Get The App

ચિન્ટુનું બેસતું વર્ષ .

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
ચિન્ટુનું બેસતું વર્ષ                                         . 1 - image

- 'ઓકે બેટા. બસ, ખાલી આજે એક વાર તારા મિત્રોને બોલાવી લે. ખાસ તો મોટા છોકરો આદિત્યને. મારે થોડી વાતો કરવી છે.'

- જતીન ભટ્ટ 'નિજ'

ચિન્ટુ બાર વર્ષનો હતો. બહુ જ હોશિયાર. ચિન્ટુના મિત્રોની ઉંમર પણ સમજોને બારથી પંદર વર્ષ સુધીની.

દીવાળીની રાત્રે ચિન્ટુ એના પપ્પા અંકુરભાઈને કહે કે, 'પપ્પા, હું જાઉં છું મિત્રો સાથે આબુ. ત્રણ ચાર દિવસે પાછા આવીશું. અમારી સાથે મોટો છોકરો પણ છે આદિત્ય કરીને. એ અમને લઈ જશે.' 

'પણ બેટા, દિવાળી પછી બેસતું વર્ષ આવશે, ભાઈબીજ આવશે... લાભ પાંચમ પછી જ જા ને?' 

'ના, પપ્પા, અમે બધાએ નક્કી કરી લીધું છે, અમે જવાના એટલે જવાના જ.' 

'પણ, બેટા?'

'પપ્પા, કહ્યું ને! કાલે નીકળી જ જઈશું.' 

પપ્પાએ ઊંડો શ્વાસ લીધો, થોડું વિચાર્યું. પછી કહે, 'ઓકે બેટા. બસ, ખાલી આજે એક વાર તારા મિત્રોને બોલાવી લે. ખાસ તો મોટા છોકરો આદિત્યને, મારે થોડી વાતો કરવી છે.'

સાંજે ચિન્ટુના મિત્રો આવ્યા. સાથે મોટો છોકરો આદિત્ય પણ આવ્યો.

નીચે શેતરંજી પાથરેલી હતી. અંકુર ત્યાં બેસી ગયો. ઈશારો કરી એમની આજુબાજુ વર્તુળ કરી બધાને બેસાડયા.

પપ્પાએ કહ્યું, 'જુઓ, હું કંઈ ડાયલોગબાજી નથી કરવાનો, પણ જસ્ટ પાંચ મિનિટ મને સાંભળી લો.'

બધાં તરફ નજર કરી. પપ્પાએ ઊંડો શ્વાસ લીધો. બોલવાનું શરૂ કર્યું-

'જુઓ, તમે બધા પણ મારા પુત્રો જ છો એટલે જ તમને થોડું કહેવા માંગુ છું કે... આપણે ગુજરાતીઓ છીએ, આપણને આપણા ગુજરાતી હોવાપણાનું અભિમાન હોવું જોઈએ. આ બેસતું વર્ષ આપણો પોતાનો તહેવાર છે. બીજી બધા સમાજોમાં પણ આવો તહેવાર હોય છે તો એ લોકો આનંદ-ઉલ્લાસ સાથે ઉજવે જ છે, તો આપણે શા માટે ન ઉજવીએ?' 

'પણ અંકલ, આ બેસતું વર્ષ શું હોય છે?'

ચિન્ટુના મિત્રની નવું જાણવાની ઈચ્છાથી પપ્પા ખુશ થઈ ગયા. એ જે ઈતિહાસ જાણતો હતો તે ચિન્ટુના મિત્રગણને કીધો-

'ઓકે, તો સાંભળો કે કેવી રીતે વિક્રમ સંવત નામ પડયું? એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યના નામ પરથી વિક્રમ સંવત ઓળખાય છે. રાજા વિક્રમાદિત્યે શક(હજાર) રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો તેથી તેમના માનમાં ઈ.સ. પૂર્વે છપ્પનમાં વિક્રમ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલિત થયું હતું. દિવાળીના પછીના દિવસથી નવા વર્ષની શરૂઆત થાય છે. ગુજરાતીઓ નવર્ષને વિક્રમસંવત તરીકે ઓળખે છે. કારતક સુદ એકમથી ગુજરાતીઓનું નવું વર્ષ શરુ થાય છે. હાલ વિક્રમ સંવત ૨૦૮૧ ચાલી રહ્યું છે, જે ૨૨ ઓક્ટોબર ૨૦૨૫ના દિવસે બદલાઈને ૨૦૮૨ થશે. આપણે ગુજરાતીઓ આ દિવસને બેસતા વર્ષથી ઓળખીએ છીએ અને સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ છીએ. સાલ મુબારક કહીને સૌનું અભિવાદન કરીએ છીએ. પોતાના વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ.' 

થોડો શ્વાસ લઈને...

'આ થઈ બેસતા વર્ષની માહિતી, જે કદાચ કોઈ કોઈને ખબર ન હોઈ શકે, પણ મેઈન વાત એમ છે કે બાળકો, આ આપણા ગુજરાતીઓનો પોતાનો તહેવાર છે, હવે તો બેસતા વર્ષના દિવસે લોકો ઘણી વાર બહારગામ જતા રહે છે. આ આપણો પોતાનો (દેશમાં બીજે પણ કારતક મહિનાનો પ્રથમ દિવસ ઉજવાય છે, એ આડવાત છે) તહેવાર છે. તો એની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થવી જ જોઈએ ને! શા માટે આપણે જ આપણા તહેવારનું નીચું દેખાડવું જોઈએ. કોઈ ના આવે તો તમે એમના ઘરે જાઓ, એમને પણ આપણા ઘરે બોલાવો, રોજરોજ થોડું કોઈ આપણા ઘરે આવતું  હોય! એટલા માટે જ મેં તમને રોક્યા. આપણને આપણા તહેવાર પ્રત્યે અભિમાન તો હોવું જ જોઈએ.'

વચ્ચે પાણી પીને પપ્પા કહે, 'તમે બધાં પણ એકબીજાના ઘરે જાઓ, વડીલોના આશીર્વાદ લો. ફરવા જવા માટે તો આખી જિંદગી પડેલી છે અને બીજી વાત...' 

આંખ મિચકારતા મસ્તીથી કહે, 

'વડીલોને પગે લાગશો તો આશીર્વાદની સાથે સાથે થોડા...'

અંગૂઠો અને પહેલી આંગળી ઘસતા ઘસતા કહે, 'નાણાં ય મળશે.'

ચિન્ટુ અને એના મિત્રો પણ ખડખડાટ હસવા માંડયા.

આદિત્ય પણ બોલ્યો, 'યુ આર રાઈટ, અંકલ. નાણાં તો ઠીક છે પણ વડીલોના આશીર્વાદ લેવા તો જરૂર એકબીજાના ઘરે જઈશું. ચિન્ટુ, આપણે હવે લાભ પાંચમ પછી જ જઈશું ને ચાલો આપણે એક લિસ્ટ તો બનાવી જ દઈએ કે આપણે કોનાકોના ઘરે જઈશું અને હાં અંકલ, મારાં ફાધર-મધરને તમારી ઘરે મોકલીશ ને તમે ય આંટી સાથે અમારા ઘરે આવજો.' 

ચિન્ટુ સ્મિતપૂર્વક બોલ્યો, 'યસ બ્રો! અને પપ્પા... થેંન્ક્યુ, હાં!'