- 'તમે બધા આમ અંદરોઅંદર લડો છો તે સારું નથી. તમારા બધામાં કોઈ રાજા નથી. કોઈ રંક નથી. કોઈ ગુણવાન કે કોઈ નિર્ગુણ નથી. રણછોડરાયે પ્રત્યેક માણસની જેમ પ્રત્યેક ફળમાં જુદા જુદા ગુણ મૂક્યા છે.
ભારતી પી.શાહ
શકરી શાકવાળીએ શાક વેચવાનું બંધ કરીને હવે ફળફળાદિ વેચવાની શરૂઆત કરી હતી. જેતપુરની ફળ માર્કેટમાં જઈને તેણે તરબૂચ, ટેટી, કેળા, સંતરા, ચીકુ, બોર વગેરે ફળો ખરીદ્યાં. એને લારીમાં વ્યવસ્થિત ગોઠવી દીધા. લારીમાં ગોઠવાયેલાં ફળોની ટોકરી નિકુંજભાઈ લઈ ગયા. તે ટોકરીને તેમણે ઘરે જઈને સાચવીને મૂકી દીધી.
જેવાં ફળો એકલાં પડયાં કે તરત ટોપલીમાં તકરાર શરૂ થઈ. ' આ તરબૂચ કેટલી બધી જગ્યા રોકે છે. તે શ્વાસ લે છે તો પણ ધક્કા વાગે છે જાડાપાડા..' કેળાં બોલ્યાં.
'એય લંબુ કેળા... ચૂપ રહેજે... હમણાં એક ધક્કો મારીશ તો ચગદાઈ જઈશ.. ' તરબૂચ બોલ્યું.
'તરબૂચભાઈ તમે મોટા છો તેનો અર્થ એ નહીં કે તમે બધાને દબડાવો...' સંતરાં બોલ્યાં.
'આ ટેટીબેન મોટાં જ છે, પણ એ તમારી જેમ ઝઘડતાં નથી, સમજ્યા?' ચીકુ બોલ્યું.
ચીકુની વાત સાંભળી તરબૂચ બરાડયું, 'ચૂપ ટેણિયા... જરાક અમથું છે અને મને શિખામણ આપે છે.. ગરમીના દિવસમાં લોકો હોંશેહોંશે મને ખાય છે, મારાથી તેમને ઠંડક મળે છે. હું મિઠાસ અને વિટામીનથી ભરપૂર છું.. કેટલાક લોકો મારો જ્યુસ પીવે છે, કેટલાંક લોકો મારી છાલમાંથી શાક બનાવે છે. વળી, મારા આ કાળા બીયાને લોકો ધોઈને સૂકવે છે. પછી ફોલીને ખાય છે... તારી છાલ કે બીયા કોઈ કામના નથી.'
ટેટી બોલી,'એવું ના બોલો તરબૂચ ભાઈ... હું પણ મોટી અને પાણીદાર છું. બધા મને રોટલી સાથે હોંશે હોંશે ખાય છે. મારા બીયાનો લોકો ઉપયોગ કરે છે. તેનો અર્થ એ નહીં કે નાનાની કોઈ કિંમત નથી.'
સંતરું કહે, 'ટેટીબેન, તમે તદ્દન સાચું કહ્યું. મારી પ્રત્યેક પેશીમાં રસ ભરેલો છે. લોકો મારો રસ કાઢીને પીવે છે. બીમાર વ્યક્તિને મારો રસ પીવડાવવામાં આવે છે.'
કેળુ અકળાઈને બોલ્યું, 'આ તરબૂચભાઈ મારો છૂંદો કરવાની વાત કરે છે, પણ એ નથી જાણતાં હું બારેમાસ આવું છું. લોકો રોટલી સાથે, રાયતામાં જ્યુસમાં બધે મારો ઉપયોગ કરે છે. હું તમારી જેમ સિઝનમાં આવતી નથી. બધાને બારેમાસ સંતોષુ છું.'
'હું પણ કેળાની જેમ બારેમાસ બધાની સેવા કરું છું,' ચીકુએ શર્ટનો કોલર ઊંચો કરતાં કહ્યું,'
તરબૂચ ચિડાઈને બોલ્યું,'રહેવા દે... રહેવા દે.. . પેલા ડાયાબિટિસવાળા બધા તમારાથી દૂર ભાગે છે દૂર...' ત્યાં તો ટોપલીનાં ફળોમાં મારામારી શરૂ થઈ ગઈ, બોલાબોલી વધી ગઇ, અને ઝઘડો.પણ વધી ગયો.
કોઈનું માથું છુંદાયું, કોઈ પિચકાઈ પડયું. સંતરાનો તો રસ વહેવા લાગ્યો. વત્તાઓછા પ્રમાણમાં બધા ઘાયલ થયા. કોઈ યુધ્ધ થયું હોય તેમ બધા વેરવિસરખેર પડી ગયા.
સાંજે નિકુંજભાઈને ત્યાં તેમની બહેન શેતલ, બનેવી કેયુરભાઈ અને તેમના બાળકો કુશાગ્ર અને આર્યન આવવાનાં હતાં. શેતલબહેનના પરિવાર માટે ફ્રુટડીસ અને જ્યુસ તૈયાર કરવાના હતાં. નિકુંજભાઈએ પોતાના બાળકો દેવાંગ અને ધુ્રવને ફળની ટોપલી લાવીને છોટાલાલ દાદાને આપવા જણાવ્યું. બન્ને બાળકોએ ટોપલી લાવીને દાદા પાસે મૂકી. દેવાંગ બોલ્યો, 'દાદા, આ સાવ કેવાં ફળો છે? જરાય સારા નથી.'
દાદા કહે, 'મને પણ એવું જ લાગે છે. જાણે કુસ્તીના મેદાનમાંથી આવ્યા હોય..!'
છોટાલાલ દાદા બધાં ફળોનું ધ્યાનથી નિરીક્ષણ કરવા લાગ્યા. ત્યાં ટેટી બોલી, ' આ તરબૂચભાઈએ બધાની સાથે ઝઘડો કર્યો. પછી મારામારી થઈ.'
'મારામારી શા માટે? ' નવાઈ પામી દેવાંગ બોલ્યો.
'અમારા બધામાં ક્યું ફળ સારું છે તે મુદ્દે બધા લડી પડયા.'
'ઓહ માય ગોડ...' ધુ્રવ બોલી ઉઠયો.
એટલામાં શેતલબેનનો પરિવાર આવી પહોંચ્યો. કુશાગ્ર અને આર્યન ખુશ થતાં દાદાના રૂમ તરફ પહોંચ્યા. ત્યાં તેમણે દાદાની સાથે દેવાંગ અને ધુ્રવને ફળોની સાથે વાતચીત કરતાં જોયાં. તેઓ નવાઈ પામી ત્યાં જ ઊભા રહી ગયા.
ફળોનું નિરીક્ષણ કરી રહેલાં દાદા બોલ્યા, 'તમે બધા આમ અંદરોઅંદર લડો છો તે સારું નથી. તમારા બધામાં કોઈ રાજા નથી. કોઈ રંક નથી. કોઈ ગુણવાન કે કોઈ નિર્ગુણ નથી. રણછોડરાયે પ્રત્યેક માણસની જેમ પ્રત્યેક ફળમાં જુદા જુદા ગુણ મૂ ક્યા છે. કોઈમાં વિટામીન, તો કોઈમાં લોહતત્વ અને કેલ્શિયમ. કોઈમાં મીઠાશ તો કોઈમાં ખટાશ મૂકી છે. બધામાં રહેલાં જુદા જુદા તત્વગુણો મનુષ્ય અને સજીવ સૃષ્ટિ માટે કામના જ છે, અને તેથી જ તમને બધાને જતનપૂર્વક ઉછેરવામાં આવે છે... તો પછી લડવાનું શા માટે? બધા સંપીને એક થઈને રહેશો તો તમારા બધાના માન-સન્માન વધી જશે. તમે બધા તો માનવજાતનાં ખાધેલા ખોરાકને પચાવવામાં મદદ કરો છો. માટે હવે લડવાનું નહીં અને એક થઈને રહેવાનું...'
તરબૂચ બોલ્યું, 'માફ કરજો દાદા. હું ખૂબ મોટો છું એટલે મારે મોટું મન રાખવું જોઈએ...'
બીજાં બધાં ફળોએ પણ દાદાની માફી માંગી. પછી સૌ ડાહ્યાડમરાં થઈ ટોપલીમાં બેસી ગયાં.
આર્યન બોલ્યો, 'દાદા, ફળોએ જે વાત કરી તે પ્રત્યેક મનુષ્યએ પોતાના જીવનમાં ઉતારવા જેવી છે...'
દાદા કહે, 'સાવ સાચી વાત...!'
બાળમિત્રો, ભગવાને પ્રત્યેક સજીવમાં અલગઅલગ વિશેષતા મૂકી છે. આ વિશેષતા અંગે મનમાં અહમ્ભાવ રાખ્યા વગર સંપીને રહેવું જોઈએ, ખરુંને?


