એક હતી નદી. એમાં રહેતો હતો મોટો મગર. નદીમાં ઘણી બધી માછલીઓ પણ રહેતી, એમાં એક નાની માછલી એવી તો સુંદર કે ન પૂછો વાત. પાછી એ ચપળ પણ એવી જ હો! કોઈ માછીમાર જાળ નાખી માછલી પકડવા આવે તો એ સરરર... કરતી એવી તો ત્યાંથી સરકી જાય, ને પાણીમાં ડૂબકી મારી ઊંડે ઊતરી જાય કે માછીમારની જાળમાં એ ફસાય જ નહીં. જાળ એટલે માછલી, પંખી વગેરેને પકડવાની છૂટા છૂટા આડાઅવળા દોરા ગૂંથીને બનાવેલી જાળી, જેમાં વચ્ચે વચ્ચે ઝીણાં ઝીણાં કાણાં હોય, જેમાં માછલી, પંખી વગેરે ફસાઈ જાય.
મગર આમ તો માછલીને ખાઈ જાય, પણ જોવા જેવી વાત એ કે આ સુંદર માછલી અને આ મોટો મગર બેય પાકાં દોસ્ત! બેય હારે તરે, ફરે, ખાવાનું ખાય, અલકમલકની વાતો કરે. મગર મોટો એટલે આ માછલીએ મગરનું નામ પાડયું હતું 'મોટુ...' ને મગર આ માછલીને 'મીનુ...' કહીને બોલાવતો એટલે બીજા બધાં પણ આ બેયને આ જ નામે બોલાવતાં. મગરને મીનુ માછલી વિના ન ગમે ને મીનુ માછલીને મોટુ મગર વગર! ઘણા આ માછલીને આવું કંઈક કહેતાં કે 'એલી મીનુ, તેં મગરને દોસ્ત તો બનાવ્યો, પરંતુ મગર તો માછલીનો ખોરાક. એ મોટુ ખોટું કરી તને ખાઈ જશે તો?' ત્યારે માછલી આવો કંઇક જવાબ આપતી, 'મોટુ તો મારો પાકો ને સાચો દોસ્ત છે. સાચો દોસ્ત કોઈ દી' એના દોસ્તને હેરાન કરે? ખાઈ જાય? દગો કરે? ના. અમને બંનેને એકબીજા પર પૂરો ભરોસો છે. મારો મોટુ મને ખાઈ નહીં જાય, ઊલટું એ તો જે મને ખાવા આવશે એને ખાઈ જાય એવો છે!'
એક દિવસની વાત છે. એક હતો માછીમાર. નામ એનું કાળુ. એ આ નદીકાંઠે આવ્યો. એણે તો માછલાં પકડવા જાળને નદીમાં ફેંકી. હવે તે દિવસે મીનુ માછલીની તબિયત સારી નહોતી, એટલે એ ઝડપથી તરી શકતી નહોતી. એ તો નદીમાં શાંતિથી એક જગ્યાએ સૂતી હતી. ઘણા દિવસથી કાળુની નજર આ માછલી પર હતી. એને થતું કે 'આ માછલી બહુ દેખાવડી ને પાછી ચપળ પણ છે, એટલે જો આ માછલી મારા હાથમાં આવી જાય તો એને વેચતા વધુ પૈસા મળે.'
જોકે આ માછલી કદી એની જાળમાં ફસાતી નહીં, પણ આજ બરાબરનો મોકો હતો. એણે જાળ ફેંકી. પહેલે ધડાકે તો એ માછલી હાથમાં ન આવી, પણ એ બહુ દૂર ન જઈ શકી. એણે બૂમ પાડી, 'બચાવો, બચાવો...' મગર આ બૂમ સાંભળી દોડયો. માછલી ધીરેધીરે એની પાસે જવા માંડી એટલે માછીમાર બોલ્યો, 'ભાગ ભાગ માછલી, ભાગીભાગીને તું કેટલેક જઈશ? લે! તું તો સામે ચાલીને મારી સામે આવે છે!' પણ ત્યાં તો કૌતુક થયું. અચાનક એ માછલી ગુમ થઈ ગઈ! કાળુ આમતેમ જોતાં વિચારી રહ્યો, 'અરે પેલી માછલી હમણાં તો અહીં જ હતી, અચાનક એ ગઈ ક્યાં? દેખાતી કેમ નથી?' ત્યાં તો એકાએક મગર દોડયો ને કાળુ તરફ ધસ્યો. કાળુ કહે, 'માર્યા ઠાર! માછલી તો નહીં મરે, આમાં તો મારો મરો થઈ જશે, ભાગો...' એ તો ઝટપટ જાળ સમેટીને જાય ભાગ્યો. વહેલું આવે ઘર.
હવે થયું હતું એવું કે મોટુ મગરે પોતાનું મોં ખોલ્યું હતું ને એ મીનુ માછલીને ગળી ગયો હતો. બીજી માછલીઓ દૂર રહીને ત્યારે એમ કહી રહી હતી કે 'જોયુંને મીનુ, અમે તને નહોતા કહેતાં કે મોટુ મગર એક દી' તને ખાઈ જશે?' મીનુ મગરની અંદર બેઠી બેઠી બધું સાંભળી રહી હતી. જેવો માછીમાર ગયો એટલે મગરે મોં ખોલ્યું ને મીનુ એમાંથી બહાર આવતાં બોલી. 'અરે મારી વહાલી માછલીઓ, માછીમાર મને પકડી ન જાય એટલે મોટુએ મને એના મોઢામાં સંતાડી દીધી હતી. એણે મને ખાવા માટે મોઢામાં નહોતી નાખી. મોટુ, તારો ખૂબ આભાર. તેં મને બચાવી લીધી, નવું જીવન આપ્યું.' મગર કહે, 'મીનુ, એમાં આભાર શેનો? તું તો મારી પાકી દોસ્ત. મિત્ર મુશ્કેલીમાં હોય તો એને એનો મિત્ર એમાંથી બહાર કાઢે જ ને?' મીનુ કહે, 'મોટુ, તેં મને મોઢાની અંદર લઈ મુશ્કેલીમાંથી બહાર કાઢી! ભગવાન તને સો વરસનો કરે.'
નદીમાં રહેતી બીજી એક માછલી બોલી, 'બોલો મોટુ મગરની...' નદીમાં રહેતા બીજાં જળચર જીવોએ એની જય બોલાવી. મોટુ મોટેથી બોલ્યો, 'બોલો મીનુ માછલીની...' બધાએ ફરી જય બોલાવી.


