Get The App

સ્વાદિષ્ટ મિષ્ટાન્ન .

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
સ્વાદિષ્ટ મિષ્ટાન્ન                                           . 1 - image

ભગવાન બુદ્ધ એક શેઠને ત્યાં ગયા.

શેઠની તેમણે ઘણી ખ્યાતિ સાંભળી હતી. શેઠ પૂરેપૂરા દાન-ધર્મી હતા. થોડાક સ્વાર્થી અને લોભી હતા એટલું જ. હજારો ગુણોની વચમાં પણ થોડાક દુર્ગુણ દબાઈ રહેતા હોય છે, એવી જ ઘટના હતી.

ભગવાન બુદ્ધે ભિક્ષા માટે ભિક્ષાપાત્ર આગળ ધર્યું.

શેઠ સરસ મજાનું ખાણું લઈને આવ્યા, પણ તેમણે જોયું તો તથાગતનું ભિક્ષાપાત્ર ધૂળ અને કાદવવાળું હતું.

વિનંતી કરતાં નમ્રપણે શેઠે કહ્યું : 'ભગવાન ! આપનું ભિક્ષાપાત્ર સાફ કરો તો ! ધૂળ સાથે મિષ્ટાન્ન મળશે તો સ્વાદની મજા જ મરી જશે !'

ભગવાન બુદ્ધે એ વાત સ્વીકારી. તેઓ હસ્યા. સામું કહ્યું : 'અને શેઠ ! આપ આપનું ભિક્ષાપાત્ર પણ સાફ કરો તો કેવું ?'

શેઠ કહે : 'મારું ભિક્ષાપાત્ર....? તે વળી ક્યું ?'

ભગવાન કહે : શેઠ ! મન એક ભિક્ષાપાત્ર જ છે. તમે એમાં દયા દાન પરોપકાર જેવાં મિષ્ટાન્ન રાખો છો. પણ અગાઉની થોડીક ધૂળ છે. દુર્ગુણની ધૂળ. એને લઈને સ્વાદિષ્ટ મિષ્ટાન્નોની મજા પણ મરી જાય છે...'

ભગવાન તથાગતને ચરણે પડીને તેમણે કહ્યું : 'આજથી મારું એ ભિક્ષાપાત્ર આપ સ્વચ્છ જ જોશો દેવ !'

સામસામા એ રીતે બંને ભિક્ષાપાત્રો સ્વચ્છ થયાં, ત્યારે મિષ્ટાન્ન અગાઉ કરતાં પણ વધુ સ્વાદિષ્ટ લાગતાં હતાં.