જંગલમાં અદાલત .
- 'અરે, રાજાજી! આ શું બોલ્યા? એક રોટલો વહેંચવાની બાબતનો ન્યાય આપતાં આપતાં વકુ પોતે જ આખો રોટલો ખાઈ ગયો હતો. તે વાત આપ ભૂલી ગયા? એ શું ન્યાય આપવાનો!'
- ક્લેરા ક્રિશ્ચિયન
શેરુસિંહનું જંગલ એટલે શાંતિ માટે વિશ્વનું પ્રખ્યાત જંગલ. શાંતિ હોય ત્યાં સુખ, સમૃદ્ધિ અને આનંદ હોય જ.
જોકે છેલ્લા કેટલાક સમયથી વાતાવરણ ડહોળાઇ ગયું હતું. લડાઈ-ઝગડા વધી ગયાં હતાં. રોજરોજ આવતી ફરિયાદોને કારણે રાજા કંટાળી ગયા હતા. એક તો ઉંમર વધવાને કારણે શરીરમાં અશક્તિ આવી ગઈ હતી અને રોજ સવાર પડે ને ફરિયાદ આવવા માંડે. રાજાને ચતુર શિયાળની યાદ આવી. એની સલાહ લેવા માટે રાજાએ એને બોલાવ્યો.
રાજાએ પોતાની ચિંતા તેને જણાવી. શિયાળે કહ્યું, 'રાજાજી! માનવોએ તેમના વિસ્તારમાં આવી ફરિયાદોના ઉકેલ માટે અદાલતો સ્થાપી છે, કે નાના-મોટા ઝઘડાઓના નિવારણ માટે કોઈએ મંત્રી પાસે આવવું પડે જ નહી. ન્યાયાધીશ જ તેનો ન્યાય આપે. આપણે પણ એવું કરીએ તો?'
શેરુસિંહને વિચાર ગમી ગયો. પોતાની પાસે કોઈ જ ફરિયાદ લઈને આવશે જ નહીં એ વાત તેમને પસંદ આવી... પણ ન્યાયાધીશ બનાવવો કોને? બન્ને વિચાર કરવા લાગ્યા.
થોડીવાર પછી રાજાએ કહ્યું, 'પેલા વકુ વાનરને ન્યાયાધીશ બનાવીએ તો?'
ચતુર શિયાળ બોલ્યું, 'અરે, રાજાજી! આ શું બોલ્યા? એક રોટલો વહેંચવાની બાબતનોન્યાય આપતાં આપતાં વકુ પોતે જ આખો રોટલો ખાઈ ગયો. તે વાત આપ ભૂલી ગયા?
એ શું ન્યાય આપવાનો!'
શેરુસિંહે કહ્યું, 'તારી વાત સો ટકા સાચી છે. ન્યાયાધીશ તરીકે વકુ વાનર ન ચાલે. ન્યાયાધીશ તો હોશિયાર, પક્ષપાત વિનાનો, લાંચ ન લેનારો અને ગુનેગારને પારખીને લઈને એને યોગ્ય સજા કરી શકે તેવો હોવો જોઈએ.'
તરત જ શિયાળ બોલ્યું, 'આ બધું વિચારીએ તો ધનપાલ ઘોડો ન ચાલે?'
રાજાએ કહ્યું, 'ચાલે નહીં, દોડે. તેનામાં આ બધા જ ગુણો છે.' ત્યાર પછી જંગલની કમિટિ બોલાવવામાં આવી. સૌએ સહર્ષ વાત સ્વીકારી લીધી. મહાસભા યોજીને ઝડપથી આ કાર્ય થાય તે માટે તારીખ પણ નક્કી થઈ ગઈ.
નક્કી કરેલા દિવસે અજવાળી રાતે, નદીનો કિનારો નાનાં મોટાં તમામ પશુપંખીઓથી ભરાઈ ગયો. જાણે કોઈ મોટો ઉત્સવ ન હોય! બે વૃક્ષ સાથે ર્ખિીજા ર્ભેિા શબ્દો લખેલું આકર્ષક બેનર લગાવવામાં આવ્યું હતુ.ં રાજાની જાહેરાત અને ભાષણ પૂરું થયા પછી ધનપાલ ઘોડાનું ન્યાયાધીશ તરીકે ફૂલમાળાથી સન્માન કરવામાં આવ્યું. તાળીઓના ગડગડાટ થઈ ઉઠયો.
સૌએ આનંદથી ગરબા ગાવાનું
શરૂ કર્યું -
'નાનામોટાં પશુપંખીઓ,
દોડતાં દોડતાં આવોને
આજે ઉત્સવ છે અનેરો,
ગરબા ગાવા આવોને...
ઢમક ઢમ ઢમ ઢોલ વાગે,
રૂમઝૂમ રૂમઝૂમ નાચો રે,
આનંદ કરીએ ભેગાં મળીને,
શાંતિથી સૌ જીવીએ રે...
ગરબા પૂરા થયા પછી બધાએ નારા લગાવ્યા: 'શેરુસિંહ રાજાજી... અમર રહો, અમર રહો...' 'ન્યાયાધીશ ધનપાલજી... ઝિન્દાબાદ ઝિન્દાબાદ...'
સૌ આનંદ કરતાં કરતાં છૂટા પડયા. આમ, રાજાની તમામ ચિંતાનો ભાર હળવો થયો.