ખજૂર એ સૌથી વધુ શક્તિ દાયક ફળ ગણાય છે. ખજૂર વિશે ઘણી રસપ્રદ વાતો પણ જાણવાની મજા પડશે. ખજૂર એક બીજ કે ઠળિયાવાળું ફળ છે. તે દરિયા કિનારે નાળિયેરી જેવા ઊંચા વૃક્ષ પર ઊગે છે. વૃક્ષ ઉપર ખજૂર ઝુમખા રૂપે ઊગે છે. એક ઝુમખામાં ૫૦૦ થઈ ૨૦૦૦ નાનાં ફળો હોય છે. વૃક્ષ ઉપર શરૂઆતમાં લીલા રંગની ખજૂરના ઝુમખા બાઝે છે તે પાકીને પીળાં થાય છે.
ખજૂરના ફળને બજારમાં પહોંચતા પહેલા ત્રણ તબક્કા છે. પીળાં રંગના સખત ફળને ખલાલ (આપણે ત્યાં ખલેલા) કહે છે. ત્યારબાદ રૂતાબ અને છેલ્લે બજારમાં મળતી પોચી ખજૂર.
ખજૂરી પરથી ઉતાર્યા પછી બજારમાં ખજૂર તરીકે આવતાં ૨૦૦ દિવસ લાગે છે. ખજૂરીના ઝાડ ૨૦ થી ૨૫ મીટર ઊંચા હોય છે. ખજૂરીને ડાળીઓ હોતી નથી. થડ ઉપર છેક ઊંચે લાંબાં પાન ચારે તરફ ફેલાય છે. તે જ રીતે જમીનમાંથી માત્ર એક જ મૂળ ઊંડે સુધી જાય છે. ખજૂરીના પાન ૨ થી ૫ મીટર લાંબા હોય છે. ખજૂરીના ઝાડ નર અને માદા એમ બે જાતના હોય છે. માત્ર માદા ખજૂરી ઉપર જ ખજૂર પાકે છે. ખજૂરીનું એક ઝાડ એક સિઝનમાં ૧૦૦ કિલો ખજૂર આપે છે.
ઇરાન, ઇજિપ્ત અને સાઉદી અરેબિયામાં બધી મળીને વર્ષે લગભગ એક કરોડ ટન ખજૂર પાકે છે. ખજૂરના ફળને તડકે સૂકવીને ખારેક બનાવાય છે. ભારત પણ ખજૂરની નિકાસ કરનાર મોટો દેશ છે.


