Get The App

ડબ્બુ ડક, બબ્બુ બકરી અને મનમોજી મગર

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
ડબ્બુ ડક, બબ્બુ બકરી અને મનમોજી મગર 1 - image

- 'આ મગરને છેતરવાની આદત છે. વર્ષો  પહેલાં એણે મારી પાસેથી મારું કાળજુ માગ્યું હતું, આણે એની મગરી માટે મને ખાવાનો પ્લાન બનાવ્યો હતો!'

એક સુંદર સવારે ડબ્બુ ડક કવાક-કવાક કરતો સ્કૂલ માટે તૈયાર થતો હતો. એની સાથે ને સાથે એની બેસ્ટ ફ્રેન્ડ બબ્બુ બકરી પણ મેં... મેં.... કરતી બેગ પીઠ પર ચડાવીને ઊભી હતી.

 'ચાલ બબ્બુ... મોડું થઈ જશે!' ડબ્બુ બોલ્યો.

બંને રસ્તાની બાજુમાં ચાલતા હતા. આકાશે પક્ષીઓ ચહેકતા હતાં.

તેઓ થોડાં આગળ ગયાં...

તળાવના કિનારે મનમોજી મગર બેઠો હતો. આંખો મિચકાવે અને પૂંછડી હલાવે .

'અરે મનમોજી, અમે સ્કૂલ જઈએ છીએ,'બકરીએ કહ્યું.

મનમોજી મગર બોલ્યો, 'સ્કૂલ તો જ જશો, પણ એક નાનકડી સફર કરી ને જાઓ મગરિયા તળાવની! .મફત રાઈડ! મજા આવશે.'

ડબ્બુ ડકને સફર બહુ ગમતી, અને બબ્બુ બકરીને નવાં સ્થળો જોવાનો શોખ હતો.

બંનેએ એકબીજાને જોયા, પછી કહ્યું, 'બરાબર! પણ જલ્દી કરજે... શિક્ષક ગુસ્સે થશે.'

મનમોજી મગર ખુશ થઈને પાણીમાંથી બહાર આવ્યો, અને બોલ્યો, 'ચઢી જાવ મારી પીઠ પર!'

બંનેમગરની પીઠ પર  ચઢયાં.  મગર પાણીમાં તરત જ નાચતો-તરતો આગળ વધ્યો. 

તળાવમાં કમળની પાંખડીઓ, રંગીન માછલીઓ હતી.જાણે કે સપનાંની  દુનિયા!

...પણ મગરના મનમાં કંઇક બીજું જ ચાલી રહ્યું હતું! 

એ વિચાર કે વર્ષોથી વાંદરાભાઈ જાંબુ ખાઈને પણ એમનું કાળજુ (હૃદય) આપતા નથી... 

તો આજે ડબ્બુ કે બબ્બુ... હમ્મ, કોનું કાળજુ વધારે સ્વાદિષ્ટ હશે?

એના ચહેરા પર આવી ગયેલું વિચિત્ર સ્મિત જોઈને બબ્બુ બકરી બોલી, 'મનમોજી! તારી આંખોમાં શરારત લાગે છે. શું પ્લાન છે?'

મનમોજી મગર તરત બોલ્યો,' ના રેય કંઈ નહીં! બસ હું તો તમને બંનેને હજુ મસ્ત મજા કરાવું એવું વિચારું છું.'

...અને એ જ સમયે એક ડાળ પરથી વાંદરોભાઈ કૂદ્દી પડયો.

'હે હે હે! ડબ્બુ! બબ્બુ! આ મગરથી સાવધાન!' એ જોરથી બોલ્યો.

મનમોજી મગર કહે, 'એ...એ... વાંદરાભાઈ! તમે શુ બોલો છો?'

વાંદરાએને એને અવગણીને ડબ્બુ-બબ્બુ સામે જોઈનેે કહે, 'હું તમને કહું છું- આ મગરને છેતરવાની આદત છે. વર્ષો  પહેલાં એણે મારી પાસેથી મારું કાળજુ માગ્યું હતું, આણે એની મગરી માટે મને ખાવાનો પ્લાન બનાવ્યો હતો!'

ડબ્બુ અને બબ્બુ બંને ચોકી ઉઠયાં. 

બબ્બુ બકરી ગુસ્સે બોલી, 'મનમોજી મગર, તું અમને છેતરીને અહીં લાવ્યો.'

મગર ભોંઠો પડી ગયો. એ કહે, 'હું શું કરું? મને વાંદરાએ વર્ષોથી છેતર્યો છે... એટલા માટે વિચાર આવ્યો કે કદાચ તમારું કાળજુ ખાવા જેવું હશે...' 

વાંદરો ગળું ખંખેરીને બોલ્યો, 'મગર, વાત સાંભળ. છેતરામણીથી કોઈ મિત્ર ન બને. જો તને કાળજુ જોઈએ તો મિત્રતાનું કાળજુ માંગ.'

બબ્બુ બકરીએ ઉમેર્યું, 'હા, અને મિત્રતા માટે દિલમાં સચ્ચાઈ હોવી જોઈએ, છેતરપિંડી નહીં.'

ડબ્બુ ડકે તો પોતાની સ્ટાઈલમાં ક્વાક... ક્વાક  કરીને કહ્યું, 'મિત્રો બનાવવા હોય તો પહેસાં વિશ્વાસ જીતવો પડે... અને તેં તો અમારો વિશ્વાસ ગુમાવ્યો છે.'

મગરને લાજ આવી. એ પાણીમાં માથું ઝુકાવીને બોલ્યો, 'માફ કરજો મિત્રો. હું ફરી કદી કોઇને છેતરીશ નહીં...ચાલો, હવે તમને સાચી સફર કરાવું!'

...અને પછી મગરએ ત્રણેયને તળાવની સુંદર સફર કરાવી. કોઈ દગો નહીં, માત્ર મજા.

અંતે વાંદરો બોલ્યો, 'બધામાંથી સૌથી મજબૂત કાળજુ સચ્ચાઈ અને મિત્રતાનું છે.'

ડબ્બુ, બબ્બુ અને મગર ત્રણેય હસી પડયાં અને સ્કૂલ જવા નીકળી પડયાં. 

બોધઃ

 છેતરામણીથી કદી મિત્રતા મળતી નથી. સચ્ચાઈ, વિશ્વાસ અને દયાથી જ સાચા મિત્રો મળે છે.