FOLLOW US

ચુગલીખોર ચટાકો .

Updated: Sep 15th, 2023


-  'મેં તો વાંદરાને સિંહ પાસે મોકલ્યો હતો  કે જેથી એ સિંહને સમજાવી-પટાવીને મારી પાસે લઈ આવે ને હું તેનો શિકાર કરી લઉં... પણ તે પણ હજુ કેમ ના આવ્યો?' 

અર્જુનસિંહ કે. રાઉલજી 

આ મ તો તે વાંદરો જ હતો, પણ વાતોનો એવો રસિયો હતો કે ના પૂછો વાત! ગામે ગામથી અને જંગલે જંગલથી તે જાતજાતની વાતો જાણી લાવતો, પછી તેમાં મરી મસાલા ભભરાવી એવી ભાષામાં રજૂઆત કરતો કે સાંભળનારા ખુશ થઈ જતા. જેના પરિણામે તે જ્યાં જાય ત્યાં તેની આજુબાજુ સાંભળનારાનું ટોળું થઈ જતું. કોઇ પણ વાત તે એવા રસથી કહેતો કે બધાને મજા પડી જતી, ચટાકો થઈ જતો. જંગલનાં બધાં જ પ્રાણીઓ અને પક્ષીઓ એવા ટેસથી તેની વાતો સાંભળતાં કે ના પૂછો વાત! અને એટલે જ તેનું નામ ચટાકો પાડી દીધું હતું. પાછો એ હતો પણ ચુગલીખોર. તેના પેટમાં કોઇ જ વાત ટકતી નહીં. તે જ્યાં સુધી મરી મસાલા ભભરાવીને એ વાત ના કરે ત્યાં સુધી તેને પેટમાં દુખાવો જ થતો. 

હવે તે સાંજે બન્યું એવું કે ચટાકો એક વડના ઝાડ ઉપર છૂપાઇને બેઠો હતો. સાંજ પડી ગઈ હતી, અંધારું ઉતરવા માંડયું હતું. તેણે શહેર તરફથી આવતા રસ્તે જોયું કે એક મોટો વિશાળકાય અલ્સેશિયન કૂતરો કદાચ ભૂલો પડીને  જંગલમાં આવી ચઢયો હતો. કૂતરાએ જીભ બહાર કાઢેલી હતી. આમ તો કૂતરા સામે સમસ્યા ન સર્જાત, પણ ચટાકાએ જોયું તો જંગલનો રાજા સિંહ - જે હવે ખરેખર તો ઘરડો જ થઈ ગયો હતો - તે સામેથી આવતો હતો. કૂતરાએ પણ સિંહને આવતો જોયો, એટલે કૂતરો તો ખરેખર ગભરાયો, છતાં સિંહને ડરાવવા તે જોર જોરથી ભસવા માંડયો અને પોતાના બચાવ માટે જોરજોરથી બૂમો પણ પાડવા માંડયો કે, 'મેં હમણાં થોડીક વાર પહેલાં જ એક સિંહનો શિકાર કરીને મારી ભૂખ સંતોષી છે. બાજુના જંગલમાં સિંહ બહુ બરાડા પાડી ત્રાડો પાડતો હતો. મેં તેને મારી નાખ્યો છે, પણ હજુ મને ભૂખ છે જ. જો બીજો કોઇ શિકાર મળી જાય તો મારી ભૂખ સંતોષાય...' 

આમ બૂમ પાડી તેણે સિંહ તરફ જોયું, પણ સિંહે કદાચ તેની બૂમ સાંભળી નહીં હોય એમ માની તેણે ફરીથી વધારે જોરથી બૂમ પાડી, 'ભૂખ્યો થયો છું, શિકાર કરું, સિંહ મળે તો પાડી દઉં...' આ વખતની બૂમ પણ સિંહે સાંભળી. પહેલી બૂમ પણ તેણે સાંભળી જ હતી, પણ તે ખોટો રોફ મારવા આગળ વધી રહ્યો હતો. જોકે હવે સિંહ ગભરાયો. તેને લાગ્યું કે, બાજુના વનમાં પણ આ કૂતરાએ સિંહનો શિકાર કર્યો છે, અને હવે હું તો બુઢ્ઢો થયો છું, મારી તાકાત નથી આવા પહાડ જેવા કૂતરા સાથે લડવાની... 

સિંહ પાછો વળી ગયો અને પોતાની ગુફા તરફ જવા લાગ્યો, જેથી કૂતરાથી બચી શકાય. 

વડના ઝાડ ઉપર સંતાઇને બેઠેલો ચુગલીખોર ચટાકો આ બધા ખેલ જોતો હતો. તેણે એ પણ જોયું કે ખરેખર તો કૂતરો સિંહથી ગભરાઈ ગયો હતો, પણ સિંહને બીવડાવી પાછો તગેડવા જ તેણે આ ત્રાગડો રચ્યો હતો. ચુગલીખોર ચટાકાને લાગ્યું કે સિંહને પોતાના અહેસાન નીચે લાવવા માટે આ એક સુંદર તક છે. સિંહ મારો મિત્ર બની જશે અને પછી પોતે પણ સિંહના નામે આખા જંગલમાં રોફ મારશે. તે આ તક જવા દેવા માંગતો નહોતો, એટલે છુપાઇને ઝાડો કૂદતો કૂદતો સિંહની ગુફામાં પહોંચી ગયો. સિંહને સલામ ભરીને એણે સાચી વાત જણાવી દીધી કે, 'કૂતરો ખરેખર તો તમારાથી ડરી ગયો છે, પણ તમને ડરાવવા માટે જ તેણે આ ત્રાગડો રચ્યો છે, બાકી તેણે કોઇ સિંહનો શિકાર કર્યો નથી, અને તેની એટલી તાકાત જ ક્યાં છે કે સિંહનો શિકાર કરી શકે...' 

સિંહને ચુગલીખોર ચટાકા પર વિશ્વાસ બેસી ગયો. હવે તો તેણે કૂતરાનો શિકાર કરવા જવું જ જોઇએ. એમ વિચારી સિંહ તો આગળ થયો. પાછળ પાછળ ચુગલીખોર ચટાકો ચાલવા લાગ્યો. અલ્સેશિયન કૂતરાએ દૂરથી જોયું કે એક વાંદરો સિંહને આગળ કરી તેના તરફ આવી રહ્યો છે.  કૂતરો હોંશિયાર હતો, તે આખી વાત સમજી ગયો એટલે ફરીથી જોરજોરથી બૂમો પાડવા લાગ્યો, 'મેં તો વાંદરાને સિંહ પાસે મોકલ્યો હતો  કે જેથી એ સિંહને સમજાવી-પટાવીને મારી પાસે લઈ આવે ને હું તેનો શિકાર કરી લઉં... પણ તે પણ હજુ કેમ ના આવ્યો?' 

સિંહે આ વાત સાંભળી. તેણે વાંદરા તરફ જોયું અને મનમાંજ જ બોલ્યોઃ અચ્છા, તો બેટમજી મને પટાવીને લેવા આવ્યો છે, એમને? પણ હું તો જંગલનો રાજા છું, તારી ચાડી-ચુગલીમાં ફસાઉં એવો નથી... લે, તું પણ લેતો જા! 

સિંહે એક ત્રાડ પાડીને વાંદરા ઉપર કૂદકો માર્યો. એક્ જ ઘાએ એને પાડી દીધો. વાંદરાને કશું સમજવાની કે વિચારવાની તક જ ના મળી. કૂતરાએ જોયું કે સિંહે વાંદરાનો શિકાર કરી નાખ્યો છે, આપણે બચી ગયા છીએ. સિંહ વાંદરાને ખાય ત્યાં સુધી તો કૂતરો જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે રફૂચક્કર થઈ ગયો. 

જોયું બાલમિત્રો, ચાડી-ચુગલી કરનારની કેવી દશા થાય છે? માટે આપણે હવે ક્યારેય કોઇની ચાડી કે ચુગલી નહીં જ કરીએ.

Gujarat
English
Magazines