Get The App

મગરનું રુદન .

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
મગરનું રુદન                                      . 1 - image


- 'આજે રાત્રે વાઘમામાની બર્થડે પાર્ટી છે અને તમારે ભોજન કરવા જરૂર આવવાનું છે. વાઘ મામાએ અમને નિમંત્રણ આપવા માટે તમારી પાસે મોકલ્યા છે.'

- દિગ્ગજ શાહ 

એક હતો મગર. એનું નામ ઓજી. એ વાત વાતમાં રડે. એ વાત વાતમાં ગુસ્સો કરે. એ વાત વાતમાં ઝગડો કરે. બધાં જ પશુપક્ષીઓ એનાથી દૂર ભાગે. એને જુએ એટલે બધાં પોતાનું મોં ફેરવી લે!

એક દિવસ એજી સસલો ઓજી મગરને જોતાં જ તળાવમાંથી પાણી પીધાં વગર જવા માંડયો. ઓજી મગરે બુમ પાડી, 'અરે એજી સસલાભાઇ! મને જોતાં જ તમે જવા માંડયા? અરે પાણી પીવો... મારી સાથે બે મિનિટ વાત કરો!

સસલાભાઇને ઊભું રહેવું પડયું. જબરદસ્તી સ્માઇલ આપીને પૂછયું, 'બોલો, મગરભાઇ! શું ચાલે છે? કેમ છો તમે?'

ઓજી મગર કહે, 'અરે એજી સસલાભાઇ! શું વાત કરું... મારી સાથે કોઇ વાત જ કરવા નથી માગતું. મને જોતાં જ બધાં દૂર દૂર ભાગે છે! મારો કોઇ દોસ્ત જ નથી. એકલા એકલા કેમ જીવવાનું!'

એજી સસલો કહે, 'તમે પ્રેમથી બધા સાથે બોલો. રડો નહીં. ગુસ્સો ના કરો. ઝગડો ના કરો. તો બધાં તમારી સાથે વાત કરશે... પણ તમારે તો તમારો સ્વભાવ બદલવો જ નથી!'

ઓજી મગર આ સાંભળીને ગુસ્સે થઇ ગયો. બૂમો પાડી પાડીને બોલવાં લાગ્યો, 'એ એજીના બચ્ચાં..! તારી હાઇટ તો જો! તું કોની સાથે વાત કરી રહ્યો છે? મને શીખામણ આપી રહયો છે?'

અને પછી ઓજી મગર તો રડવા લાગ્યો. રડતાં રડતાં બોલવાં લાગ્યો, 'કોઈ મને પસંદ જ નથી કરતું. કોઇ મારો દોસ્ત જ નથી... મેં કોઇનું શું બગાડયું છે?'

એજી સસલો તો ઓજી મગરને રડતાં જોઇને ડરીને ત્યાંથી ભાગી ગયો. એજી સસલો નાસી ગયો એટલે ઓજી મગર રડવાનું બંધ કરીને હસવા લાગ્યો, અને પાણીમાં ધુબાકા મારવાં લાગ્યો!

ઓજી મગર મનમાં ખુશ થતાં બોલ્યો: આ બધાં નાનાં નાનાં પ્રાણીઓને એક દિવસ હું સવારના નાસ્તામાં ખાઇશ! બપોરના ભોજનમાં થોડાં મોટાં પ્રાણીઓને ખાઇશ. રાત્રીના ભોજનમાં એનાથી મોટાં પ્રાણીઓને ખાઇશ..!'

ઓજી મગરને લાગણી જેવું કંઈ જ નહીં. એ હંમેશા ખોટું ખોટું બોલે. ખોટું ખોટું રડે. ખોટું ખોટું નાટક કરે. બધાંને મૂર્ખ બનાવે અને પોતાનો સ્વાર્થ પૂરો કરે!

તળાવનાં કિનારે ઝાડ પર રહેતો લોજી વાંદરો આ ઓજી મગરનું રોજનું નાટક જુએ. એ મનોમન નક્કી કરે કે એક દિવસ આ મગરના બચ્ચાને હું મસ્ત પાઠ ભણાવીશ. એને રાડ ના પડાવી દઉં તો મારું નામ લોજી વાંદરો નહીં!

એક દિવસ સવાર-સવારમાં એજી સસલો ગાજરનો નાસ્તો કરી રહ્યો હતો. ત્યાં જ એને મળવા લોજી વાંદરો આવ્યો.

 લોજી વાંદરો કહે, 'એજી સસલા ભાઇ! થોડાં ગાજર સાથે લઇ લો. આપણે મગરને મળવા જઈએ. એને પાઠ ભણાવવો છે!'

એજી સસલો કહે, 'નામ ના લો એ ઓજી મગરનું! મારે નથી મળવું એને! લો તમે ગાજર ખાઓ!'

લોજી વાંદરો કહે, 'ગાજર પછી ખાઈશું. તમે મારી સાથે ચાલો!'

એજી સસલો લોજી વાંદરાની વાત માનીને એની સાથે ગયો.

બન્ને મગરને મળ્યા. એને કહ્યું, 'આજે રાત્રે વાઘમામાની બર્થડે પાર્ટી છે અને તમારે ભોજન કરવા જરૂર આવવાનું છે. વાઘ મામાએ અમને નિમંત્રણ આપવા માટે તમારી પાસે મોકલ્યા છે.'

ઓજી મગર ખુશ થઈને કહે, 'હા, હા, જરૂર. ભોજન માટે તો હું આવીશ જ!'

રાત્રે વાઘ મામાના ઘરે ઓજી મગર ગયો. ત્યાં કોઈ બર્થ ડે પાર્ટી નહોતી!

વાઘ મામાએ એને જોતાં જ ત્રાડ પાડી, 'એ મગર! અહીં શું કામ આવ્યો છે? મારે તો તારું મોં પણ નથી જોવું!'

ઓજી મગર આ સાંભળીને રડવા લાગ્યો. અચાનક શહેરના પ્રાણી સંગ્રહાલયવાળા પોતાની ગાડીઓ અને પિંજરું લઇને આવી ગયા. તેઓ મગરને પકડને લઇ ગયા.

વાઘ મામા તો ઝડપથી દોડીને દૂર દૂર ભાગી ગયા. બાજુમાં સંતાઇને બેઠેલા એજી સસલો અને લોજી વાંદરો એકબીજાને તાળીઓ આપીને ખુશ થતા બોલ્યા, 'વાહ..! આપણો પ્લાન સફળ થયો! આપણે પ્રાણી સંગ્રહાલયને સંચાલકને ફોન કર્યો હતો એ સારું કર્યું. ઝૂની ગાડી એકદમ સમયસર આવી ગઈ. વાહ! ચાલો, પાર્ટી કરીએ!'   

...ને બંને ઉપડયા પાર્ટી કરવા!

Tags :