- 'રાજકુમારોની પરીક્ષા લેવાનો આ યોગ્ય સમય છે. છ - છ મહિના બંને રાજકુમારોને શાસન કરવા દો. જે વધુ પ્રજાલક્ષી શાસન કરે તેને ભવિષ્યનો રાજા ઘોષિત કરી દેજો.'
- પ્રકાશ કુબાવત
નંદનવનમાં નંદસિંહ રાજા રાજ્ય કરતા હતા. તેને બે પુત્ર હતા. એકનું નામ વીરસિંહ અને બીજાનું નામ ધર્મસિંહ.
નંદસિંહની તબિયત હવે નરમ ગરમ રહેતી હતી. તેના મનમાં દ્વિધા હતી કે મારો ઉત્તરાધિકારી કોને બનાવવો? કોને રાજગાદી આપવી?
એક વખત નંદસિંહે આ વાત તેના મંત્રી ધીરસિંહને કરી. ધીરસીહે કહ્યું કે, 'તમે બંનેની પરીક્ષા લઈ જુઓ. જે પરીક્ષામાં ઉતીર્ણ થાય તેને રાજા બનાવજો. પરીક્ષા એવી લેજો કે પ્રજાપ્રેમી કોણ છે તે જાણી શકાય.'
આ વખતે વરસાદ જોઈએ એવો પડતો નહોતો. નંદસિંહ ખૂબ જ ઉદાસ થયા. પૂરતા વરસાદના અભાવે લોકોના તહેવારો બગડયા. દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી ગઈ.
મંત્રી ધીરસિંહે રાજા નંદસિંહને કહ્યું કે, 'રાજકુમારોની પરીક્ષા લેવાનો આ યોગ્ય સમય છે. છ - છ મહિના બંને રાજકુમારોને શાસન કરવા દો. જે વધુ પ્રજાલક્ષી શાસન કરે તેને ભવિષ્યનો રાજા ઘોષિત કરી દેજો.'
નંદસિંહને આ વાત ખૂબ જ ગમી ગઈ. બીજા દિવસે બંને રાજકુમારોને આ વાત કરી. સૌ પ્રથમ વીરસિંહે છ મહિના માટે રાજકારભાર સાંભળ્યો. દુષ્કાળની સ્થિતિમાં પ્રજા પરેશાન હતી.
વીરસિંહે રાજ્યનો અન્ન ભંડાર ખુલ્લો મૂકી દીધો. છ મહિના સુધી દરેકને મફત અનાજ આપ્યું. હવે ધર્મસિંહનો રાજા બનવાનો વારો આવ્યો.
ધર્મસિંહે વિચાર્યું કે કામ કર્યા વિનાનું મફતનું અનાજ પ્રજા ખાય તે યોગ્ય કહેવાય નહીં. આમાં રાજ્યનો વિકાસ થાય નહીં.
ધર્મસિંહે રાજદબાર ભર્યો અને કહ્યું કે, 'જે લોકો પાસે જમીન નથી અને ફક્ત ખેત મજૂરી કરે છે તે લોકોને હું બે એકર જમીન આપું છું. આપણી પશ્ચિમ બાજુની જમીન બહુ ફળદ્પ નથી ત્યાં ખાડાટેકરા વાળી જમીન છે. દરેક ખેત મજૂરે બે એકર જેટલી જમીન સમથળ કરવાની છે. પછી આ જમીન જે-તે વ્યક્તિની થઈ જશે. તમે કામ કરશો તેનું મહેનતાણું પણ ચૂકવવામાં આવશે. જે ખેડૂતોને જમીન છે પણ ઉપજ નથી આવી એ લોકોએ પશ્ચિમ બાજુએ એક તળાવ ખોદવાનું છે. આ કામનું મહેનતાણું પણ આપવામાં આવશે. તમને બધાને જે મહેનતાણું આપવામાં આવે તેમાંથી તમારે અનાજ ખરીદવાનું રહેશે. હવેથી મફત અનાજ કોઈને મળશે નહીં.'
ધર્મસિંહે બીજા દિવસે જ આ વાતનો અમલ શરૂ કરાવી દીધો. જોતજોતામાં છ મહિના નીકળી ગયા. પશ્ચિમ દિશાની મોટાભાગની જમીન સમથળ થઈ ગઈ. મોટું તળાવ પણ બની ગયું.
બીજા વર્ષે વરસાદ પણ ખૂબ જ સારો પડયો. પશ્ચિમ બાજુનું તળાવ પણ ભરાઈ ગયું. બંજર જમીન હતી તે હવે પાકથી લહેરાવા લાગી.
નંદસિંહ ધર્મસિંહના કામથી ખૂબ જ ખુશ થયા. એમણે હવે સરળતાથી પોતાનો ઉત્તરાધિકારી નક્કી કરી નાખ્યો!


