Get The App

કાગનો વાઘ .

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
કાગનો વાઘ                                . 1 - image

- ચાલતા ચાલતાં કોઈએ વળી પૂછ્યું, 'હેં છનિયા, વાઘ કેવા રંગનો હતો?'  છનિયો કહે, 'કાળો મેંશ હતો!'

- ભરત એલ. ગોઠડીયા

છનિયો એવો તોફાની, એવો તોફાની કે ન પૂછો વાત. તે જ્યાં જ્યાં જતો ત્યાં થોડીક વારમાં જ અળખામણો બની જતો. હવે એક વખત આ છનિયો તેના 

બાલદોસ્તો સાથે જંગલમાં ફરવા ગયો. ત્યાં સુંદર મજાનું સરોવર ને વડલાનાં વૃક્ષો ને લીલુંછમ ઘાસ. આવી રળિયામણી મનોહર જગ્યા જોઈ આ બાળદોસ્તોએ  ત્યાં જ રમવાનું પસંદ કર્યું. 

તેમણે સંતાકૂકડી રમવાનું શરૂ કર્યું. બધાં બાળકો સંતાઈ જાય અને એક જણ તેમને શોધવા નીકળે. એક પછી એક સૌનો વારો આવવા લાગ્યો. 

હવે આ ચાલાક છનિયા ઉપર દાવ આવ્યો. પહેલાં તો છનિયાએ ચાલાકી વાપરીને દાવ દીધો જ નહીં. ફરી તેનો દાવ આવ્યો. પહેલી વખતે કરેલી યુક્તિ બીજી 

વખત ચાલી ન શકી. દોસ્તો દાવ દેવા દબાણ કરવા લાગ્યા.  

છનિયો કહે, 'કશો વાંધો નહી. ચાલો બધા જ સંતાઈ જાવ એટલે હું શોધવા આવું.' 

આમ કહેતાં બધા સંતાઈ ગયા, પણ છનિયો તો સાવ અલગ ખોપડીનો માણસ. સૌ સંતાઈ ગયા એટલે એણે જમીન ઉપરથી એક પથ્થરો ઊંચક્યો. એક ડાળી 

ઉપર જ્યાં કાગડો બેઠો હતો તેની તરફ પથ્થરનો સ...ન...ન...ન કરતો છૂટો ઘા કર્યો.  

કાગડો પાંખ ફફડાવતો ઊડયો. જેવો તે ઉડયો કે ઝાડની ડાળીઓનાં સૂકાં પાંદડા તેની સાથે અથડાયા. 

સૂમસામ જંગલમાં થોડો ફફડાટ થતા છનિયો માંડયો બૂમો પાડવા- 'દોડો, દોડો... વાઘ આવ્યો, વાઘ આવ્યો...' 

એની બૂમાબૂમ સાંભળીને સંતાયેલાં બધા દોસ્તારો ફટાફટ બહાર આવી ગયા. તેઓ માંડયા છનિયાને પૂછવા -  'છનિયા, ક્યાં છે વાઘ? અમને બતાવ!' 

છનિયો કહે, 'અરે બાપ રે! કેવો મોટો વાઘ હતો! જો પેલી પથ્થરની ભેખડો દેખાય છેને? તેની પાછળ જ ગયો છે. ચાલો, હવે આપણે રમવું નથી... આપણે તો ઘરભેગા થઇ જઈએ. ક્યાંક વાઘ આપણને ખાઈ ગયો તો?' 

દોસ્તારોએ છનિયાની વાત સાચી માની રમત બંધ કરી. બધા ઘર તરફ ચાલવા લાગ્યા.

ચાલતા ચાલતાં કોઈએ વળી પૂછ્યું, 'હેં છનિયા, વાઘ કેવા રંગનો હતો?' 

છનિયો કહે, 'કાળો મેંશ હતો!'

વળી બીજો પુછે, 'હેં છનિયા, એને પગ કેટલા હતાં?' 

છનિયો કહે, 'બે પગ હતા!' 

ત્યાં વળી ત્રીજાએ પૂછ્યું, 'તે દોડતો હતો કે ધીમે ધીમે ચાલતો હતો?' 

છનિયો કહે, 'ના, ઊડતો હતો!' 

છોકરાઓ વિચારમાં પડી ગયા કે આવો કેવો વાઘ! 

એટલામાં ગામ આવી ગયું. બધાં બાળકોએ તેમનાં મા-બાપને વાત કરી. જાણવા મળ્યું કે કાળો હોય, ઉડતો હોય અને બે પગ હોય એને તો કાગડો કહેવાય, વાઘ ન કહેવાય! 

આ જાણી દોસ્તારો ખૂબ હસ્યાં. એમને થયું કે આપણે તો કાગનો વાઘ કરી બેઠા! 

...ને ત્યારે જ મિત્રોને એ પણ સમજાઈ ગયું કે આ તો દાવ આપવો ન પડે તે માટે છલિયાએ આપણી સાથે ચાલાકી કરી હતી!