- ચતુરી બકરી પાછી આવી. પોતાનું બચ્ચું લવજી દેખાયું નહીં એટલે તેને ધ્રાસ્કો પડયો. વાડાની ઝાંપલી પણ ખુલ્લી હતી. બકરી જંગલના રસ્તે દોડી ગઈ. તેને ખાતરી થઇ ગઈ કે લવજી નક્કી જંગલમાં જ પહોંચી ગયું હશે
અર્જુનસિંહ કે. રાઉલજી
એક બકરી હતી, તેનું નામ હતું ચતુરી. ગામ બહાર આવેલા ભરવાડના વાડામાં એ રહે. ભરવાડનો વાડો પૂરો થાય કે તરત જ જંગલ શરૂ થતું. એક વખત બકરીએ ચાર બચ્ચાંંને જન્મ આપ્યો. ચારેય બચ્ચાં નાજુક નાજુક, કોમળ કોમળ, જોતાં જ ગમી જાય એવાં. વાડામાં ફર્યા કરે, રમ્યા કરે, મસ્તી કર્યા કરે. ભરવાડના વાડામાં બીજાં પણ ઘણાં બધાં પ્રાણીઓ હતાં. બધાં જ સંપીને રહે. ભરવાડ વાડો બંધ થાય એટલે કોઈ પ્રાણીથી બહાર જઈ ન શકે. તેથી બધાં પ્રાણીઓ નિરાંતે ચરવા અને ફરવા જઈ શકે એ માટે ભરવાડ આમ તો આખો દિવસ વાડો ખુલ્લો જ રાખતો!
તે દિવસે વાડામાં રહેતી ગાય તેના વાછરડા સાથે વાતો કરવા લાગી. ગાય કહે, 'આ વાડાની બહાર જાવ એટલે જંગલની શરૂઆત થાય છે. વરસાદની સીઝન શરૂ થઇ ગઈ છે એટલે જંગલમાં લીલું લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. લીલું લીલું ઘાસ ચરવાની બહુ મજા આવે.'
ચતુરીનું નાનું બચ્ચું ધ્યાનથી ગાયની વાત સાંભળી રહ્યું હતું. નામ એનું લવજી. લવજીના એના મોમાં પણ પાણી આવી ગયું. એને પણ લીલું લીલું ઘાસ ચરવાની ઈચ્છા
થઇ ગઈ. તે વાડામાંથી છટકવાની તકની રાહ જોવા લાગ્યું.
એક દિવસ અચાનક લવજીને તક મળી ગઈ. સાંજ પડવા આવી હતી. બકરી બાજુના ખેતરમાં ચરવા ગઈ હતી. બીજાં પ્રાણીઓ પણ ગયાં હતાં, અને હજુ પાછાં આવ્યાં નહોતાં.
લવજી છટકીને બહાર આવી ગયું. આગળ પાછળ જોઇને તે તો ધીરે રહીને જંગલના રસ્તે દોડી ગયું. થોડેક આગળ જતાં જ તેને લીલું લીલું, તાજું તાજું અને કુણું કુણું ઘાસ દેખાયું. તેણે તો ઘાસ ચરવાની શરૂઆત કરી દીધી. કુણું કુણું ઘાસ ખૂબ જ ભાવ્યું એટલે તે તો ચરતું જ રહ્યું... ચરતું રહ્યું. ચરતાં ચરતાં તે તો ઘણું આગળ નીકળી ગયું...
આ બાજુ ચતુરી બકરી પાછી આવી. લવજી દેખાયું નહીં એટલે તેને ધ્રાસ્કો પડયો. વાડાની ઝાંપલી પણ ખુલ્લી હતી એટલે તે તો જંગલના રસ્તે જ દોડી. તેને ખાતરી થઇ ગઈ કે લવજી નક્કી જંગલમાં જ પહોંચી ગયું હોવું જોઈએ.
લવજી તો ચરતું ચરતું ઘણું આગળ નીકળી ગયું હતું. રસ્તામાં તેને શામજી શિયાળ મળ્યું. લવજીને જોઈને શામજી શિયાળની તેની દાઢ સળકી. શામજીને નાનકડું બચ્ચું ખાવાની ખૂબ જ ઈચ્છા થઇ ગઈ. કેવું કુણું કુણું અને સ્વાદિષ્ટ માંસ હશે આ બચ્ચાનું! તે લવજીની નજીક આવીને બોલ્યું, 'વાહ વાહ, ભગવાને તને મારા માટે જ મોકલ્યું છે. હું સવારનું ભૂખ્યું છું, તને ખાઈને હું મારી ભૂખ મટાડીશ...'
લવજીને બીક લાગી, પણ ત્યાં સુધી તો તેની મા ચતુરી આવી પહોંચી. તેણે શામજી શિયાળની વાત સાંભળી લીધી. ચતુરી કહે, 'શામજી, તારી વાત તો સાચી જ છે પણ...' તે વિચાર કરવા માંડી અને પછી કહે, 'પણ નાનકડો લવજી તો જંગલના રાજા કેસરી સિંહનો શિકાર છે, આજે સિંહ એને જ ખાવાના છે.'
શામજી ચતુરીની ચતુરાઈ સમજી ગયો. એ કહે, 'જા રે જા બકરી, મને ખોટું બોલી ભરમાવી નહી શકે. સિંહે એવું કઈ કીધું જ નથી.'
'તો ખાઈ જા મારા બચ્ચાને. પછી સિંહ તને શિક્ષા કરે કે તારો શિકાર કરે તો હું ના જાણું. કેશરી સિંહે મને મોઢામોઢ વાત કરી છે એટલે તો હું લવજીની પાછળ પાછળ ફરું છું...' પછી સામેના ઝાડ તરફ જોઈ બોલી, 'જો, પેલા ઝાડ ઉપર કાગડો બેઠો છે, દેખાય છે? સિંહે કાગડાને આ બચ્ચા ઉપર વોચ રાખવાનું કામ આપ્યું છે.'
શામજીએ સામે ઝાડ ઉપર નજર કરી. ત્યાં કાગડો બેઠેલો હતો. શામજીએ તેની સામે ઘુરક્યું કર્યું. કાગડો કા... કા... કરતો ઉડીને બીજા ઝાડ ઉપર જઈને બેઠો. શામજી શિયાળને ખાતરી થઇ ગઈ કે નક્કી સિંહ આજે લવજીનો આજે શિકાર કરવાનો હશે. આમ વિચારીને શામજી શિયાળ જતું રહ્યું. ચતુરીને હાશ થઈ. એ લવજીને લઈને વાડા તરફ આગળ વધી. ત્યાં તો સામે સિંહણ મળી. લવજીને જોઇને તેને પણ કુણું કુણું લવજીનું
માંસ ખાવાની ઈચ્છા થઇ ગઈ. તેણે લવજી તરફ ઘુરક્યું કર્યું, ત્રાડ પાડી. તે લવજી ઉપર હુમલો કરવાની તૈયારી જ કરતી હતી ત્યાં ચતુરી બોલી, 'થોભો થોભો સિંહણ મહારાણી... આ લવજી તમારો શિકાર નથી, પણ કેશરી સિંહનો શિકાર છે, આજે કેશરી સિંહ લવજીને જ ખાવાના છે, માટે એના ઉપર તમારી નજર ના બગાડશો.'
'ચલ ચલ, બેં-બેં બકરી, ખોટાં ગપ્પાં ના મારીશ...' સિંહણ મહારાણી ગુસ્સે થઈને બોલ્યાં.
'મારી વાત સાચી નથી લાગતી તમને? પણ જુઓ, પેલાં ઝાડ ઉપર બેઠેલો પોપટ. એ લવજી ઉપર નજર રાખીને જ બેઠો છે. કોઈ પણ
પ્રાણી જો લવજી પર હુમલો કરે તો તે તરત જ ઉડીને કેશરી સિંહ પાસે ઉડીને જતો રહેશે અને તેમને જાણ કરશે.'
સિંહણને વિશ્વાસ ન બેઠો. એ હુમલો કરે તે પહેલાં જ એણે જોયું કે ઝાડ ઉપરથી પોપટ ઉડી ગયો છે. સિંહણને બીક લાગી. નક્કી પોપટ કેશરી સિંહને જાણ કરવા જ ગયો હશે. સિંહણ તો કુદકા મારતી ત્યાંથી ભાગી ગઈ. ચતુરીએ પાછો નિરાંતનો શ્વાસ લીધા. તે લવજીને લઈને ફટાફટ વાડામાં ઘુસી ગઈ. આમ ચતુરીએ પોતાની ચતુરાઈથી પોતાના વહાલા બચ્ચા લવજીનો જીવ બચાચ્યો.
જોયું ને બાલમિત્રો! કોઈપણ મુસીબત આવે તો તેનાથી ગભરાયા વિના તેમાંથી બચવાનો ઉપાય વિચારવો જોઈએ. જો શાંતિથી વિચાર કરો તો દરેક મુસીબતથી બચવાનો રસ્તો અવશ્ય મળે જ છે!


