કિરીટ ગોસ્વામી
ચીકુ અને તેના મિત્રોએ રંગેચંગે ગણેશોત્સવ ઉજવી રહ્યા હતા.
અચાનક એક દિવસ પપ્પાએ કહ્યું- 'આવતીકાલે ઉત્સવનો છેલ્લો દિવસ છે. કાલે આપણે ગણેશજીના વિસર્જન માટે જવાનું છે.'
'વિસર્જન એટલે શું, પપ્પા?' ચીકુએ નવાઇભેર પૂછયું.
પપ્પાએ કહ્યું- 'વિસર્જન એટલે ગણેશજીને આપણા ઘરેથી વિદાય આપવાની!'
ચીકુનું કુતૂહલ વધી ગયું.'વિદાય? પણ શા માટે? પછી એ કયાં જશે?'
પપ્પાએ ક્હ્યું,'આપણે એમને દરિયામાં પધરાવી આવીશું...'
ચીકુ કહે, 'પણ દરિયામાં શા માટે? ભલેને ગણેશજી આપણા ઘેર જ રહે!'
પપ્પા બોલ્યા- 'ના,એમ કાયમ માટે એમને ના રોકી શકાય. આપણે એમને વિદાય કરીને વિસર્જન કરવું જોઈએ!'
'પણ પપ્પા આપણે એમને દરિયામાં ફેંકી થોડા દેવાય?એ તો સારું ન કહેવાય!' ચીકુએ દલીલ કરી.
પપ્પા કહે, 'એને પધરાવવું કહેવાય... ફેંકવું ન કહેવાય! પણ તને નહીં સમજાય. તું તારું હામવર્ક કર, જા!'
પપ્પાની વાતથી ચીકુના મનમાં કંઇ કેટલાય વિચારો આવવા લાગ્યા- 'આ ગણેશજીને આટલા હરખથી ઘેર લાવ્યા... રોજ એમનાં ગીતો ગાયાં... ખૂબ નાચ્યાં! મીઠા-મીઠા મોદક ખાધા. કેટલો બધો આનંદ કર્યો! અને હવે એમને દરિયામાં પધરાવી દેવાય? આ તો બિલકુલ સારું ન જ કહેવાય!'
ચીકુનું મન ચકડોળે ચડયું. રાતે ઊંઘ આવતી નહોતી. મનમાં એક જ ચિંતા હતી- 'કાલે ખરેખર શું પપ્પાએ કહ્યું એમ સહુ ગણેશજીને દરિયામાં પધરાવી આવશે?'
ચીકુની આંખ લાગી. જરાક નીંદર આવી ત્યાં જ સામે ગણેશજી દેખાયા. તેઓ ચીકુને કહેવા લાગ્યા- 'ચીકુ, મારે અહીંથી જવું નથી! તારે ઘેર જ રોકાવું છે. મને તમારા સૌની સાથે ખૂબ મજા પડે છે. મને દરિયામાં ન પધરાવશો!'
આ સાંભળીને ચીકુ પણ હરખાયો- 'હા, દાદા! અમને પણ તમારી સાથે ખૂબ મજા પડે છે. તમે રોકાઇ જાવ એ મારી પણ ઇચ્છા છે... પણ આ પપ્પા જુઓ ને! દરિયામાં પધરાવવાની વાત કરે છે...'
'ના, ના, ના... મને દરિયામાં ન પધરાવશો! તને ખબર છે? દરિયો તો કેટલી બધી માછલીઓ, પરવાળા, દરિયાઈ વનસ્પતિ એમ બધાંયનું ઘર છે! જો તમે મને એમાં પધારવશો તો એ બધાંયનું ઘર બગડી જશે! તો પ્લીઝ.. તમે મને અહીં જ રહેવા દો ને! ચીકુ, પ્લીઝ..' ગણેશજીએ ચીકુને રીકવેસ્ટ કરી.
ચીકુ બોલ્યો- 'દાદા, તમને કયાંય નહીં જવા દઉં! આ મારું પ્રામિસ!'
આ સાંભળીને ગણેશજી રાજી થયા.
ચીકુ તરત જ પથારીમાંથી ઊઠયો અને ગણેશજીને પૂજા-ઘરમાંથી પોતાના રૂમમાં લઈ આવ્યો.
સવારે બધાંય જાગ્યા. નાહીધોઇને પૂજાઘરમાં ગયા, પણ ત્યાં ગણેશજીને ન જોઇને નવાઇ પામ્યાં. સહુ એમની શોધાશોધ કરવા લાગ્યાં.
ત્યાં જ ચીકુએ પોતાના રૂમમાંથી બહાર આવ્યો. પપ્પા સહિત બધાંયને એણે કહી દીધું- 'ગણેશજી મારી પાસે,મારા રૂમમાં છે. તેઓ હવે કયાંય નહીં જાય! હંમેશા મારા રૂમમાં જ રહેશે! કાયમ હું એમને સાચવીશ! બાકી દરિયામાં પધરાવવાની વાત જ ન કરશો. દરિયો તો માછલીઓનું અને કેટલીય વનસ્પતિઓનું ઘર છે. એને સ્વચ્છ રાખવો જોઈએ. ગણેશજીને દરિયામાં પ્રદૂષણ થાય તે જરાય નથી ગમતું! એમને પણ અહીં જ રહેવું છે, આપણી સાથે જ! એમને ક્યાંય જવા દેવા નથી!'
આખરે ચીકુની લાગણી પાસે સહુ ઝૂકી ગયા. પછી તો ઘરમાં જ એક મોટી થાળીમાં ગણેશજીની મૂર્તિ રાખીને એમના વિસર્જનની પ્રતીકાત્મક વિધિ કરી લેવામાં આવી. આ રીતે ન દરિયાનું પાણી બગડયું, ન કશુંય પ્રદૂષણ થયું.
...અને ગણેશજી હંમેશ માટે ચીકુની સાથે જ રહ્યા!


