Get The App

ચંપક રમણ પિલ્લઈ .

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
ચંપક રમણ પિલ્લઈ                                 . 1 - image


- આપણા સ્વાતંત્ર્ય નાયકો

- નાઝીઓએ ચંપક રમણ પિલ્લઇની બધી સંપત્તિ જપ્ત કરીને ઝેર પિવડાવી દીધું. ત્યાં સુધી હેરાન કર્યા કે તેમને જર્મનીમાં સારવાર પણ ન આપી. શરીર આખામાં વિષ ફેલાઈ ગયું

એન્જિનીયરિંગ, રાજનીતિ અને અર્થશાસ્ત્ર જેવા ત્રણ ત્રણ વિષયમાં ડોક્ટેરટની ડીગ્રી ધરાવતા ચંપક રમણ પિલ્લઇ કેરલના ત્રિવેંદ્રમના વતની હતા. પ્રાથમિક શાળાથી જ તેઓ હોનહાર વિદ્યાર્થી હતા. તેમની આ પ્રતિભાથી પ્રભાવિત થઇ જંતુ વિજ્ઞાાનના વિશેષજ્ઞા મિ. સ્કટફોર્ડે ભારત સરકારને તેને યુરોપમાં અભ્યાસ માટે મોકલવાની ભલામણ કરી. સત્તર વર્ષની ઉંમરે ચંપક રમણ વાયા કોલંબો થઇ ઇટાલી ગયા. ત્યાંથી કોલેજ સુધીનું શિક્ષણ લઇ ફ્રાંસ, સ્વીટ્ઝર્લેન્ડ થઇ જર્મની ગયા. ત્યાં બર્લિનમાં એમણે ત્રણ વિષયમાં પીએચ.ડી. કર્યું. આ સમયગાળામાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. ચંપક રમણે તેને ભારતની સ્વતંત્રતા માટેનો સુવર્ણ અવસર માન્યો. બર્લિનમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય દળની સ્થાપના કરી. જર્મનીમાં રહેતા કેટલાય ભારતીયો તેમાં જોડાયા. સૌએ જર્મન સરકારને વિનંતી કરી કે ભારતની સ્વતંત્રતા માટે તે યોગ્ય કદમ ઊઠાવે. ચંપક રમણે જર્મન સરકારના નૌકાદળમાં સામેલ થઇ સમુદ્રયુદ્ધમાં દક્ષતા પ્રાપ્ત કરી. 'એમડન' નામની પન્નડૂબી (સબમરીન)ના તેઓ કમાંડર બન્યા. જેના દ્વારા તેમણે કેટલાંય બ્રિટિશ જહાજોને ડુબાડયાં. બ્રિટિશ સૈનિકોનાં ઠેકાણાં પર બોમ્બ વર્ષા કરતા ભારતના દક્ષિણ પૂર્વી તટ સુધી પહોંચી ગયા. તેમનો ઇરાદો આંદામાન પર કબજો જમાવી ત્યાંની જેલમાં સજા ભોગવી રહેલા વીર સાવરકરને છોડાવવાનો હતો. પરંતુ એમની આ યોજના સફળ ન થઇ શકી. બ્રિટિશ સરકારે 'એમડન'નો ખાતમો બોલાવી દીધો. 

'એમડન' નષ્ટ થતાં ચંપક રમણ માછીમારના રૂપમાં એક નાવમાં બેસીને ભારત પહોંચી ગયા. સરકારે એમના નામનું એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. અંગ્રેજ જાસૂસોની આંખમાં ધૂળ નાખીને ચંપક રમણ ભારતથી અફઘાનિસ્તાન જઇ પહોંચ્યા. ત્યાં રાજા મહેન્દ્રપ્રતાપ દ્વારા સ્થાપિત 'આઝાદ હિન્દ સરકાર'માં વિદેશમંત્રી બન્યા. પરંતુ અફઘાનિસ્તાનમાં રહીને ભારતની આઝાદીનો પ્રયત્ન સફળ ન થઇ શક્યો. ધરપકડનાં વાદળો ઘેરાતાં ચંપક રમણ અફઘાનિસ્તાનથી પાછા જર્મની જઇ પહોંચ્યા. જ્યાં તેઓ 'જર્મન રાષ્ટ્રવાદી દળ'ના સભ્ય તરીકે ચૂંટાયા. 

વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં તેમણે આઠસૂત્રી યોજના રજૂ કરી. જે અંતર્ગત ભારતને બ્રિટિશ સરકારના પંજામાંથી મુક્ત કરવામાં આવે. ચંપક રમણની આ યોજનાએ પુરોપમાં ખળભળાટ મચાવી દીધો. જર્મનીમાં તેમને ખૂબ માન-પાન મળ્યું. પરંતુ વખત જતાં હિટલર સાથે મતભેદ થતાં જર્મનીમાં રહેવું તેમના માટે દુષ્કર બની ગયું. નાઝીઓએ ચંપક રમણ પિલ્લઇની બધી સંપત્તિ જપ્ત કરીને ઝેર પિવડાવી દીધું. ત્યાં સુધી હેરાન કર્યા કે તેમને જર્મનીમાં સારવાર પણ ન આપી. શરીર આખામાં વિષ ફેલાઈ ગયું. ઉપચાર માટે ચંપક રમણ પ્રાશિયા ગયા. ત્યાંની હોસ્પિટલમાં તેમનું રહસ્યમય મોત નિપજતાં ભારતને એક મહાન દેશભક્તની પુરાય નહીં તેવી ખોટ પડી.

- જિતેન્દ્ર પટેલ

Tags :