Magazines

આત્મવિશ્વાસી સસલો .

By GS TEAM
6 Mar 20262 mins read
આત્મવિશ્વાસી સસલો                                   .

- ચિરાગ એચ.શર્મા

- સસલા અને તેની ટીમે અત્યાર સુધી ચાલતો ભ્રષ્ટાચાર જંગલનાં પ્રાણીઓ સામે ખુલ્લો પાડયો. જોરશોરથી પ્રચારકાર્ય કર્યું અને સૌને સચ્ચાઈ બતાવી... 

એક જંગલ હતું. તેમાં ઘણાંબધાં જીવો રહેતાં હતાં. વાઘ, રીંછ, ચિત્તો, હરણ, જીરાફ, હાથી, સસલું વગેરે જેવાં પ્રાણીઓ જંગલમાં સુખેથી રહેતાં હતાં. જંગલનો રાજા સિંહ તેનો મુખ્યપ્રધાન શિયાળ અને તેનું મંત્રીમંડળ જે ઘણાં વર્ષોથી કપટથી ચૂંટણી જીતી આવતાં હતાં. તેઓ રાજાને ગેરમાર્ગે દોરી પોતાનું મનગમતું કામ કરાવી લેતાં હતાં. પ્રાણીઓનાં હિતની તેમને કોઈ ચિંતા ન હતી. તેમને તો તેમનું ધાર્યું ખોટું કામ કરાવવું હતું.

ઘણા સમય સુધી આમ જ ચાલ્યું. જંગલનાં ઘણાં પ્રાણીઓ હવે ખોટા વહીવટને લીધે પરેશાન હતાં. સૌના મનમાં પ્રધાન અને મંત્રીમંડળના ખોટા વહીવટને લીધે આક્રોશ હતો. 

એક રુપકડો આત્મવિશ્વાસી સસલો, જે ઘણો હોશિયાર હતો, તેણે હવે પછીની ચૂંટણીમાં બદલાવ લાવવાનો સંકલ્પ કરી લીધો હતો. જેવી ચૂંટણી જાહેર થઈ તેણે પ્રધાનપદ માટે પોતાનું ફોર્મ ભર્યું અને અન્ય સારા મિત્રોને પણ મંત્રીમંડળના અન્ય હોદ્દાઓ માટે ઉમેદવાર તરીકે ઊભા કર્યા. તેણે અને તેની ટીમે અત્યાર સુધી ચાલતો ભ્રષ્ટાચાર જંગલનાં પ્રાણીઓ સામે ખુલ્લો પાડયો. જોરશોરથી પ્રચારકાર્ય કર્યું અને સચ્ચાઈ બધાને બતાવી કે જુઓ જુઓ, અત્યાર સુધી ઘણું ખોટું થતું હતું આપણા રાજ્યમાં.

આખરે ચૂંટણીનો દિવસ આવી ગયો.  જંગલમાં ખૂબ સારા પ્રમાણમાં મતદાન થયું. એક દિવસની ગણતરી પછી પરિણામ આવતાં ઘણાના આશ્ચર્યનો પાર નહોતો, કેમ કે પ્રધાનપદ માટે સસલાનો ભવ્ય વિજય થયો હતો અને તેની ટીમે પણ વિજય મેળવ્યો હતો. શપથગ્રહણના બીજા દિવસથી જ બધાએ પ્રમાણિકતાથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે પ્રધાન સસલો રાજાને સાચી સલાહો આપતો, જંગલનાં સૌ પ્રાણીઓનાં હિતમાં હોય તેવાં સૂચનો કરતો. તેથી રાજાના નિર્ણયોથી હવે સમગ્ર જંગલનાં પ્રાણીઓ ખુશ હતાં. જંગલમાં હવે બધે અધૂરાં કામ પૂરાં થવા માંડયાં અને બધાં જ શાંતિથી રહેવા લાગ્યાં. જંગલમાં તો જાણે રામરાજ્ય સ્થપાયું!

બોધ

ધીરજ અને આત્મવિશ્વાસથી કોઈ પણ અશક્ય લાગતાં કામને શક્ય કરી શકાય છે.