- પ્રકાશકુબાવત
નંદનવનમાં એક સસ્સારાણા રહે. તે ખૂબ જ અભિમાની. જંગલના બધાં પશુઓને તે કહેતા, 'મારા જેવું છે કોઈ સફેદ? સુંવાળું છે કોઈ મારા જેવું?'
જંગલના બધાં પશુઓ તેની આ એકની એક વાતથી કંટાળી ગયાં હતાં. કોઈ તેને જવાબ પણ આપતા નહિ. કોઈ તેના મિત્ર બનવા પણ રાજી નહતાં. અભિમાનીના કોણ મિત્ર બને?
સસલાના ઘરની બાજુમાં જ ઉંદર અને નોળિયાનું ઘર હતું. ઉંદર અને નોળિયો પાક્કા મિત્રો. પાડોશી હોવાના કારણે સસલાને પણ તે મિત્ર બનાવવા ઈચ્છતા હતા, પણ સસ્સારાણા તેનું અપમાન કરી નાખતાં અને કહેતા કે, 'ક્યાં હું સફેદ રૂની પૂણી જેવો અને ક્યાં તમે? તમારી સાથે મિત્રતા કરું તો મારી આબરૂનું શું? જંગલના કોઈ પ્રાણી મારી મિત્રતાને લાયક જ નથી.'
એક દિવસ ઉંદરના ઘરે સુગરીબેન આવ્યાં. ઉંદર તો રાજી રાજી થઈ ગયો. નોળિયાભાઈની ઘરે ચાપાણી પીવા લઈ ગયો. સુગરીબહેનને પણ નોળિયાભાઈ સાથે મજા આવી.
સુગરીબહેને સસલાને પણ જોયો. 'કેમ છો મજામાં ને?' પૂછયું. સસલાએ કંઈ જવાબ ન આપ્યો. તે તો ઘરમાં જતો રહ્યો.
ઉંદરે કહ્યું, 'તેને તેના સફેદ રંગનું અભિમાન છે. નંદનવનમાં તે કોઈ સાથે સારી વાત પણ કરતો નથી.'
સુગરીએ કહ્યું, 'હું હમણાં તેનું અભિમાન ઉતારી દઈશ. હું ચિત્રકળામાં હોશિયાર છું. તમારા બંનેના શરીર પર સપ્તરંગી કલરની પાકી રંગોળી કરી દઈશ. આ રંગોળીથી તમે ખૂબ જ શોભશો.'
આખી રાત જાગીને સુગરી એ ઉંદર અને નોળિયાના શરીર પર સરસ મજાની સપ્તરંગી રંગોળી બનાવી દીધી. સવારે હોંશભેર ઉંદર અને નોળિયો સસલાના ઘર પાસેથી નીકળ્યા. તેમના શરીર પર સપ્તરંગી રંગોળી જોઈને તે તો અચંબિત થઈ ગયો. ઉંદરે કહ્યું, 'તારા કરતાં હું વધારે સુંદર લાગુ છું. તારે તો ફકત એક જ રંગ છે. જ્યારે મારા શરીર પર તો સાત રંગો છે.'
સસ્સારાણા, ઉંદર અને નોળિયા સાથે આંખ મિલાવી ન શક્યા. સુંદર ઉંદરને જોઈને તે તો નીચું જોઈને ચાલ્યા ગયા.


