- અલકા ત્રિવેદી
એક હતુ મદનિયું. તેનું નામ હતું ડમ્બો. એક દિવસ તે એકલું એકલું ફરવા જતું રહ્યું. આગળ જતાં તે રસ્તો ભૂલી ગયું.
ત્યાં તેને દૂરથી મોટાં અવાજો સંભળાયા. તે ધબ્ ધબ્ કરતો અવાજ તરફ ચાલવા લાગ્યું.
ધબ્ ધબ્ અવાજથી કૂકૂ કોયલનું ધ્યાન ડમ્બો હાથી તરફ ગયું.
કૂકૂ કોયલ નાનકડા ડમ્બોને જોઈને ખુશ થઈ ગઈ. તે ઝાડ ઉપરથી ગીત ગાવા લાગી-
'ઓ હાથીભાઈ, ઓ હાથીભાઈ
તમે ચાલો ભમ ભમ.
ધરતી ધૂ્રજે ધમ ધમ.
ઓ હાથીભાઈ, ઓ હાથીભાઈ
તમારાં મોટાં મોટાં કાન,
મને લાગે શાનદાર.
તમે ચાલો ભમ ભમ.
ધરતી ધૂ્રજે ધમ ધમ.'
ડમ્બો ખુશ થઈ ગયો. તેણે પોતાની સૂંઢ ઊંચી કરીને કોયલનો આભાર માન્યો.
ચાલતાં ચાલતાં ડમ્બો મદનિયું અવાજ તરફ પહોંચી ગયું. ત્યાં છોકરાઓનું ટોળું ડિસ્કો ડાન્સ કરતું હતું. ડમ્બોને ડાન્સ જોવાની મઝા પડી ગઈ. તેને ડાન્સ કરવાની ઈચ્છા થઈ. તેણે થોડે દૂર જઈને પેલા છોકરાઓનું અનુકરણ કરવા લાગ્યું. તેને તો કૂદાકૂદ કરવાની મઝા પડી ગઈ. તે વિચારવા લાગ્યું કે મારા કુટુંબમાં એક પણ ડાન્સર નથી, તો હવે હું ડિસ્કો ડાન્સર બનીશ. મારો પરિવાર ખુશ થઈ જશે! પછી તો ડમ્બો મદનિયાએ રોજ ડાન્સની પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું.
ડમ્બો મદનિયું સવારે વહેલો ઉઠતું. પાણીમાં છબછબિયા કરી તરત જ ડાન્સ શરૂ કરી દેતું. ડમ્બો મદનિયું જ્યારે જંગલમાં ડાન્સ કરતું ત્યારે આજુબાજુનો વિસ્તાર ધમધમી જતો. બીજાં પશુ પંખીઓ ગભરાઈ જતાં. ડમ્બોનું શરીર ભારેખમ હતું. તેનાં પગની લાતથી ઝાડ પરથી ફળો નીચે પડવા લાગ્યાં. તેની કૂદાકૂદથી જમીનમાં ખાડા પડવા લાગ્યા. જંગલમાં ધીરે ધીરે નુકસાન થવા લાગ્યું! પણ કોઈ પશુ-પંખીની હિંમત નહોતી કે હાથીના બચ્ચા ડમ્બોને સાચી વાત કરી જંગલનું નુકસાન રોકે.
એક વાર પિંકુ પોપટે ડમ્બોને ડિસ્કો કરતાં જોયો. તેણે હિંમત કરીને ડમ્બોને કહી દીધું, 'એ ડમ્બો, તું ઝાડને હલાવે છે એટલે કાચાં પાકાં ફળો નીચે પડી જાય છે. અમારા જેવાં નાનાં પંખીઓ નીચે જમીન પરથી ફળો ખાઈ શકે નહીં. અમારો શિકાર થઈ જાય. તું અમારો વિચાર કર અને આ ડાન્સ બંધ કરી દે. તું જંગલને નુકસાન કરે છે.'
ડમ્બોએ જવાબ આપ્યો, 'પણ મને ડાન્સ કરવો બહું ગમે છે એટલે હું તો કરીશ.'
પિંકુ પોપટે તેને ફરી સમજાવ્યું કે આપણા કામથી જંગલને નુકસાન થાય તેવું કામ કદી ન કરાય.'
ડમ્બો એકનો બે ન થયું. તેને તો ડાન્સર બનવું હતું.
એક દિવસ ડમ્બોનાં મમ્મી-પપ્પા તેને શોધતાં શોધતાં પેલા જંગલમાં પહોંચી ગયાં. રસ્તામાં તેમને પિંકુ પોપટ મળ્યો. એણે ડમ્બોની ફરિયાદ કરી, 'ડમ્બો હવે ડાન્સર બની ગયો છે, પણ તેનાં ડાન્સથી જંગલને નુકસાન થાય છે. જંગલનાં બધા રસ્તા તેને કારણે ખરાબ થઈ ગયા છે.'
મમ્મી-પપ્પાએ પછી ડમ્બોને સમજાવ્યું કે ડાન્સ કરવો એ સારો શોખ છે, પણ આપણે જંગલને નુકસાન કરી શકીએ નહીં.
ડમ્બોએ પૂછયું, 'તો હું ક્યાં ડાન્સ કરું?'
ડમ્બોની મમ્મીએ કહ્યું, 'તું અમારી જોડે ઘરે ચાલ. આપણા ઘરની બાજુમાં જ ખાલી મેદાન છે. ત્યાં તું ડાન્સ કરજે. અમે પણ તારો ડાન્સ જોવા માંગીએ છીએ.'
ડમ્બો આ સાંભળીને ખુશ થઈ પોતાને ઘેર જવા તૈયાર થઈ ગયો. તેને ઘરે જતો જોઈને કૂકૂ કોયલે તેને 'બાયબાય' કરી ગીત ગાયું-
'લાંબી સૂંઢવાળા, ડમ્બોભાઈ રૂપાળા,
ધોળા દાંતવાળા, ડમ્બોભાઈ રૂપાળા.
મોટા કાનવાળા, ડમ્બોભાઈ રૂપાળાં,
ટૂંકી પૂંછડીવાળા, ડમ્બોભાઈ રૂપાળાં...'
બધાએ તાળીઓ પાડી. મોરે કળા કરીને ડમ્બોને વિદાય આપી. ડમ્બો મસ્તી કરતો કરતો પોતાના ઘેર ગયો. હવે ડમ્બો ખુલ્લા મેદાનમાં જ ડાન્સ કરે છે. બીજાં પ્રાણીઓને પણ ડાન્સ શીખવાડે છે. ડમ્બો હવે જંગલમાં 'ડિસ્કો ડાન્સર' તરીકે પ્રખ્યાત થઈ ગયો છે.
ડમ્બોના મિત્રો હવે ગીત ગાય છે-
'ભોળા ભોળા હાથીભાઈ,
કેળાં ખાતા હાથીભાઈ,
નદીએ નાહતા હાથીભાઈ,
ડિસ્કો ડાન્સર હાથીભાઈ.'


