ચતુર માછલી .
- બચ્ચુ કિનારે બેસતું, પાણી પીતું, ઉછળ-કૂદ કરતું ત્યારે માછલી કિનારે આવી છીછરા પાણીમાં આમથી તેમ સરકીને તરતી તરતી તેને ખુશ કરતી
- માછલી શિકારીના મનોભાવ સમજી ગઈ. તેણે વિચાર્યું. આ માણસની જાત કેટલી લોભી છે. મહેનત કરતાં વધુ મળ્યું છતાં હજુ વધુની આશા કરે છે
ત્ર ણ ગામ વચ્ચે એક વિશાળ તળાવ હતું. ગામના લોકો પોતપોતાની રીતે તેનો ઉપયોગ કરતા. એ તળાવના કુદરતી રીતે જ ત્રણ ઘાટ બની ગયા હતા. ત્રણેય ગામના લોકો ઘાટ પર કપડાં ધોવા આવતા પાણી ભરતા, અલકમલકની વાતો કરતા અને સમય વધે તો દક્ષિણ-કિનારે આવેલા રામમંદિરે દર્શન કરી પોતપોતાના ઘરે પાછા ફરતા. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ગામ વિસ્તરેલા હતાં. ઉત્તર દિશા તરફ ગાઢ જંગલ હતું.
જંગલમાં વરૂ, શિયાળ, નોળિયા, સસલાં, જંગલી બિલાડી, વાંદરા અને માંકડા જેવા ઘણા પ્રાણીઓ રહેતા. આ પ્રાણીઓ બપોરે અથવા અંધારૂ થયા પછી તળાવે પાણી પીવા આવતાં. એ જંગલમાં એક માંકડું રહેતું હતું. વાંદરા કરતાં કદમાં નાનું, ભુખરા લાલ રંગનું, નાની પૂંછડી અને નારંગી રંગની પીઠ વાળું! એ દિવસ દરમ્યાન ફળ, ફૂલ અને પાંદડા ખાઈને જીવન ગુજારતું. એ જંગલમાં ઓછું તળાવની આસપાસ વધારે જોવા મળતું. એ માંકડાને એક બચ્ચું હતું. તળાવ કિનારે આવીને ઊછળ-કૂદ કર્યા કરતું અને છીછરા પાણીમાં સરકી જતી એક રંગીન માછલીને જોયા કરતું. બચ્ચાને પાણીમાં સરકતી માછલી જોવાની ખૂબ મઝા પડતી. આખા દિવસમાં એકાદવાર તો માંકડું તેના બચ્ચાને લઈને આ તરફ જરૂર આવતું. માછલી પણ બચ્ચાના આવવાની રાહ જોતી. બચ્ચુ કિનારે બેસતું, પાણી પીતું, ઉછળ-કૂદ કરતું ત્યારે માછલી કિનારે આવી છીછરા પાણીમાં આમથી તેમ સરકીને તરતી તરતી તેને ખુશ કરતી. રંગીન માછલી અને બચ્ચા વચ્ચે એક અકથ દોસ્તીનો સંબંધ બંધાઈ ગયો હતો.
એક દિવસ બપોરના સમયે બચ્ચુ માંકડાને છોડીને એકલું તળાવ-કાંઠે આવી ગયું. કાંઠા પર કોઈ નો'તું. શૂનકાર હતો. પાણી પણ શાંત હતું. માછલી તળાવની અંદર ઊંડા પાણીમાં હતી. બચ્ચુ માછલીને મળવા અધીરૂં હતું. તેણે એક-બે વાર છીછરા પાણીમાં પગ મૂકી જોયો. માછલી દેખાઈ નહિ. તળાવની સપાટી ઉપર તરંગો ઊઠયા. સપાટી ઉપર હલચલ થતાં માછલી તળિયેથી ઉપર આવવા લાગી પણ તે સપાટી પર આવે એ પહેલાં એક શિકારીની નજર માંકડાના બચ્ચા પર પડી.
શિકારી ઘણી વખત અહીં આવતો. આવા એકલદોકલ માંકડાને પકડવાની તાકમાં રહેતો અને લાગ મળતાં જ ખૂબ કુનેહથી માંકડાને પકડીને કોથળામાં પુરી દેતો. પછી તેને એવા મદારીને જઈને વેચતો જે તેને સૌથી વધારે પૈસા આપતો. મદારી તેને દોરીથી બાંધી પોતાની રીતે માંકડાને નવા નવા ખેલ શીખવતો. બંધનમાં પડેલું માંકડું મદારી કહે તેમ નાચ્યા કરતું.
અહીં પણ શિકારીએ જેવું બચ્ચાને પકડયું કે તેણે ધમપછાડા માર્યા, તીણી ચિચિયારીઓ પાડી. જેવી માછલી કિનારે આવી તેણે જોયું કે શિકારીએ બચ્ચાને પકડી લીધું છે. માછલીએ કહ્યું - ''આ માકડું તો હજી બચ્ચુ છે તે મને મળવા આવ્યું હતું. મહેરબાની કરી તેને છોડી દો.'' શિકારીએ માછલી સામે જોઈને કહ્યું - ''તને ખબર છે કેટલી મહેનતથી આ માંકડું પકડાયું છે ! હવે હું તેને વેચીશ એટલે મને પૈસા મળશે.''
માછલી સમજી ગઈ. શિકારી પૈસાનો ભૂખ્યો છે. એટલે તેણે કહ્યું - ''ઊભા રહો... જતા નહિ... મારી પાસે કશુંક છે... હું હમણાં લાવી...'' કહી એ તળાવને તળિયેથી સોનાની વસ્તુ લઈ બહાર આવી અને કહ્યું - ''જુઓ... તમે આ બચ્ચાને છોડી દેશો તો આ સોનાની વસ્તુ તમારી...'' શિકારીએ જોયું. ખરેખર... એ સોનાની એક બુટ્ટી હતી. એ લલચાયો. મનમાં રાજી રાજી થઈ ગયો. એણે તરત માછલીની વાત માની લીધી. માછલી પાસેથી સોનાની એક બુટ્ટી લઈને કોથળામાંથી બચ્ચાને બહાર કાઢી છોડી મૂક્યું. બચ્ચુ બે ઘડી થિરકતી માછલીની સામે 'આભાર'ની લાગણીથી જોઈ રહ્યું. પછી કૂદકા મારી જંગલમાં ભાગી ગયું. શિકારી હજુ ત્યાં જ ઊભો હતો.
તેણે વિચાર કર્યો જો મેં આ માંકડાના બદલે બે બુટ્વી (બુટ્ટીની જોડ) માંગી હોત તોય આ મૂરખ માછલી આપી દેત ! ગજબ છે આ પ્રાણીઓની જાત ! ક્યાં માંકડું - ક્યાં માછલી ! કેવા કેવા સંબંધો નિભાવે છે ! તેણે નરમાશથી માછલીને કહ્યું, ''તું તો નાનકડી માછલી છે તારે વળી પૈસા શું ને સોનું શું ? જો તું આ બુટ્ટી જેવી જ બીજી બુટ્ટી મને આપીશ તો, હું કદી પાછો નહિ આવું. કોઈ માંકડાને નહિ પકડું.'' માછલી શિકારીના મનોભાવ સમજી ગઈ. તેણે વિચાર્યું. આ માણસની જાત કેટલી લોભી છે. મહેનત કરતાં વધુ મળ્યું છતાં હજુ વધુની આશા કરે છે. ખરેખર, લોભ વધે એટલે બુદ્ધિ નાશ પામે છે. માછલીએ શિકારીને કહ્યું - ''હા... હા... મારે વળી સોનાનું શું કામ. આવી તો કેટલીયે બુટ્ટીઓ તળિયે પડેલી છે. મને જરા આ બુટ્ટી આપો હું એના જેવી જ બીજી બુટ્ટી હમણાં જ લાવી આપું.'' શિકારીએ હોંશે હોંશે એ બુટ્ટી આપી. શિકારી ખુશ ખુશ હતો - જાણે તેના હાથમાં ખજાનો આવી ગયો.
શિકારી તળાવને કાંઠે જ ઊભા ઊભા માછલીની રાહ જોવા લાગ્યો. પણ માછલી એના કરતાંય ચતુર હતી. એ આવી તક ઓછી જતી કરે ! એ તો તળાવમાં ગઈ એ ગઈ...
- સુરેન્દ્ર શાહ