Get The App

કકુ કાગડો અને ગૌરી ગાય .

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
કકુ કાગડો અને ગૌરી ગાય                              . 1 - image

એક ખેતરમાં એક કાળી ગાય રહેતી હતી. એનું  નામ હતું ગૌરી. એના મોંમાં શબ્દોની મીઠાશ હતી, એની દૃષ્ટિ શાંત અને સ્નેહાળ હતી.  એ આરામથી લીલું ઘાસ ચર્યાં કરે. એની આંખોમાં સદાય 'સેવાની ભાવના' તરવરતી રહે. 

એ જ ખેતરના ઝાડ પર એક કાગડો રહેતો હતો. એનો અવાજ ખૂબ કર્કશ હતો. ખેતરનાં પશુ-પક્ષીઓએ તેનું નામ કકુ પાડી દીધું હતું, કારણ કે તે આખો દિવસ 'કા... કા... કા...' અવાજો કરીને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે પ્રયત્ન કરતો હતો. એ બીજાઓ પાસે બણગાં મારવામાંથી ઊંચો આવતો જ નહોતો.

-'હું ગાવાની કોમ્પિટીશનમાં ફર્સ્ટ આવ્યો છું!'

-'હું જંગલમાં સમાચારો લાવું છું અને લઇ જાઉં છું.'

-'હું બીજા બધા કરતાં અલગ છું, સ્પેશિયલ છું...'

કકુ કા...કા... બોલતો જાય અને આખો દિવસ ખાવાની શોધમાં અહીં-તહી ભટકતો ફરે.

એક દિવસ કકુ બહુ ભૂખ્યો થયો. તેને કશું ખાવાનું મળ્યું નહોતું. એ ઊડીને ગૌરી ગાય પાસે આવ્યો અને કહ્યું-

'ગૌરી, શું તું મને થોડું દૂધ આપી શકેે?'

ગૌરી હળવા સ્મિત સાથે બોલી- 'મારું દૂધ તો મારાં બચ્ચાં અને ગામનાં બાળકો માટે છે. હું તને કદાચ દૂધ આપું પણ ખરી, પણ હમણાં નહીં. તું એેક કામ કર. તું ભગવાનને પ્રાર્થના કર.'

કકુને સમજાયું નહીં. એ કહે- 'એટલે?' ગૌરી ગાય કહે- 'એટલે એમ કે તું ભગવાનને કોઈ પણ બાબત માટે થેન્કયુ બોલ.'

કકુ પ્રાર્થના કરવા બેસી ગયો. એ મનોમન બોલ્યો- 'હે ઈશ્વરપિતા, મારે તમને થેન્ક્યુ કહેવાનું છે, પણ હું શાના માટે થેન્ક્યુ કહું? હા, હું ઊંચે સુધી ઊડી શકું છું તે બદલ તમારો આભાર...'

પ્રાર્થના કર્યા પછી કકુને થોડું સારું લાગ્યું. બીજા દિવસે એ પાછો ગૌરી ગાય પાસે આવ્યો. ગૌરી ગાયે તેને ફરીથી એ જ વાત કરી- 'હું તને દૂધ આપીશ, પણ આજે નહીં. તું પ્રાર્થના કરીને બીજી કોઈ વસ્તુ માટે ભગવાનનો આભાર માન...' 

દૂધની લાલચમાં જ ભલે, પણ કકુએ બીજા દિવસે પણ પ્રાર્થના કરી. પછી તો આ તેમનો રોજનો ક્રમ બની ગયો. કકુ દરરોજ ગૌરી ગાય પાસે આવવા લાગ્યો. એ રોજ ભગવાનને થેન્ક્યુ કહેતો. એને ખબર પણ ન પડે તેમ એનામાં નમ્રતાનો ગુણ વિકસતો ગયો. ગૌરી ગાય આ જોઈને છૂપું સ્મિત કરતી અને હરખાતી. આખરે એક દિવસ ગૌરીએ કકુને બોલાવીને કહ્યું- 

'સાંભળ, આજે મારાં વાછરડાં અને ગામમાં બાળકો બધાંને દૂધ મળી ગયું છે ને તોય થોડું દૂધ વધ્યું છે. મેં એની ખીર બનાવી છે. તું એ ખીર ખાઈશકે છે.'

કકુના ચહેરા પર ચમક આવી. એ તો ચપ-ચપ કરતો ખીર ખાવા લાગ્યો. ગૌરી ગાય કહે-  'કકુ, હવે તને ખબર પડી? તું રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો અને જુદી જુદી બાબતો માટે એમને થેન્ક્યુ કહેતો હતો એટલે તારું અભિમાન સાવ ઓગળી ગયું છે. તારો સ્વભાવ સરસ થઈ ગયો છે. એટલે જ મેં તને આજે ખીર ખાવા માટે આપી...'

કકુ ખુશ થયો. એ કહે- 'ગૌરી, રોજ હું ભગવાનનો આભાર માનતો હતો, પણ આજે તારો પણ આભાર માનીશ. થેન્ક્યુ ગૌરી... મને સારો કાગડો બનાવવા બદલ!'

કકુએ ખોટું ઘમંડ કરવાનું સદંતર છોડી દીધું. પછી તો એ અને ગૌરી ગાય બેસ્ટ ફ્રેન્ડ્ઝ બની ગયાં.

 - ચંદ્રકાંત પથિક