Magazines

ચતુર ઉંદર .

By GS TEAM
15 May 20264 mins read
ચતુર ઉંદર                                      .

ઈશ્વર અંચેલીકર

ગુણા ઉંદરના કમનસીબે આ ખાડો સામાન્ય નહોતો પણ એક વિશાળ સર્પનો દર હતો. 

જેવો ગુણો એ દરમાં છુપાયો કે તરત પેલો સર્પ શિકાર કરવા એની નજીક સરકવા લાગ્યો. ગુણાને હવે સમજાયું કે મોત નજીક આવ્યું છે. 

રં ગદૂત નામનું એક ગામ હતું. ગામની બહાર સીમાડો હતો. એ સીમમાં લોકોની અનેક વાડીઓ અને ખેતરો હતાં. વાડીમાં પાકતાં ફળો જેવાં કે ચીકુ, કેળાં, કેરી, જમરૂખ તથા જુવાર, ચોખા, ઘઉં વગેરે અનાજનું વેચાણ કરતા ખેડૂતો સુખ-સમૃદ્ધ જીવન જીવતા હતા. આ સીમાડામાં ઉંદરોની પ્રજાતિ પણ વસવાટ કરતી હતી. આ ઉંદરો સીમના ખેતરોમાં થતો પાક તથા વાડીનાં ફળો ખાઈને મદમસ્ત બની જીવતા હતા.

એક દિવસની વાત છે. બપોરનો સમય હતો. મોટા ભાગના વયસ્ક ઉંદરો આરામ કરી રહ્યા હતા, પરંતુ તેમનાં બચ્ચાંઓ પૈકી કેટલાક ભેગા થઈ મજાક-મસ્તી કરી રહ્યાં હતાં. એકાએક એક ઉંદરે સૌને કહ્યું, 'દોસ્તો, આપણે ઘણા સમયથી સંતાકૂકડી રમ્યા નથી. જો આપ સૌ મારી વાત માનો તો આજે આપણે સૌ સંતાકૂકડી રમીએ. હવે આપણે એ નક્કી કરીએ કે પહેલાં દાવ કોણ આપશે?'

રઘુવીર ઉંદર બોલ્યો, 'હું ગણપતિનો ભક્ત છું અને તમારા સૌમાં ઉંમરમાં મોટો છું, તો દાવ હું આપીશ. હું જેને પહેલાં શોધી કાઢીશ તેણે મારા પછી દાવ આપવો પડશે. હું પેલા વિશાળ વડની પાછળ જઈ એકવીસ સુધી અંક ગણીશ, તે પછી તમને શોધવા આવીશ. ત્યાં સુધીમાં તમારે સંતાઈ જવું પડશે.'

બધા રઘુવીરની વાત સાથે સંમત થઈ ગયા એટલે રમત શરૂ થઈ. આ બધાં ભૂલકાં ઉંદરોમાં એક નાનકો પણ ખૂબ ચાલાક ઉંદર હતો. આ વાતથી જાણકાર સૌ દોસ્તો એને લાડથી 'ગુણો' કહીને બોલાવતા. ગુણાના ગુણના સૌ પ્રશંસક હતા.

બધા ઉંદરો જુદી જુદી દિશામાં સંતાવા લાગ્યા. ગુણાને નજીકમાં ઊગેલી સૂકા ઘાસની ઝાડીમાં એક ઊંડો ખાડો દેખાયો. એણે વિચાર્યું કે આ ખાડો છુપાવા માટે સલામત છે, કારણ કે રઘુવીરના મગજમાં આ ઝાડી આવશે નહીં અને મારે દાવ આપવો પડશે નહીં.

ગુણાના કમનસીબે આ ખાડો કોઈ સામાન્ય ખાડો નહીં પણ એક વિશાળ સર્પનો દર હતો. જેવો ગુણો એ દરમાં છુપાયો કે તરત પેલો સર્પ ગુણાનો શિકાર કરવા એની નજીક સરકવા લાગ્યો. ગુણા ઉંદરને હવે સમજાયું કે મોત મારી નજીક આવ્યું છે. આમ છતાં એણે હિંમત ગુમાવ્યા વિના હસીને સર્પને કહ્યું, 'મહાપ્રભુ સર્પરાજ! આપ તો જંગલના મહાજ્ઞાાની સંત છો. આપ તો ભગવાન શંકરના ગળાનો હાર છો. અમે ઉંદરો તો શંકર સુત ગણેશજીના વાહન છીએ. આમ આપણે બંને ભાઈઓ છીએ. ભાઈ એના બીજા ભાઈને મોતને ઘાટ ઉતારે એના જેવું બીજું અનર્થ કૃત્ય શું હોય?'

ગુણાની વાત સાંભળી સર્પ બોલ્યો, 'તું મને મૂર્ખ માને છે? મને સવારથી કંઈ જ ખાવાનું મળ્યું નથી. હાથમાં આવેલું ભોજન હું છોડવાનો નથી, માટે મરવા તૈયાર થઈ જા.'

આ બાજુ ગુણાના સાથી મિત્રો ગુણાને ન જોતાં તેની શોધ કરવા લાગ્યા, પણ ગુણો કોઈને મળ્યો નહીં. સૌને ચિંતા થઈ કે ગુણાના મા-બાપને શું જવાબ આપીશું? બધા મિત્રો ભગવાન ગણેશની ભક્તિ કરવા લાગ્યા અને ગુણા હેમખેમ પાછો આવે તેવી વિનંતી કરવા લાગ્યા.

દરમાં દાખલ થયેલા ગુણાને વધુ ને વધુ ડર સતાવવા લાગ્યો. અચાનક એને એક યુક્તિ સૂઝી. એણે સર્પરાજને કહ્યું, 'મોટાભાઈ, અત્યારે તો બપોરના ભોજનનો સમય થયો છે. તમે મને એકને ખાશો તો ભૂખ મટશે નહીં. ભૂખ્યા-તરસ્યા સાંજ સુધી શું કરશો?'

'તો હું શું કરું? જે મળે એટલું તો ખાઉં, પછી જે થાય તે ખરું. બહાર તાપ છે, અમે તપી રહેલી જમીન ઉપર દોડી શકતા નથી એટલે દરમાં છુપાઈ રહીએ છીએ,' સર્પરાજ બોલ્યો.

'હા મોટાભાઈ, હું જાણું છું આ વાત. હું તમારી ભલાઈની ઝંખના કરું છું. જુઓ મારી વાત સાંભળો. બહાર મોટા વડલા ઉપર ઘણી ખિસકોલીઓ અને ચકલીઓ જેવા જીવ રહે છે. એ સૌ સાથે મારી દોસ્તી છે. અમને પણ બહુ તાપ લાગે છે કારણ કે વડલો સુકાઈ ગયો છે. હું બહાર જઈ એ બધાને સમજાવી અહીં ઠંડક લેવા લઈ આવીશ. તમે આરામથી અમને બધાંને ખાઈ જજો,' ગુણો બોલ્યો.

'વાહ! ભાઈ હોય તો તારા જેવો! જા, તું જલ્દી બહાર જઈ આ કામ પતાવી પાછો આવ. જો ભાઈ, તું પાછો આવે ત્યારે હું તને ખાઈશ નહીં. તું મારો સાચો પરોપકારી ભાઈ છે. જા, તને હંમેશ માટે હું જીવતદાન આપું છું. દરરોજ આ કામ કરજે. હવે દરરોજ આરામથી હું તારા દોસ્તોને ખાઈ જીવતો રહીશ, મહેનત વિના ભોજન કરીશ,' મૂર્ખ સર્પ બોલ્યો.

સર્પની વાત સાંભળી તરત જ ગુણો ઉંદર ત્યાંથી છટકી બહાર આવ્યો અને દોડીને એના સૌ દોસ્તોના ટોળામાં છુપાઈ ગયો. એણે એના સંકટની આખી વાત મિત્રોને કહી ત્યારે સૌ બોલી પડયા, 'ગુણા... તારી ચાલાકી, તારી ધીરજ અને બુદ્ધિમાનીની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.'

ગુણાએ સૌ દોસ્તોનો આભાર માન્યો અને કહ્યું, 'મિત્રો, આપણા સૌના જીવનમાં નાની-મોટી મુસીબત તો આવવાની જ છે, એ નિવવાદ છે. પરંતુ ડર્યા વિના એનો હલ આપણે જાતે જ કાઢવાનો હોય છે. બુદ્ધિ સામે બળ હારી જાય છે. બુદ્ધિ આપણા સૌની અંદર છે, જરૂર છે એને જાગૃત કરવાની. બસ આટલી મારી વાત ધ્યાન રાખજો.'

બધા મિત્રો આનંદથી પોતપોતાના ઘરે પરત ગયા અને સાવચેતીથી રહેવા 

લાગ્યા.