ઠંડા ઠંડા... કૂલ કૂલ! .

- બાળકો ઉત્સાહમાં આવી ગયા. ફોઈએ શરત મૂકી કે પ્રવૃત્તિ પૂરી થાય એટલે એક 'સરપ્રાઈઝ' મળશે. ગુરુ અને તેના મિત્રોએ ઠંડક આપતાં ચિત્રો અને વિવિધ વસ્તુઓ બનાવી.
- જાગૃતિ 'નિર્મોહી'
ઉનાળો, ઉનાળો, ઉનાળો,
આવ્યો રે ધોમ ધખતો ઉનાળો.
ના રમવા જવાય, ના ફરવા જવાય,
ઘરમાં રહીને થાકી જવાય.
ગુરુ આ ગીત ગાતો હતો અને ડાઇનિંગ ટેબલ પર થાળી ઊંધી કરી ચમચી વગાડી સંગીત ઉમેરતો હતો. ગુરુના મમ્મીએ બૂમ પાડીને કહ્યું, 'બેટા, ખોટો અવાજ ન કરીશ. ઘરમાં બેસી મનગમતાં બીજાં કામ કર.'
ગુરુ બોલ્યો, 'ના મમ્મી, અમારે બહાર બધાએ સાથે રમવું છે, પણ કોઈનાં મમ્મી-પપ્પા બહાર નીકળવા નથી દેતા.'
મમ્મીએ ઉપાય આપ્યો, 'તું બધાને આપણા ઘરે બોલાવી લાવ, અહીં ઘરમાં શાંતિથી રમજો.'
ગુરુને વાત ગમી અને તેણે મિત્રોને ફોન કર્યા. બધા મિત્રોએ વારાફરતી એક-એક દિવસ એકબીજાના ઘરે રમવાનું આયોજન કર્યું. અઠવાડિયું તો પસાર થઈ ગયું, પણ હવે બાળકોને આમાં પણ મજા નહોતી આવતી. એક સાંજે ગુરુ સોફામાં બેસી મોબાઈલમાં ગેમ રમતો હતો ત્યાં ડોરબેલ વાગી. સામે ફોઈ-ફુવાને જોઈ તે ખુશ થઈ ગયો.
પાણી પીધા પછી ફોઈએ કહ્યું, 'બેટા, ગરમી તો જો! આપણે કંઈક નવું કરીને રજા માણીશું.'
ફુવાએ ગુરુને તેના મિત્રોને બોલાવી લેવા કહ્યું. ફોઈ-ફુવા અને ગુરુની ટોળકી બહાર ફરવા ગઈ, મસ્તી કરી અને જમીને પાછા ફર્યાં. બધાં બાળકો ખૂબ ખુશ હતાં.
બીજા દિવસે સવારે ગુરુના ઘરે બાળકોનો મેળો જામ્યો હતો. ફોઈ-ફુવા સવારમાં જ પ્રવૃત્તિ માટે ઢગલાબંધ વસ્તુઓ લઈ આવ્યાં હતાં. ફોઈએ વિષય આપ્યો - 'ઠંડા ઠંડા, કૂલ કૂલ'. બાળકો ઉત્સાહમાં આવી ગયા. ફોઈએ શરત મૂકી કે પ્રવૃત્તિ પૂરી થાય એટલે એક 'સરપ્રાઈઝ' મળશે. ગુરુ અને તેના મિત્રોએ ઠંડક આપતાં ચિત્રો અને વિવિધ વસ્તુઓ બનાવી.
સાંજે થોડી ઠંડક થતાં ફોઈ-ફુવા બાળકોને સોસાયટીના બગીચામાં લઈ ગયાં. ત્યાં ટેબલો ગોઠવ્યાં અને બાળકોએ બનાવેલાં ચિત્રો મોટાં ઝાડનાં થડ પર લગાવ્યાં. બગીચો એકદમ 'કૂલ કૂલ' થઈ ગયો! બગીચાની બહાર બેનર લગાવ્યું હતું - 'ઠંડા ઠંડા, કૂલ કૂલ'. ગુરુના પપ્પા અને તેમના મિત્રો શેરડીનો રસ, તરબૂચ, કેરી અને આઈસ્ક્રીમ જેવી ઠંડી વસ્તુઓ લઈ આવ્યા હતા.
ધીરે-ધીરે સોસાયટીના બધા લોકો બગીચામાં ભેગા થયા. બાળકોને આનંદ કરતાં જોઈ બધાં વડીલોને પણ નિરાંતની ટાઢક મળી. ફોઈ-ફુવા રહ્યાં ત્યાં સુધી આખું અઠવાડિયું સાંજે બગીચામાં અંતાક્ષરી, સંગીત ખુરશી અને કબડ્ડી જેવી રમતો રમાતી રહી. ગ્રીષ્મની ગરમીમાં પણ વેકેશનની મજા ઠંડી ઠંડી અને કૂલ કૂલ થઈ ગઈ!









