Get The App

બાદલનો બદલાવ .

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
બાદલનો બદલાવ                                      . 1 - image

- 'નવી દિશા, નવી રાહ અપનાવીએ... આપણા નસીબને આપણે જ ચમકાવીએ.'

- કીર્તિ પટેલ 'ઓજસ'

માધવપુર નામે નાનકડું સુંદર ગામ. ગામમાં એક સુખી પરિવાર રહે. આકાશભાઈ અને વીજળીબેન. એમનાં બે સંતાન. દીકરો બાદલ અને દીકરી ધરતી. આકાશભાઈ મહેનતુ ખેડૂત. ખેતી કરી પરિવારનું ભરણ-પોષણ કરે. વીજળીબેન બાળકોનું ધ્યાન રાખે અને ખેતીકામમાં-ઘરકામમાં પણ રસ લે.

બાદલ અને ધરતી શાળાએ જવા લાગ્યાં. ધરતી ખૂબ ડાહી દીકરી. શાળામાં ધ્યાનથી ભણે. વળી, ઘરે આવી નિયમિત અભ્યાસ કરે. સમયસર સુવું અને ઘરમાં બનાવેલ રોટલી શાક, દાળ-ભાત નિયમિત જમવાનું. ઘરનાં કામમાં મમ્મીને પણ મદદ કરવાની. સવારે વહેલા ઉઠવાનો ધરતીનો નિત્ય ક્રમ, જ્યારે બાદલ સાવ આળસુ. શાળાએ પણ ભણવામાં ધ્યાન ન આપે. શાળાએથી આવી, દફતર ફેંકી ટીવી જોવા બેસી જાય. ટીવી બંધ થાય પછી મોબાઈલ મચડયા કરે. ઘરનું ખાવાનું ગમે નહીં. બહારથી પિઝા, સેન્ડવીચ, બર્ગર જેવો જરાય પોષક દ્રવ્યો ન ધરાવતો ખોરાક ખાય. રાત્રે મોડો સુએ એટલે સવારે ઊઠવામાં મોડું થાય. જેમ તેમ તૈયાર થઈ નિશાળે જાય.

આમ ને આમ કરવાથી એ થોડા થોડા દિવસે બીમાર પડવા લાગ્યો. તેથી શાળામાં પણ અનિયમિત રહે. નિયમિત અભ્યાસ ન કરવાથી શાળામાં કશું આવડે નહીં. ઘરે મમ્મી-પપ્પા ઘણું સમજાવે પણ બાદલ કોઈનું સાંભળે નહી. 

દિવસો વીતવા લાગ્યા. જોતજોતામાં પરીક્ષા નજીક આવી. બાદલને ચિંતા થવા લાગી. પણ હવે શું થાય? સમયની કિંમત ન સમજીને એણે બધો જ સમય ટીવી અને મોબાઈલ પાછળ વેડફી નાંખ્યો હતો. ચિંતાને કારણે બાદલ વળી પાછો બીમાર થયો. જેમ-તેમ કરી પરીક્ષા આપી, પરંતુ બાદલને પરીક્ષામાં કંઈ આવડયું નહીં.

થોડા દિવસમાં પરીક્ષાનું પરિણામ આવ્યું. ધરતી પ્રથમ નંબરે પાસ થઈ. બાદલ નાપાસ થયો. ધરતી શાળામાં એકપણ રજા પાડે નહિ એટલે એને ૧૦૦ ટકા હાજરીનું પ્રમાત્રપત્ર અને પહેલા નંબરનું ઇનામ આપવામાં આવ્યું. હવે બાદલને ખૂબ જ પસ્તાવો થયો. એ રડવા લાગ્યો. ધરતીએ બાદલને સમજાવ્યો કે તું હવે સુધરી જજે. મમ્મી-પપ્પાએ બાદલને પ્રેમથી બધી વાતો સમજાવી. બાદલે બહેન ધરતી જેવા હોશિયાર બનવાનું નક્કી કર્યું.

બાદલે ટીવી અને મોબાઈલ છોડી દીધાં. બહારનું ખાવાનું બંધ કર્યું. નિયમિત શાળાએ જઈ નિયમિત અભ્યાસ કરવા લાગ્યો. આ બધું છોડતાં બાદલને થોડી તકલીફ પડી. તોય દ્રઢ મનોબળ પોતાનામાં પરિવર્તન લાવવા માટે પૂરતા હતા. બાદલમાં આવેલો બદલાવ જોઈ મમ્મી-પપ્પાએ મનોમન પ્રભુનો આભાર માન્યો. 

દિવસો વીતતાં બાદલ પણ શાળામાં પ્રથમ નંબરે પાસ થઈ ૧૦૦% હાજરીનું પ્રમાણપત્ર અને ઇનામ લઈ ઘરે આવ્યો. હવે આખોય પરિવાર ખુશખુશાલ!

તો બાળમિત્રો હવે તમને સમજાઈ ગયુંને કે આપણે પણ કુટેવો છોડી દઈ સુટેવો તરફ વળવું જોઈએ?

'નવી દિશા, નવી રાહ અપનાવીએ,

આપણા નસીબને આપણે જ ચમકાવીએ.'