- શબ્દે આગળ આવીને કહ્યું: મહારાજ, આ બધાનાં નામો અતિ સુંદર છે! આ નામોનો ઉપયોગ કરીને હું અનેક શબ્દો બનાવી શકું છું.
- રૂપલ દવે
એક વ્યંજન નામનું ખૂબ જ સુંદર એવું નગર હતું. તેમાં ક થી જ્ઞા નામના પરિવારો વસતા હતા.
ક થી જ્ઞા નામના પરિવારો વ્યંજન નગરમાં એક પરિવારની જેમ બહુ જ સુખેથી રહેતા હતા.
તેમાં બધા જ પરિવારમાં ૧૨-૧૨ લોકો હતા.
ક થી જ્ઞા ફેમિલી બહુ ખુશ હતી.
તેમાં ક થી જ્ઞા નામના બધા પુરુષો, કા થી જ્ઞા નામની બધી તેમની પત્નીઓ અને બાકી રહેલા નામનો આખો પરિવાર હતો.
એક વખત વ્યંજન નામના ગામના રાજાએ, કે જેમનું નામ ગ્રંથાવલી હતું, તેમને ક થી જ્ઞા, એટલે કે ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં, ક: એ રીતે જ્ઞા: સુધીના બધા જ લોકોને બોલાવવામાં આવ્યા.
તે બધા જ્યારે રાજાની સભામાં હાજર થયા ત્યારે અક્ષર નામની એક વ્યકિત જે આ સભામાં બહુ ખાસ હતી તેમને આદેશ આપવામાં આવ્યો:
આ બધાનાં નામો તમે એક એક કરીને મને જણાવી દો!
અક્ષરે બોલવાનું શરૂ કર્યું.
ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં,ક:
ખ, ખા, ખિ, ખી, ખુ, ખૂ, ખે, ખૈ, ખો, ખૌ, ખં, ખ:
એમ જ્ઞા સુધી બધાના નામ કહ્યા.
પછી અક્ષર બોલ્યો: મહારાજ, આપણા ગામના હજી થોડા લોકો ખૂટે છે.
મહારાજને પહેલાં તો વાત ખૂબ અજીબ લાગી.
પછી એણે કહ્યું: અક્ષર હજી કોણ બાકી છે?
અક્ષરે કહ્યું: તેઓ પણ આ લોકોના પરિવારના જ સભ્યો છે.
રાજા કહે: એમ?
અક્ષર કહે: અ થી અ: હજી બાકી છે.
રાજાએ જલ્દીથી તેમને બોલાવવાનો આદેશ આપ્યો.
રાજાની આજ્ઞાનું પાલન કરતાં તેઓ તરત જ સભામાં હાજર થયા.
રાજા ફરી અક્ષરને આદેશ આપ્યો:
આ બધાનાં નામ પણ જણાવો.
અક્ષરે તેમનાં પણ નામ જણાવ્યા:
અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અં, અ:
શબ્દે આગળ આવીને કહ્યું:
મહારાજ, આ બધાનાં નામો અતિ સુંદર છે! આ નામોનો ઉપયોગ કરીને હું અનેક શબ્દો બનાવી શકું છું.
ત્યાં જ વાક્ય ઊભો થઈને કહે:
શબ્દ જે જે નામોને શબ્દોમાં ફેરવી આપે તેના હું સુંદર સુંદર વાક્યો બનાવી શકું છું.
મહારાજ કહે:
સારું. તમે બંને વારાફરતી કામે લાગો. તમે શબ્દો અને વાક્યો બનાવી આપો. તેની હું ગ્રંથાવલી બનાવી આપીશ.
આ રીતે અક્ષરમાંથી શબ્દો અને શબ્દોમાંથી વાક્યની રચના થઈ.
...ને પછી આખો ગ્રંથ તૈયાર થયો હશે.
દુનિયાની બધી ભાષાનો ઉદ્દભવ સંસ્કૃતમાંથી થયો છે, પણ અનેક અક્ષરો ભેગા મળ્યા ને શબ્દો બન્યા અને તે શબ્દો યોગ્ય રીતે ગોઠવાઈને વાક્યો બન્યાં.
આ જ રીતે આપણા મહાન ગ્રંથો રામાયણ અને મહાભારતની રચના થઈ.
આ જ રીતે ભારતના જ નહીં, દુનિયાભરના સાહિત્યની રચના થઈ.
આ જ રીતે, બાલદોસ્તો, તમે જે પાઠયપુસ્તક ભણો છો, જે શીખો છો તેની રચના થઈ.
કેવી મજાની વાત!


