FOLLOW US

બાળવાર્તા-દાદીમા .

Updated: Mar 18th, 2023


- અંધવિશ્વાસને જાકારો આપવામાં સફળ 

- હરીશ નાયક

કા કાસાહેબ કાલેલકરે ગિજુભાઈ બધેકાએ મૂછાળી-મા કહ્યા હતા. ગિજુ-માએ આજીવન બાળકોને વાર્તા કહીને ખરેખર માતૃકર્તવ્ય પાર પાડયું.

શુક્રવાર, ૧૦ માર્ચ ૨૦૨૩ ૯૭ વર્ષે અવસાન પામેલા ધીરૂબહેન પટેલે જિંદગીભર એજ બાળકર્તવ્ય પાર પાડયું. આપણે ધીરૂબહેનને બાળવાર્તા-દાદી જ કહેવા પડશે. ધીરૂદાદીએ માત્ર વાર્તા કહી જ નહીં, તેઓ વાર્તા જીવ્યાં, વાર્તાઓને જીવતી કરી, વાર્તાઓને આપણી વચમાં રમતી મૂકી.

વાર્તા જીવ્યાં કેવી રીતે ?

તો દાખલો આપું. કસ્તુરબા ઘરેણાં પહેરે તે ગાંધીજીને ગમે નહીં. ગાંધીજી કહેતા કે નાક-કાન વીંધાવી તેમાં ઘરેણાં ખોસવાથી છોકરીઓ કે મહિલાઓ કંઈ બહુ રૂપાળી લાગતી નથી. બાળકી જન્મે ત્યારે માતાઓએ તેના કાન વીંધાવવાની જરૂર જ હોતી નથી, પણ આજ સુધી એ જ ચીલો ચાલ્યો છે. દીકરી જન્મે કે તે નાનકડી હોય ત્યારે જ માતાઓ તેના કુમળા કાન વીંધાવી દે છે. જરાક મોટી થતાં વળી તેનું નાકેય વીંધાવે છે. જાણે એ હુકમ કુદરતની આજ્ઞાા ન હોય !

ચાર દીકરાની માતા બન્યા છતાં કસ્તુરબાએ ઘરેણાં ત્યજા ન હતાં. કહો કે બાપુએ બળવો કર્યો ત્યારે જ બા અલંકાર મુક્ત થયાં. પણ બાપુને ખુશ કરવા ખાતર જ! બાકી મનમાં તો એમ જ કે અલંકાર વગરની હું કેવી બુઠ્ઠી લાગું છું!

જ્યારે આફ્રિકાથી ભારત આવવાનું થયું ત્યારે માના રહેવાસીઓ બા-બાપુને ભવ્ય વિદાયમાન આપી. તેમાં બા ને એક કિંમતી સોનાનો હાર આપ્યો. બાએ સજી દીધો. બાપુ કહે : 'બા! આપણે એવી ભેટ ન લઈ શકીએ. આપણે ઘરેણાંનાં ત્યાગની પ્રતિજ્ઞાા કરી છે.'

બાપુના કહેવાથી બાએ એ ભેટ પરત કરી, પણ તેમને ગમ્યું નહીં. તેમને નાક-કાન વગેરે જે અંગો કોચાવેલાં હતાં, તે ન ગમ્યાં. ખાલી જ લાગ્યાં.

ધીરૂબહેન પટેલ તો જન્મથી જ ગાંધીવાદી હતાં. ધીરૂબહેનનાં માતા સત્યાગ્રહની લડતમાં છ વખત જેલમાં જઈ આવ્યાં હતાં. આજીવન ખાદી જ પહેરતાં અને જે કંઈ લખે વાંચે કહે તે જીવન ઉપયોગી જ હોય!

બાળકી ધીરૂબહેનનાં માતા-પિતા પણ ગાંધીવાદી જ હતાં. દીકરી-દીકરામાં કોઈ ભેદભાવ રાખતાં નહીં. બે ભાઈઓ સાથે દીકરી ધીરૂને પણ જેમ જીવવું હોય તેમ જીવવા દેતાં.

પણ ધીરૂ દશ વર્ષની થઈ ત્યારે માતાને દીકરીના કાન વીંધાવવાનું મન થયું. નાનકી ધીરૂએ બળવો પોકાર્યો. કાન ન જ વીંધાવ્યાં. તે ઠેઠ ૯૭ વર્ષે સ્વર્ગની પાલખી પર વિદાય લેતા હતા, ત્યાં સુધી કહેતા રહ્યા : 'હું મારી જાતે મારી સ્વતંત્રતાથી જીવી છું. મારાં માતા પિતાએ મને તે રીતે જીવવા દીધી છે. મેં નાક-કાન વીંધાવ્યાં નથી અને મને જીવવામાં કોઈ વાંધો આવ્યો નથી.'

બાળવાર્તા શોખીન ધીરૂબહેને જે વાર્તાઓ લખી, અનુવાદ કરી, ઉદધૃત કરી તેની સમજૂતી બરાબર આપી.

'આરબ અને ઊંટ'ની જાણીતી વાર્તા તેમણે ગીતાની જેમ ગોખી નાખી. તેની પરથી બે ભાગમાં નાટક લખ્યું. ૪૦ વખત એ નાટક ભજવાયું. એ નાટકને માનવીય સ્વરૂપ આપ્યું. જેમ વાર્તાનું ઊંટ એક પછી એક અંગનો પગપેસારો કરી આરબને તંબૂ બહાર ધકેલી દે છે, ધીરૂબહેન કહે છે, માનવી પણ મા-બાપ ઘરડાં થાય છે ત્યારે તેમ જ કરે છે. અંગ્રેજી જાણીતી વાર્તા ‘UGLY DUCKLING’  ની ગુજરાતી ચોપડી કરી ત્યારે તેમણે 'અગ્લી' બતકીમાં જ એવું સૌંદર્ય મૂકી દીધું કે બધાં જ બતકને 'અગ્લી' થવાનું જ મન થાય !

વિશ્વ પ્રસિદ્ધ લેખક માક ટ્વેઈનના બે પ્રસિદ્ધ બાળનવલ ગ્રંથો પૂરેપૂરા શ્રમ લઈને ગુજરાતીમાં ઉતાર્યાં - 'હકલબરી ફિન્ન' અને 'ટોમ સોયર'.

વાર્તાદાદી ઘરડાં થયાં. ૯૭ વર્ષના ત્યારે તેમના પગ જરા અસ્થિર થયા પણ લખનારા હાથ તો લખ્યા જ કરે.

આજનો યુગ ડિજિટલ યુગ બન્યો, તે સાથે જ, તે પહેલાં કહી શકો, ધીરૂદાદી વિશ્વકોશના માધ્યમ દ્વારા ડિજિટલ બની ચૂક્યા હતાં. કંઈક સ્પર્ધાઓ, નાટય કાર્યક્રમો કથાકથન કલાવૃંદો, ગીત ગગનના ગુંજારવો ડિજિટલ સ્વરૂપે ચારે દિશામાં ગૂંજાવ્યા. અલબત્ત બાળ સાહિત્યના સમર્પિત લેખક ડૉ. શ્રી કુમારપાળ દેસાઈનો તેમને સાથ ખરો જ. ધીરૂદાદીના મિત્રોનાં જોડકણાં કાક-માક અને પૂંછડીની વાત, ગાડાના પૈડાં જેટલાં ચોટલાની વાત શોધીને વાંચશો જ ફરીવાર.

Gujarat
News
News
News
Magazines