Get The App

ચોકલેટનો ચટકો .

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
ચોકલેટનો ચટકો                                                      . 1 - image

- નિધિ મહેતા 

ચીકુ તો આખા ઘરમાં ભારે લાડકો અને પડોશમાં પણ. નાનપણથી જ તે પડોશમાં સૌના ઘરે જતો. બધા એને રમાડવા લઈ જાય. થોડુંક ખાતો થયો ત્યારથી જ પરિવાર ને પડોશમાં જ્યાં જાય ત્યાં બાળકને ખુશ કરવા સૌ જુદા જુદા પ્રકારની ચોકલેટ આપે. અને ચીકુ ભાઈ ખુશ .આમ ચીકુભાઈનો ચોકલેટનો ચટાકો દિવસે ને દિવસે વધતો ગયો. આખા દિવસમાં ચાર-પાંચ ચોકલેટ તો ચીકુભાઈ ચાવી જ ગયા હોય. આ ચોકલેટના ચટાકો હવે ચીકુભાઈની જાણે આદત બની ગઈ હતી. ધીમેધીમે ચીકુભાઈને શાળામાં જતા થયા. ત્યાં પણ બધાજ બાળકો જુદીજુદી ચોકલેટો લાવે એટલે ચીકુભાઈ પણ જિદ્દ કરે. આમ તો ઘરમાં બધા ચીકુને ઘણીવાર સમજાવે કે, 'આટલી બધી ચોકલેટનો ચટાકો સારો નથી. ક્યારેક આ ચટાકો તને ભારે પડશે.' પણ ચીકુભાઈ તો પોતાની મસ્તીમાં મસ્ત. પપ્પા ને મમ્મી સમજાવ્યા ક,રે ચીકુભાઈ સાંભળ્યા કરે અને ચોકલેટ ચાવ્યા કરે. ચોકલેટ ન આપે તો આખું ઘર માથે લે, કંઈ ખાઈ પીવે નહીં ને અંતે એની જીદ પાસે હારી જઈને આખરે એના હાથમાં સૌ ચોકલેટ પકડાવી દે. 

એક દિવસ ચીકુ સવારે ઊઠીને ખૂબ રડવા લાગ્યો. તે નિશાળે જવા તૈયાર જ નહોતો થતો અને પોતાનું મોઢું પકડીને ખૂબ રડતો હતો. ધમમ્મી મને દાંતમાં બહુ દુખે છે, બહુ દુખે છે.ધ એવું કરવા લાગ્યો. તાત્કાલિક ચીકુભાઈને દાંતના ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા. ડોક્ટરે ચીકુભાઈના દાંત તપાસ્યા, દાઢો તપાસી. બધું ચેકઅપ કરી ડોક્ટર સાહેબે પૂછયું, ધભાઈ તમને શું બહુ ભાવે છે?ધ ચીકુભાઈ ધીમેથી બોલ્યા, 'ચોકલેટ'

ડોક્ટર સાહેબે કહ્યું, 'હા, બસ તો પછી આ તમને જે દુખે છેને એ તમારી ચોકલેટ ચટકા ભરે છે.' 'એટલે?'

'એટલે એમ કે, તમે અત્યાર સુધી દરરોજ બહુ ચોકલેટ ખાધી છે એના લીધે તમારા નીચેના બે દાંત અને ઉપરની દાઢમાં સડો થયો છે એને હવે કાઢવા પડશે.'

ચીકુના મમ્મીપપ્પા તો ચિંતામાં સરી પડયા. 'ખરેખર ડોક્ટર સાહેબ?'

'હા, જો આ દાંતમા સડો છે એ સમયસર કઢાવવામાં નહીં આવે તો બીજા બધા દાંતમાં પણ એનો સડો લાગશે.'

 ચીકુ તો રડવા લાગ્યો.

 ડોક્ટર સાહેબે ચીકુને સમજાવતા કહ્યું, 'જો બેટા, રડતો નહીં. તું અત્યારે દાંત કાઢતા આ બે દાંત કઢાવી લે .નહીં તો બધા દાંત કાઢવા પડશે તો તને દાંત વગર જોઈ બીજા બધા તારા દાંત કાઢશે. બોલ એવું નથી કરવું ને?'

'ના, ના ડોક્ટર અંકલ.'

'તો પછી હવે ચોકલેટના ચટાકા કરીશ?'

'ના હવે હું ચોકલેટ ક્યારેય નહીં ખાવું.'

'ના, નહીં ખા એમ નહીં. ખાજે પણ ક્યારેકજ, કોઈ દિવસ જ. આટલી બધી ચોકલેટ રોજ ખવાય?'

'ના, હવે મમ્મી આપશે ત્યારે જ.'

આમ ચીકુભાઈને ચોકલેટના ચટાકા ભારે પડયા અને આ ચોકલેટે તો બરાબર પાઠ ભણાવી દીધો. ચીકુ ચોકલેટથી ચેતી ગયો.

એણે તો એના બધા મિત્રોને કહ્યું કે, 'ચોકલેટ ચટકો ભરે તો દાંત સડે હો' એટલે 

'રોજ રોજ તો ન ખવાય..,

કોક દિવસ ચાલે ભાઈ,

રોજ ચસકો ચોકલેટનો,

ચટકો આપે ભારે ભાઈ.'