસ દિવસ સુધી મોતી આપતો રહ્યો. માછલીના કહ્યા પ્રમાણે ૨૧મો દિવસ છેલ્લો હતો. મરજીવો છેલ્લે વધેલાં પાંચ મોતી રાક્ષસને આપવા ગયો. દયાળુ મરજીવો રાક્ષસને કહે છે, 'અરે રાક્ષસભાઈ, આ મોતી તમારા મોતનું કારણ બનશે! માટે મોતી મેળવવાની જીદ છોડી દો, નહિતર તારો નાશ થશે.'
પણ લાલચુ રાક્ષસ મરજીવાની વાત અવગણીને બોલ્યો, 'તું મને મોતની ધમકી આપે છે? હું તારી વાતમાં આવવાનો નથી. લાવ મોતી લાવ!'
મરજીવો પાંચ મોતી રાક્ષસને આપે છે. રાક્ષસ જેવો મોતીનો સ્પર્શ કરે છે કે તરત જ વીજળીના ઝબકારા સાથે તે સળગી ઊઠે છે. રાક્ષસનો નાશ થાય છે અને મરજીવો તથા તેનો પરિવાર બચી જાય છે.
મરજીવો માછલીનો આભાર માનવા દરરોજ તેની રાહ જુએ છે, પરંતુ માછલી દેખાતી નથી. તેને શોધવા મરજીવો મહાસાગરમાં દૂર દૂર સુધી જાય છે. ત્યાં જ તેમને એક ભયાનક દ્રશ્ય દેખાયું - બધી માછલીઓ એક માછીમારની મોટી જાળમાં ફસાઈ ગઈ હતી!
માછલીઓ બહાર નીકળવા માટે તરફડિયાં મારતી હતી. મરજીવાને પોતાનું ણ ચૂકવવાનો વારો આવ્યો હતો. તેણે મનોમન નક્કી કર્યું કે આજે તે માછલીઓને બચાવશે. મરજીવાએ પોતાની કટારથી આખી જાળ કાપી નાખી અને બધી માછલીઓને મુક્ત કરી.
આઝાદ થયેલી માછલીઓને સમજાયું કે મરજીવાની મદદ કરી હતી તેનું ફળ તેમને મળ્યું. માછલીઓએ વચન આપ્યું કે તેઓ મોતી શોધવામાં મદદ કરશે અને મરજીવાએ પણ વચન આપ્યું કે તે સાગરના જીવોનું રક્ષણ કરશે.
વાર્તા પૂરી કરીને દાદાજીએ કહ્યું, 'તો બાળકો, આના પરથી તમને કયો બોધ મળ્યો?'
દાદાજીએ પૂછયું. એક બાળકે કહ્યું, 'આપણે કોઈને મદદ કરીએ તો આપણને પણ ગમે ત્યારે મદદ મળી રહે છે.'
દાદાજી બોલ્યા, 'સરસ! તમે પણ મોટા થઈને આ રીતે મદદ કરતા રહેજો.'









