- 'હેં મમ્મી, આપણે એકાદ દહાડો ઉપવાસ કરીએ તો ય ભગવાન આપણું સારું કરી દે, તો પછી ગરીબ લોકો કાયમ ઉપવાસ કરે છે તો એમનું ભગવાન ક્યારે સારું કરવાના હશે?'
- ચિન્ટુની વાત સાંભળીને મમ્મીની આંખો આંસુથી છલકાઈ ગઈ. એ બોલી, 'લે બેટા, એક જ દિવસનું બચેલું નહીં, પણ આ ત્રણ દિવસ ચાલે એટલું કરિયાણું લઈને એમના ઘેર જઈએ.'
- ભરત એલ. ગોઠડીયા : નાનું એવું ગામ. ગામમાં ચિન્ટુ અને મિન્ટુ નામના બે બાળકો રહેતાં હતાં. તેઓ સરખી વયનાં હોવાથી એકબીજા વગર રહી ન શકે એવા મિત્રો બની ગયેલા. ચિન્ટુનું ઘર પૈસે ટકે સુખી સમૃદ્ધ હતું, જ્યારે મિન્ટુને બાપડાને ગરીબાઈ હતી.
એક વખત ચિન્ટુનાં મમ્મીએ ઘરે ફરમાન કર્યું કે કાલે બધાએ સોમવાર કરવાનો છે. જમવાનું બનશે નહીં! ચિન્ટુએ સ્વાભાવિકપણે પૂછ્યું, 'કેમ મમ્મી, સોમવાર હોય એટલે જમવાનું નહીં બનાવવાનું?'
મમ્મી કહે 'ના બેટા, ઉપવાસ કરીએને તો ભગવાન રાજી થાય અને આપણા ધાર્યા કામ કરે.' આ રીતે મમ્મી એને ધાર્મિકતાના પાઠ ભણાવવાનો પ્રયત્ન કર્યો, પણ ચિન્ટુ તો સાવ નોખી માટીથી બન્યો હતો. તેમણે તરત જ કહ્યુ,ં 'તો મમ્મી, આ એક દિવસ ભૂખ્યા રહીએ એટલે એટલા એમનાં ભાગનું અન્ન બચી જાયને?'
મમ્મી કહે, 'હા.'
ચિન્ટુ કહે, 'તો મમ્મી, આ એક દિવસનું બચેલું અન્ન હું મારા ભાઈબંધ મિન્ટુના ઘેર આપી આવું? એણે બિચારાને છેક પરમ દિવસે બપોરે ખાઘું હતું. બે દિવસથી એના પપ્પાને કશી મજુરી મળતી નથી એટલે ઘરમાં કરિયાણું જ આવતું નથી.'
ચિન્ટુનાં મુખેથી વાત સાંભળીને મમ્મીની આંખો આંસુથી છલકાઈ ગઈ. એને પોતાના પિયરનો ભૂતકાળ યાદ આવી ગયો. એ બોલી, 'લે બેટા, એક જ દિવસનું બચેલું નહીં, પણ આ ત્રણ દિવસ ચાલે એટલું કરિયાણું લઈને એમનાં ઘેર જઈએ.'
એક મોટા થેલામાં તમામ કરિયાણું લઈને ચિન્ટુ અને મમ્મી મિન્ટુનાં ઘર તરફ ચાલ્યાં. મિન્ટુનાં ઘરે પહોંચતાં જ તેમણે જોયું કે બહાર ઝાપા પાસે મિન્ટુ રસ્તા પરથી કશુંક વીણી વીણીને ખાતો હતો. કદાચ એ રસ્તા પર વેરાઈ ગયેલી વેફર હતી. મિન્ટુએ બે-ચાર ટુકડા ખિસ્સામાં નાખી દીધાં કે જેથી ઘરે જઈને પોતાની મમ્મીને આપી શકે.
આ દ્રશ્ય જોઈને ચિન્ટુની મમ્મી ભાવુક બનીને રડવા લાગી. એ કહે, 'અરે બેટા મિન્ટુ, તું તો ચિન્ટુનો ભાઈબંધ છો. તો પણ તેં ક્યારેય આવી પરિસ્થિતિ વિશે વાત ન કરી? લે બેટા, સૌથી પહેલાં તો આ બે કેળાંખાઈ લે.'
મિન્ટુએ કેળાં હાથમાં લીધાં. પછી પોતાની મા પાસે ગયો. એક કેળું એને આપ્યું અને બોલ્યો, 'લે મમ્મી, તું એક ખા, અને એક હું ખાવ. મેં તો પરમ દિવસે બપોરે ખાધું હતું. પણ તેં તો ત્રણ દિવસથી નથી ખાધું...'
ચિન્ટુનાં મમ્મી મિન્ટુનાં મમ્મીને બાથ ભરીને રડી પડયાં. ચિન્ટુનાં મમ્મી કહે, 'બહેન, જો હું ઘણું કાચું સિધુ-સામાન લાવી છું. તમે બધા રાંધીને જમી લ્યો. અને જ્યારે પણ જમવાનું ઘટે ત્યારે ચિન્ટુ સાથે સંદેશો મોકલાવી દેવાનો. હું તમને પહોંચતું કરી દઈશ.'
મિન્ટુ એની મમ્મીને કહેવા લાગ્યો, 'મમ્મી, તું ખરું જ કહેતી હતી કે કાલે ભગવાન શંકરદાદાનો વાર છે. એટલે એ ગમે તેને જમવાનું લઈને મોકલશે. એટલે આ માસીને શંકરદાદાએ જ મોકલ્યા હશેને?'
ચિન્ટુનાં મમ્મીએ મિન્ટુને તેડી લઈને કહ્યું, 'હા બેટા, મને શંકરદાદાએ જ મોકલી છે, હોં! અને તારા માટે બે જોડી કપડાં અને મમ્મી માટે સાડી પણ મોકલી છે. તે હું લાવતાં ભૂલી ગઈ, પણ કાલે હું ચિન્ટુ સાથે મોકલી આપીશ.'
પછી ચિન્ટુ અને મમ્મી ત્યાંથી પાછા ફયાંર્. રસ્તામાં ચિન્ટુુ કહે, 'હેં મમ્મી, આપણે એકાદ દહાડો ઉપવાસ કરીએ તો ય ભગવાન આપણુ ંસારું કરી દે તો પછી ગરીબ લોકો કાયમ ઉપવાસ કરે છે તો એમનું ભગવાન ક્યારે સારું કરવાના હશે?'
ચિન્ટુના આવા વેધક સવાલનો જવાબ મમ્મી પાસે પણ નહોતો. એમણે કહ્યું, 'બેટા, બસ હવે મને વધારે પૂછીશ નહીં.' મમ્મી મનોમન વિચારતાં હતાં કે આજે ચિન્ટુનાં પ્રતાપે, તેના કહેવાથી હું આજે બે-ત્રણ જીવનો ઉપવાસ છોડાવી શકી છું. સાચ્ચે, જિંદગીમાં સાચા અર્થમાં આજે પહેલી વાર હું સોમવાર રહી છું...


