Get The App

સૃષ્ટિ અને વૃષ્ટિ .

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
સૃષ્ટિ અને વૃષ્ટિ                                  . 1 - image

- 'હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં શાંતિ હોય છે. વૃષ્ટિ સૂઈ જશે ત્યાં સુધી હું વાંચીશ અને તે જાગશે ત્યારે વાતો-વાતોમાં તેને બધા ટોપિક સમજાવી દઈશ. એનાથી મારું પણ પાકું થશે અને વૃષ્ટિને મહેનત નહીં કરવી પડે. અમે બંને સાથે તૈયારી કરી શકીશું.'

- જાગૃતિ 'નિર્મોહી' 

વૃષ્ટિ અને સૃષ્ટિ બહેનપણીઓ હતી. જેટલું સાથે રહે એથી વધુ ઝગડતી પણ રહે. ઝગડો થાય તો સોસાયટી, શાળા અને ઘરમાં સૌને  ખબર પડી જાય. ક્યારે ઝગડે અને ક્યારે ભેગાં થાય, કોઈને કંઈ સમજાય નહીં. બધા સૃષ્ટિને 'જબરી' કહેતા હતા, પરંતુ સૃષ્ટિને કોઈની વાતનું દુખ ન લાગે. તે હસીને બધી વાત જવા દેતી હતી.

સૃષ્ટિનાં મમ્મી કહેતાં, 'તું અને વૃષ્ટિ હંમેશાં સાથે રહો છો તો પણ તને બધા જબરી કહે છે. તું તારો સ્વભાવ સુધાર, હવે તું મોટી થઈ ગઈ છે.' 

સૃષ્ટિ પૂછતી, 'મમ્મી, હું તમને અને પપ્પાને જબરી લાગું છું?' 

મમ્મીએ હસીને કહ્યું, 'ના ના બેટા, તું તો એક ફરિયાદની તક અમને આપતી નથી. ભણવામાં આજ સુધી તું પ્રથમ રહી છે. તું સારું ભણે અને સારાં કાર્યો કરે, એવું જ અમે ઈચ્છીએ છીએ.'

સૃષ્ટિ અને વૃષ્ટિનો શાળામાં છેલ્લો દિવસ હતો ત્યારની આ વાત છે. ધોરણ ૧૨ની પરીક્ષા માટે વાંચવાની રજાઓ પડવાની હતી. બંનેએ નક્કી કર્યું કે પરીક્ષા સુધી બહુ મળીશું નહીં અને ખોટો સમય વેડફીશું નહીં. બંનેએ નાસ્તો કર્યાે, સુંદર વાંચન માટે એકબીજાને શુભેચ્છાઓ આપી અને છૂટા પડયાં. જતાં-આવતાં બંનેનાં મમ્મી એકબીજાનાં ખબર-અંતર પૂછતા હોય એટલે સૃષ્ટિ અને વૃષ્ટિને સમાચાર મળી જતા.

પરીક્ષાને અઠવાડિયું બાકી હતું ત્યારે વૃષ્ટિ બીમાર પડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સૃષ્ટિએ આ વાત જાણી ત્યારે તે ખૂબ દુખી થઈ. તેણે મનમાં વિચાર્યું, 'મારી બહેનપણી બીમાર થઈ છે, તે વાંચશે ક્યારે અને કેવી રીતે? મારે એના માટે કંઈક તો કરવું જોઈએ.'

સૃષ્ટિએ નક્કી કર્યું કે તે પોતે વાંચશે અને વૃષ્ટિને પણ વંચાવશે. તે તેના પપ્પા પાસે ગઈ. તેઓ છાપું વાંચતા ચા પીતા હતા. સૃષ્ટિએ જઈને કહ્યું, 'પપ્પા, મારે તમારી એક મંજૂરી જોઈએ છે.' 

મમ્મી રસોડામાંથી દોડી આવી. પપ્પાએ પૂછયું, 'બોલ બેટા, શું થયું?'

સૃષ્ટિએ કહ્યું, 'તમે જાણો છો કે વૃષ્ટિ હોસ્પિટલમાં છે અને પરીક્ષામાં બહુ સમય નથી. જો હું તેને વાંચવામાં મદદ કરીશ તો તે તૈયાર થઈ જશે. શું તમે મને હોસ્પિટલમાં તેની સાથે રહેવા દેશો?' 

મમ્મી થોડા કચવાતા મને બોલ્યાં, 'તું કેવી રીતે વૃષ્ટિને મદદ કરીશ?' 

સૃષ્ટિએ સમજાવ્યું, 'હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં શાંતિ હોય છે. વૃષ્ટિ સૂઈ જશે ત્યાં સુધી હું વાંચીશ અને તે જાગશે ત્યારે વાતો-વાતોમાં તેને બધા ટોપિક સમજાવી દઈશ. એનાથી મારું પણ પાકું થશે અને વૃષ્ટિને મહેનત નહીં કરવી પડે. અમે બંને સાથે તૈયારી કરી શકીશું.'

સૃષ્ટિના પપ્પા તેની વાત માની ગયા. તેમણે કહ્યું, 'જા, તું ચોપડા લઈ આવ. પાણીની બોટલ, ટિફિન, ફ્ટ અને થોડો નાસ્તો પણ લઈ લે. હું તને મૂકી જઈશ.' 

સૃષ્ટિ તો પહોંચી ગઈ વૃષ્ટિ પાસે! તેને જોઈને વૃષ્ટિ અડધી સાજી થઈ ગઈ. સૃષ્ટિએ હોસ્પિટલમાં જ વૃષ્ટિના 'ક્લાસ' ચાલુ કર્યાં. બંને સાથે ખાય-પીએ અને ભણે. ડૉક્ટર અને ત્યાંના કર્મચારીઓ પણ આ મિત્રતાના વખાણ કરતા થાકતા નહોતા.

વૃષ્ટિ વાંચન સાથે જલ્દી સાજી થઈ ગઈ. બંનેએ પરીક્ષા આપી અને પેપર ખૂબ સરસ ગયાં. પરિણામ આવ્યું ત્યારે વૃષ્ટિને સૃષ્ટિ કરતાં વધુ ગુણ મળ્યા હતા. વૃષ્ટિને જરાય ખુશી ન થઈ. તે ઉદાસ થઈ ગઈ અને રડતાં રડતાં મમ્મી-પપ્પાને કહ્યું, 'મહેનત સૃષ્ટિની હતી અને પરિણામ આવું આવ્યું! સૃષ્ટિ કેટલી દુખી થઈ હશે!'

ત્યાં તો સૃષ્ટિ તેના મમ્મી-પપ્પા સાથે ચોકલેટ લઈ વૃષ્ટિને અભિનંદન આપવા આવી પહોંચી! વૃષ્ટિને રડતી જોઈ સૃષ્ટિએ તેને સમજાવી અને છાની રાખી. આ જોઈ વૃષ્ટિના મમ્મી-પપ્પા હરખાયાં. તેમણે સૃષ્ટિની ખેલદિલી અને નિખાલસ મિત્રતાના ભરપૂર વખાણ કર્યા. જે લોકો સૃષ્ટિને 'જબરી' કહેતા હતા, તેઓ તેની આ ખેલદિલી જોઈને ભોંઠા પડી ગયા.

સૃષ્ટિ અને વૃષ્ટિ સાથે બોલી ઊઠયાં, 'લડીએ... ઝગડીએ, અમે કદી ન છૂટાં પડીએ.' 

હાથતાળી દઈને બંનેએ ચોકલેટ ખાવા માંડી.