- અહીંથી નીકળવા માટે મારે કોઈ યુક્તિ લગાવવી પડશે, નહિંતર મારા પિતાજીને ક્યારેય ખ્યાલ નહિ આવે કે હું ક્યાં છું ...
વિઠ્ઠલાણી પલ્લવી હેમલકુમાર
સો નાપુર નામનું એક ગામ હતું. ત્યાં ચતુરસેન રાજા રાજ કરતો હતો. તેને ચિત્રસેન નામનો એક પુત્ર હતો. રાજકુમાર તો રાજાશાહી ઠાઠમાઠથી મોટો થયો. ચતુરસેન કહેતા, 'પુત્ર, જિંદગીમાં કંઈક આવડત તો હોવી જ જોઈએ.' પણ ચિત્રસેન વાતને ગણકારતો નહીં.
એક દિવસ રાજદરબારમાં એક કારીગર આવ્યો. તેની પાસે અવનવી ડિઝાઈનનાં ગાલીચા હતા. ચિત્રસેનને તેમાં રસ પડયો. તેણે ધીમે-ધીમે તાણાવાણા ગૂંથીને, ગાલીચા ભરવાની કળા શીખી લીધી.
એક દિવસની વાત છે. ચિત્રસેન પોતાનાં અશ્વ પર સવાર થઈને શિકાર કરવા નીકળ્યો. એક હરણની પાછળ ઘોડો દોડાવતાં ખૂબ દૂર નીકળી ગયો. ચતુરસેનના દુશ્મન એવા ભીમસેન રાજાના સૈનિકોએ પોતાના રાજ્યની સીમામાં પ્રવેશેલા ચિત્રસેનને તથા તેનાં ઘોડાને પકડી લીધા. પર્વત પર આવેલા એક ગુપ્ત કિલ્લામાં રાજકુમારને કેદ કરી લીધો.
આ બાજુ રાજકુમારની શોધખોળ ચાલુ થઈ ગઈ. દૂર દૂર સુધી તપાસ કરવા છતાં તેનો ક્યાંય પત્તો ન લાગ્યો. રાજાજી નિરાશ થઈ ગયા.
થોડા દિવસોમાં રાજકુમારને ખ્યાલ આવી ગયો કે, અહીંથી નીકળવા માટે મારે કોઈ યુક્તિ લગાવવી પડશે, નહિંતર મારા પિતાજીને ક્યારેય ખ્યાલ નહિ આવે કે હું ક્યાં છું ...
તેણે પોતાની જેલની બહાર રખેવાળી કરતા સૈનિક સાથે દોસ્તી કેળવી લીધી. એકવાર ચિત્રસેને સૈનિકને કહ્યું, 'અહીં કેદમાં મારો સમય પસાર થતો નથી. જો તું મને ગાલીચો ભરવાનો સામાન લાવી આપે, તો મારા બનાવેલા ગાલીચા વેચીને તું સારા એવા નાણાં કમાઈ શકીશ.'
સૈનિકે તેને ગાલીચો ભરવા માટે જરૂરી સામાન લાવી દીધો.
રાજકુમાર તો દિવસ-રાત ખૂબ ખંતથી ગાલીચા ભરવામાં તલ્લીન થઈ ગયો. જોતજોતામાં તેણે સુંદર મજાનાં તાણાવાણા ગૂંથીને પાંચ ગાલીચા બનાવી લીધા. પછી સૈનિકને કહ્યું, 'મેં એવું સાંભળ્યું છે કે સોનાપુરનાં રાજા કલાની કદર કરનારા છે. વળી, તેઓ ગાલીચાનાં ખૂબ શોખીન છે. જો તું આ ગાલીચા તેમના રાજ્યમાં વેચીશ તો તને પુષ્કળ ધન પ્રાપ્ત થશે.'
સૈનિકને ખબર નહોતી કે આ કેદી સોનાપુરનો જ રાજકુમાર છે. સૈનિક બધા ગાલીચા લઈને સોનાપુર ગયો. રાજા ચતુરસેનનાં દરબારમાં ગાલીચા પ્રસ્તુત કરીને ખરીદવાની વિનંતી કરી. ગાલીચા જોઈને રાજાને પુત્રની યાદ આવી. તેથી તેણે ખરીદવાનું નક્કી કરી, રાજ્યનાં કુશળ કારીગરોને બોલાવીને ગાલીચા દેખાડયા. કારીગરોએ તરત જાણી લીધું કે ચતુર રાજકુમારે આ ગાલીચામાં ડિઝાઈનરૂપે એક નક્શો બનાવીને મોકલ્યો છે અને તે ક્યાં અને કઈ જગ્યા પર કેદ છે, તેનો આખો ચિતાર વર્ણવ્યો છે !
રાજાજીના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. અને તેણે તરત જ પોતાની સેના સજ્જ કરીને ભીમસેન રાજાના રાજ્ય પર આક્રમણ કરીને રાજ્ય જીતી લીધું. હારેલા રાજાને ચિત્રસેનને મુક્ત કરવો પડયો.
સોનાપુરમાં ધામધૂમથી રાજકુમારનું સ્વાગત કરવામાં આવ્યું. રાજાએ ચિત્રસેનને કહ્યું, 'તેં ખરી બુદ્ધિમત્તા વાપરી. પણ હવે તો તું માને છે ને કે દરેક વ્યક્તિને જીવનમાં કંઈક આવડત તો જરૂર હોવી જ જોઈએ?'
રાજકુમારે હા પાડી અને પછી તો સૌએ ખાધું, પીધું અને મોજ કરી.


