Get The App

ચંદના ચકલીબાઈ અને બાબો .

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
ચંદના ચકલીબાઈ અને બાબો                                        . 1 - image


- હેમંત વાળા

નાનો બાબો શહેરમાં આવેલા તેના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં બેઠો હતો, પોતાની બાબા ગાડીમાં. ક્યારેક તે આકાશ તરફ નજર કરે તો ક્યારેક બાલ્કનીની લોખંડની જાળીને જુવે. ક્યારેક તે ત્યાં મુકાયેલ કુંડાને જુએ તો ક્યારેક પોતાની રમત કરતી આંગળીઓને જોયાં કરે. 

ત્યાં અચાનક જાળી પર એક ચકલી આવીને બેઠી. બાબાને કુતૂહલ થયું. તેણે ચકલી સુધી પહોંચવા હાથ લાંબો કર્યો, પરંતુ તેના હાથ તો ટૂંકા હોય. તેણે પોતાની કાલી કાલી ભાષામાં ચકલીને પૂછયું કે તમે કોણ છો? 

ચકલીએ જવાબ આપ્યો કે હું ચકલીબાઈ છું અને મારું નામ ચંદના છે. બાબાએ પૂછયું કે તમે આખો દિવસ શું કરતાં

હોવ છો? 

તો ચંદનાએ જવાબ આપ્યો -

ઊંચે ઊંચે ઉડતાં અમો, ઝાડે ઝાડે ફરતાં...

દાણો દાણો ખાતાં ખાતાં, રામ ભરોસે રહેતાં.

બાબાએ કીધું કે મારે પણ તમારી જેમ ઊંચે ઉડવું છે, ઝાડની ટોચ પર પહોંચવું છે. ચંદના ચકલીબાઈએ સમજાવ્યું કે અમે પક્ષી છીએ, અમને પાંખો હોય અને તેથી અમે ઉડી શકીએ. તમારી પાસે પાંખો ન હોય તેથી તમે ન ઊડી શકો. ઝાડની  ટોચ પર પહોંચવા માટે કાં તો પાંખો જોઈએ કાં તો વાંદરાની જેમ કૂદતાં આવડવું જોઈએ. 

પછી બાબાએ પૂછયું કે તમે આમ ચીં ચીં કરીને કેમ

બોલો છો? 

તો ચંદના ચકલીબાઈએ કીધું -

કાગડાનું છે ક્રાઉં ક્રાઉં, કાબરની તો કલબલ...

ચીં ચીં ચીં ચીં મીઠું અમો, બોલીએ જે હર પલ.

આ સાંભળીને બાબાએ પૂછયું કે તમે મારી જેમ કેમ નથી બોલતાં? ચંદના ચકલીબાઈએ સમજાવ્યું કે દરેક પ્રાણીની  જુદી જુદી બોલી હોય. કુતરો ભસે, તો ગાય ભાંભરે. સિંહ ગર્જના કરે, તો વાંદરો હૂપાહૂપ કરે. કોયલ ટહુકે, તો દેડકો ડ્રાંઉ ડ્રાંઉ કરે. દરેક પશુ-પક્ષી પોતાની બોલીમાં વાતચીત કરે. અમે બધી ચકલીઓ 'ચીં ચીં'માં વાતચીત કરીએ. 

બાબાએ પૂછયું કે તમે આમ કપડાં પહેર્યા વગર ફરો છો તો તમને ઠંડી કે ગરમી નથી લાગતી? 

તો ચંદના ચકલીબાઈએ જણાવ્યું કે -

શિયાળામાં તડકો પ્યારો, ઉનાળામાં છાંયો...

ચોમાસે ભીંજાવું ગમતું, ગીતોમાં ગવાયો. 

ચંદના ચકલીબાઈએ કીધું કે અમે પણ માનવીની જેમ દરેક તુમાં અમારી જાતને સાચવીએ, પરંતુ અમને ઉનાળામાં એસી ન જોઈએ, શિયાળામાં સ્વેટર કે હીટરની અમને જરૂર ન પડે અને ચોમાસામાં અમે છત્રી કે રેઇનકોટનો ઉપયોગ ન કરીએ. અમે થોડું ધ્યાન રાખીએ પરંતુ સાથે સાથે વાતાવરણને સ્વીકારી પણ લઈએ. અમે અમારા શરીરને ખડતલ બનાવીએ.     

બાબાએ પછી પૂછયું કે તમે રોજ કેમ દેખાતાં નથી? 

ચંદના ચકલીબાઈએ જણાવ્યું કે હવે આ શહેરમાં હવે ઝાડ નથી રહ્યાં. અમે ઝાડ પર માળો બાંધીએ. હવે જ્યાં ઝાડ જ ન હોય ત્યાં માળો ક્યાં બાંધવો? અને તેથી અમારે રહેવા માટે જ્યાં ઝાડ હોય ત્યાં દૂર જતાં રહેવું પડયું. 

ચંદના ચકલીબાઈએ આગળ કહ્યું -

માળો બાંધતાં ઝાડે અમો, હવે ક્યાં તે બાકી...

લાગે થાતી શહેરોમાંથી, અમારી બાદબાકી.

કુતુહલવશ બાબાએ પૂછયું કે હવે શહેરોમાં ઝાડ કેમ નથી? ત્યારે ચંદના ચકલીબાઈએ જણાવ્યું કે વિકાસના નામ હેઠળ, વધુને વધુ એપાર્ટમેન્ટ બનાવવા માટે ઝાડ કાપી નાખવામાં આવે છે. મારા નાની એમ કહેતાં હતાં કે, એક સમયેઅહીં ઘણાં બધાં ઝાડ હતાં, પરંતુ ધીમે ધીમે એક પછી એક કપાતા ગયા. આજે હવે ભાગ્યે જ કોઈ ઝાડ જોવા મળે છે. અમારે તો જ્યાં ઝાડ હોય ત્યાં રહેવાનું હોય. 

નાનકડા બાબાએ પૂછયું કે તો પછી અત્યારે અહીં ક્યાંથી? ચંદના ચકલીબાઈએ જવાબ આપ્યો કે આ બાલ્કનીમાં તું એકલો બેઠો હતો, બસ તને કંપની આપવા, તારી સાથે થોડીક વાત કરવા, તને થોડુંક ગમે તે માટે હું આવી ગઈ.

બાબાએ ચંદના ચકલીબાઈનો આભાર માન્યો અને ફરીથી આવવાનું કહ્યું. પછી તો બંને મિત્રો બની ગયાં.

Tags :