- 'મમ્મી! મમ્મી! મને પેલું ચમકતું તડતડ તારામંડળ જોઈએ, અને જોરથી ફૂટે એવા ફટાકડા પણ જોઈએ... અને પેલી માવાની મીઠાઈ પણ!'
- ડો.પારુલ અમિત 'પંખુડી'
ઘણું જ હરિયાળું અને રમણીય જંગલ. મોરવન એનું નામ. ત્યાં બધાં પ્રાણી ભાઈઓ-બહેનો ખુબ આનંદમાં રહેતાં હતાં.
દિવાળી નજીક આવી રહી હતી.
બધાં પ્રાણીઓ પોતપોતાના ઘરને સાફ કરીને તેને ફૂલોથી શણગાર કરી રહ્યાં હતાં. બચ્ચાં મીઠાઈ અને ફટાકડાંની વાતો કરી રહ્યાં હતાં.
જંગલમાં એક નાનું, નટખટ ખિસકોલીનું બચ્ચું રહેતું હતું. એનું નામ ચિંકી. ચિંકી આખો દિવસ એક ડાળથી બીજી ડાળ પર કૂદકા મારી મજા કરતી હોય.
એક સવારે ચિંકી તેની મમ્મી સાથે નદી કિનારે ગઈ. ત્યાં સામે નવો શોપિંગ મોલ ખૂલ્યો હતો. ખૂબ બધાં પ્રાણી દિવાળીની ખરીદી કરવા અહીં આવ્યાં હતાં.
મોરમામા રંગબેરંગી રંગોળી બનાવવા માટે રંગો વેચી રહ્યા હતા. ભાલુભાઈએ મીઠાઈની દુકાન ખોલી હતી. તોતાકાકા જાતજાતના ફટાકડા વેચી રહ્યા રહ્યા હતા.
ચિંકીની આંખો ચમકી ઉઠી.
'મમ્મી! મમ્મી! મને પેલું ચમકતું , તડ તડ તારામંડળ જોઈએ, અને જોરથી ફૂટે એવા ફટાકડા પણ જોઈએ... અને પેલી માવાની મીઠાઈ પણ!'
મમ્મીએ હળવેથી કહ્યું, 'બેટા, બધું એકસાથે નહીં લઈ શકાય. પહેલાં વિચાર, કે ખરેખર શું જરૂરી છે? દિવાળીનું સાચું આનંદ ખરીદીમાં નહીં, ઉજવણીમાં છે.'
પણ ચિંકી તો જોરથી પગ પછાડતી બોલી ઊઠી, 'ના મમ્મી! હું તો બધું જ લઈશ! નહિ તો હું દિવાળી જ નહીં કરું!'
આટલું બોલીને ચિંકી ત્યાં આળોટવા લાગી. પછી ગુસ્સે થઈને એ તો જંગલમાં દોડી ગઈ. રસ્તામાં એને એના ફ્રેન્ડ્ઝ ગિલી ઉંદર, કિમી કાબર અને મનુ માંકડો મળ્યાં.
એને રડતી અને ગુસ્સો કરતી જોઈ ગિલી ઉંદરે પૂછયું,
'અરે ચિંકી, તું એટલી ગુસ્સે કેમ?'
ચિંકી બોલી, 'મમ્મી મને શોપિંગ નથી કરાવતી! દિવાળી છે ને, બધું નવું લેવું જોઈએ ને!'
કિમી કાબરે હસીને કહ્યું, 'પણ ચિંકી, મારી પાસે તો કોઈ નવી વસ્તુ નથી, છતાં હું ખુશ છું. હું તો ફૂલોમાંથી રંગ ભેગા કરીને અને નદીની રેતીથી જાતે દીવા બનાવી રહી છું.'
મનુ મોર બોલ્યો, 'હું પણ નવા પંખ નથી લાવતો, પણ મારી પીછાં ને ધોઈને ચમકાવી રહ્યો છું. એ જ મારી શોભા છે!'
ચિંકી થોડું શાંત થઈ, પણ હજુ મનમાં વિચારતી રહી કે, પણ મને તો નવા ફટાકડા તો જોઈએ જ!
એટલામાં જ આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયાં. પવન તેજ ફૂંકાવા લાગ્યો. ચિંકી ભયથી એક મોટા વૃક્ષની ડાળ નીચે છુપાઈ ગઈ.
ચિંકી ડરી ગઈ, એટલામાં તેની મમ્મી આવી ગઈ હાથમાં શોપિંગની એક બેગ લઈને.
મમ્મીએ ગભરાયેલી ચિંકીને ચાદરમાં ઢાંકી અને પ્રેમથી કહ્યું, 'જુઓ બેટા, આ નાની વસ્તુઓની પાછળ ખોટા ખર્ચ કરવાથી દિવાળી ઉજવાય એવું નથી. અને તું નાની છે હજુ, ફટાકડાના અવાજથી તું ગભરાઈ જાય, જેમ વીજળીના અવાજથી તું કાંપી ઉઠી એમ. દિવાળી તો ત્યારે સુંદર બને જ્યારે આપણે સાથે હોઈએ, સુરક્ષિત હોઈએ, અને ખુશ હોઈએ.'
ચિંકી આંખોમાંથી આંસુ આવી ગયાં. એ બોલી, 'મમ્મી, હવે હું કંઈ નથી માંગતી. મને ફક્ત તારી સાથે અને મારા મિત્રો સાથે સાચી મજા કરવી છે.'
મમ્મી હસીને બોલી, 'બસ, એ જ છે દિવાળીની સાચી રોશની, પ્રેમ, સાથે આનંદ.'
બીજાં દિવસે સવારે ચિંકી અને મમ્મીએ સાથે મળીને માટીના દીવા બનાવીને રંગ્યાં. કિમી કાબર ફૂલો લઈને આવી, મનુ મોરે પાંખથી ઘર શણગાર્યું અને ગિલીએ પાનના કપમાં મીઠાઈ પીરસી.
રાત્રે આખું જંગલ દીવા અને રોશનીથી ઝળહળી ઉઠયું.
ચિંકી આનંદથી ઝૂમી રહી હતી . એના હાથમાં કોઈ ફટાકડો નહોતો, ન કોઈ મોંઘી વસ્તુ પણ એના દિલમાં દીવો બળી રહ્યો હતો પ્રેમનો, પરિવારનો અને મિત્રતાનો અને ખુશીની ચમકનો.
અને ચિંકી બે હાથ જોડી સૌને કહેવા લાગી, ખરીદી કરવી એ કંઈ સાચી દિવાળી નથી. દિલપૂર્વક, ખુશીથી આ ઉત્સવ ઉજવીએ એ જ સાચી દિવાળી છે!'


