જાતજાતના અવાજ કાઢતું પક્ષી કોમન લૂન
પૃથ્વી પર બધા જ વિસ્તારોમાં પક્ષીઓ જોવા મળે પરંતુ દેશ પ્રદેશ, હવામાન અને ભૌગોલિક સ્થિતિ મુજબ દરેક પક્ષીની જાત લાક્ષણિકતાઓથી ભરેલી છે. ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને આઈસલેન્ડના ઠંડા પ્રદેશમાં જોવા મળતાં કોમન લૂન બતક જેવા પક્ષીઓ છે પરંતુ તે લાંબા અંતર સુધી ઊડી શકે છે. આ પક્ષીઓ ચીસો પાડવી, રડવું, ટહૂકા કરવા વગેરે જાતજાતના અવાજ કાઢી શકે છે. તેના અવાજ ઘણે દૂર સુધી સંભળાય તેટલા મોટા હોય છે. કોમન લૂન ત્રણેક ફૂટ લાંબા હોય છે અને પીઠ ઉપર સફેદ ટપકાં હોય છે. તે જળાશયમાં રહે છે તે પાણીમાં ૨૦૦ ફૂટ ઊંડાઈ સુધી ડૂબકી મારી શકે છે. તળાવના કિનારે પથ્થરો ગોઠવી માળો બનાવે છે.