Get The App

દિવ્યાંગતા નથી અભિશાપ

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
દિવ્યાંગતા નથી અભિશાપ 1 - image

- એક દિવસ શાળાના કાર્યક્રમમાં કલેક્ટરસાહેબને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું. સ્કૂલમાં એમની જે રીતે આગતાસ્વાગતા અને મહેમાનગતિ થઈ તે જોઈને કિરણ અભિભૂત થઈ ગઈ.

- ચિરાગ એચ. શર્મા

એક નાનકડા ગામમાં મનજીભાઈ તેમનાં પત્ની, બે દીકરીઓ અને ઘરડાં માં-બાપ સાથે ખેતીકામ કરી જીવન ગુજારતાં. તેમનાં પત્ની રૂખીબહેન બે દીકરીઓની દેખરેખ કરે અને સાથે થોડા ઢોર-ઢાંખર પણ રાખે. મોટી દીકરી કિરણ ભણવામાં ખૂબ જ હોંશિયાર એટલે પિતા મનજીભાઈ એ ભણીગણીને  મોટી ઓફિસર બને એવી ઇચ્છા રાખતા. તેમણે પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કિરણને સરકારી શાળામાં મૂકી. 

એક દિવસે શહેરમાં કિરણ પોતાનાં બા-દાદાની સાથે કશેક લગ્નપ્રસંગમાં જઈ રહી હતી. સરસ રીતે પ્રસંગ ઊજવ્યા બાદ રીક્ષામાં પાછા વળતી વખતે ટ્રક સાથે ભયંકર અકસ્માત થઈ ગયો. બા અને દાદાને ખૂબ લાગ્યું, ખૂબ લોહી વહી ગયું. દુર્ભાગ્યે તેઓ વધારે ખેંચી ન શક્યા. બા અને દાદા બન્નેનું મૃત્યુ થયું. 

એકસ્માત વખતે કિરણના પગ વિચિત્ર રીતે ફસાઈ ગયા હતા. એ ગંભીર રીતે ઘવાયેલી હતી. બે-ત્રણ મહિના સારવાર ચાલી. મનજીભાઈએ પોતાની બચતની મૂડી સુધ્ધાં ખર્ચી નાખી. 

કિરણનો માત્ર એક જ પગ બચાવી શકાયો. હવે તે દિવ્યાંગ હતી. મનજીભાઈએ એક તો માતા-પિતા ગુમાવ્યાં અને એટલું જાણે ઓછું હોય તેમ પોતાની એકની એક દીકરી વિકલાંગ થઈ ગઈ. મનજીભાઈ માનસિક રીતે ભાંગી પડયા હતા. 

કિરણે જોકે જલ્દી વાસ્તવિકતા સ્વીકારી લીધી. એણે પહેલાં કરતાં પણ વધુ ઉત્સાહ સાથે હાથઘોડીનાં સહારે પોતાના દૈનિક કામકાજ તેમજ અભ્યાસ કાર્ય ચાલુ કરી દીધું. ુપરીક્ષાઓમાં એ સરસ માર્ક્સ લાવતી હતી.

આમ કરતાં કરતાં કિરણ ધોરણ ૧૦માં પહોંચી ગઈ. ઘણા સાથી-મિત્રો તેની દિવ્યાંગતાની મજાક કરતા. 

એક દિવસ શાળાનાં કાર્યક્રમમાં કલેક્ટરસાહેબને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું. સ્કૂલમાં એમની જે રીતે આગતાસ્વાગતા અને મહેમાનગતિ થઈ તે જોઈને કિરણ અભિભૂત થઈ ગઈ.

કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી એણે શિક્ષિકાબેનને ઘણા પ્રશ્નો કર્યા: મારે પણ કલેક્ટરસાહેબ જેવું કામ કરવું હોય તો? મારે પણ એમના જેવી પ્રતિષ્ઠા મેળવવી હોય તો? શિક્ષિકાબહેને કિરણને બધું વિગતવાર સમજાવ્યું. એમણે કહ્યું કે જો તું આઈએએસ, આઇપીએસ કે આઇએફએસ બનવા માટે તૈયારી કરે, તેની કઠિન પરીક્ષાઓ પાસ કરે તો તું પણ જરૂર ઉચ્ચ કક્ષાની સિવિલ સર્વન્ટ બની શકે. 

કિરણના મનમાં પોતાના જીવનની દિશા સ્પષ્ટ થઈ ગઈ. એણે દસમા ધોરણમાં એટલી બધી મહેનત કરી કે બોર્ડમાં રાજ્ય કક્ષાએ પાંચમા નંબરે આવી. બારમા ધોરણમાં પણ તે ઉત્તમોત્તમ દેખાવ કરી શકી. 

એણે કોલેજમાં એડમિશન લીધું અને સાથે સાથે સિવિલ સર્વિસિસની પરીક્ષાઓ માટે તૈયારી શરૂ કરી દીધી. કોલેજમાં એ યુનિવર્સિટી લેવલ પર પ્રથમ ક્રમે પાસ થઈ. હવે એનું સંપૂર્ણ ધ્યાન યુપીએસસીની પરીક્ષા પર હતું. 

જે સૌએ વિચાર્યું હતું એવું જ થયું. યુપીએસસીની તમામ પરીક્ષાઓ કિરણ એક પછી એક પાસ કરતી ગઈ. તેનો આત્મવિશ્વાસ અને ધગશ સૌને પ્રભાવિત કરતા. આખરે કિરણનું સપનું સાકાર થયું. દિવ્યાંગ કિરણે કલેકટર તરીકે નવી રૂઆબદાર નોકરીની શરૂઆત કરી. કેટકેટલાય સંઘર્ષો પછી એનું સપનું પૂરું થયું. એનાં માતા-પિતાના હરખનો પર ન હતો. એક ગરીબ ઘરની દીકરી મોટી ઓફિસર બની ગઈ હતી. કિરણે સાબિત કર્યું કે દિવ્યાંગતા અભિશાપ નથી. જીવનમાં કોઈ પણ સ્થિતિમાં આગળ વધી જ શકાય છે...