- જતીન ભટ્ટ 'નિજ'
એક સરસ ઘરમાં ચિન્ટુ એનાં મમ્મી-પપ્પા સાથે રહે. ચિન્ટુ નાનપણથી જ બહુ ધમાલિયો. પપ્પા-મમ્મી સાથે બહાર જવાનું હોય અને રોડ ક્રોસ કરવાનો હોય તો આજુબાજુ જોયા વગર દોડી જાય. પપ્પા બિચારા એની પાછળ દોડે.
ધીમે ધીમે ચિન્ટુ મોટો થયો એટલે ધમાલ પણ વધતી ગઈ. મમ્મી જમવા બેસાડે એટલે કશું ખાય ના અને બસ ધમાલમસ્તી કર્યાં જ કરે. જમતી વખતે એ શાંત રહે તે માટે મમ્મીએ શું કર્યું, ખબર છે? મમ્મીએ એને મોબાઈલ આપી દીધો! ચિન્ટુ મોબાઈલ જોયા કરે, ગેમ રમ્યા કરે એટલે મમ્મી એને જમાડી દે.
પછી થયું એવું કે આપણા આ ચિન્ટુને મોબાઈલની ટેવ પડી ગઈ. સ્કૂલે જાય એ પહેલાં અને સ્કૂલેથી આવીને તરત જ મોબાઈલ લઈને રમવા બેસી જાય. મમ્મી બહાર રમવા જવાનું કહે તો જાય જ નહીં. ધીમે ધીમે એને મોબાઈલનું વ્યસન થવા માંડયું. હોમવર્ક કરવાનું રહી જાય. સ્કૂલમાં ટીચરની વઢ પડે. ટીચર મમ્મી-પપ્પાને સ્કૂલમાં બોલાવી ચિન્ટુની ફરિયાદ કરે. મમ્મી-પપ્પા પણ એના આ મોબાઈલ વ્યસનથી કંટાળી ગયાં.
આજે સવારના પહોરમાં ચિન્ટુ મોબાઈલ લઈને ગેમ રમવા માંડયો. મમ્મી કહે, 'બસ ચિન્ટુ, ચાલો બેટા, હવે મોબાઈલ મૂકી દો.'
ચિન્ટુ કહે, 'બસ મમ્મી, બે જ મિનિટ.'
ક્યારનો ય બે મિનિટ - બે મિનિટ કર્યા કરતા ચિન્ટુએ એક કલાક લગાવી દીધો મોબાઈલ મૂકવામાં. એનું હોમવર્ક પણ બાકી રહી ગયું હતું. પપ્પા તો રોજ સવારે નોકરીએ નીકળી જાય. રોજ સવારે ચિન્ટુ હોમવર્ક કરવામાં આડોડાઈ કર્યા કરે ને સ્કૂલે જવાનું પણ મોડું કરે. વેનવાળા ડ્રાઇવરઅંકલ પુષ્કળ હોર્ન મારે ત્યારે દોડતોક જાય પછી.
આજે પણ એવુ જ થયું. દોડતોક ગયો ને વચ્ચે અડબડિયું ખાઈ ગયો. મમ્મીએ જોયું પણ ખરું. 'શાંતિથી જા બેટા, ઉતાવળ નહીં કર.'
'એ હા, મમ્મી...' બોલીને એ દોડી ગયો. વેનનો દરવાજો ખૂલ્લો હતો તો પણ એને ચડતાં, સીટ પર બેસતાં તકલીફ પડી.
વેન સ્કૂલે પહોંચી. બધા જ છોકરાઓ વેનની બહાર નીકળી ગયા, પણ ચિન્ટુને બહાર નીકળતા વાર લાગી. જેમતેમ બહાર નીકળ્યો. ઠોકર ખાતો ખાતો એના ક્લાસમાં બેઠો. ચિન્ટુ પાછો આગલી બેન્ચ પર જ બેસે. ટીચર ભણાવે તે સંભળાય ખરું, પણ બોર્ડ પર શું લખ્યું છે એ ન દેખાય. બે-ત્રણ વખત તો ટીચરે કશુંક પૂછયું પણ ચિન્ટુને કાંઈ ખબર ન પડી.
રીસેસ પડી. પ્રિન્સિપાલે ચિન્ટુને પોતાની ઓફિસમાં બોલાવ્યો. સામે ગુજરાતી પેપર મૂક્યું અને એક મોટા અક્ષરવાળા વાક્ય પર આંગળી મૂકી કીધું, 'આ વાંચી બતાવ.'
આપણા ચિન્ટુથી કશું ન વંચાયું. પ્રિન્સિપાલને ખબર પડી ગઈ કે ચિન્ટુને બહુ નાની ઉંમરમાં ચશ્માં આવી ગયાં છે. એમણે ચિન્ટુનાં મમ્મી-પપ્પાને બોલાવ્યાં ને સૂચના આપી કે તમારા દીકરાને આંખના ડાક્ટર પાસે લઈ જાઓ.
મમ્મી-પપ્પા તો ગભરાઈ ગયાં. ચિન્ટુને આંખના ડાક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ડાક્ટરે આંખમાં કોઈ ટીપાં નાખ્યાં. પછી ચિન્ટુને એક ખુરશી પર બેસાડયો. આંખ પર ફ્રેમ મૂકી. પહેલા જમણી આંખ ચેક કરી તો એમાં બહુ બધા નંબર આવ્યા. પછી ડાબી આંખ ચેક કરી તો એમાં ય બહુ બધા નંબર આવ્યા. પછી તેઓ ચશ્માંવાળાની દુકાને ગયાં અને ચશ્માં કઢાવવા આપી દીધાં. બીજે દિવસે દુકાનેથી ચશ્માં આવી ગયાં. એકદમ જાડા કાચનાં. ચિન્ટુએ પહેર્યાં તો હવે એને બધું ચોખ્ખું તો દેખાવા માંડયું, પણ જેવો એ સ્કૂલે ગયો કે બધા એને 'ઓયે ચશ્મીશ... ઓયે ચશ્મીશ...' કહીને ચીડવવા માંડયા. ચિન્ટુ તો રડવા જેવો થઈ ગયો.
ઘરે આવી મમ્મી-પપ્પાને રડતાં રડતાં કહે કે સ્કૂલમાં બધાં મને ચશ્મીશ-ચશ્મીશ કહીને ચીડવે છે. મમ્મીએ કહ્યું, 'એટલે જ તને ના પાડયાં કરતા હતાં કે ચિન્ટુ, મોબાઈલ ના લે... મોબાઈલ ના લે, તને ટેવ પડી જશે, આંખે ચશ્માં આવશે બેટા... પણ તું અમારી વાત માનતો જ ન હતો.'
ચિન્ટુને પોતાની ભૂલ સમજાઈ. એ કહે, 'સોરી મમ્મા, સોરી પપ્પા... હવેથી હું તમારી દરેક વાત માનીશ.'
આમ, ચિન્ટુની મોબાઈલની ટેવ છૂટી ગઈ.
તો બાળમિત્રો, ચિન્ટુની વાર્તા પરથી એ સમજવાનું કે મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો. નહીં તો આંખો બગડશે. જો આંખો બગડે તો જાડા કાચનાં ચશ્માં આવશે. ચશ્માં વગર તમને કશું દેખાય નહીં. એટલે મમ્મી-પપ્પા એમ કહે કે મોબાઈલ મૂકી દે તો એમની વાત માનવાની. મોબાઈલ હાથમાં નહીં લેવાનો... બરાબર?


