ચક્કી ચાલી ચાંદાને ઘેર!

Updated: Jan 21st, 2023


-  કિરીટ ગોસ્વામી

- ઝાડ કહે - 'વાહ! ચાંદાને મારી યાદરૂપે મારી એક નાનકડી ડાળખી પહોંચાડીશ?'  'હા!' કહીને ચક્કીએ ઝાડની નાનકડી ડાળખી લીધી અને પછી આગળ ઉડવા લાગી.

- 'ચાંદાને ઘર મજા-મજા! રોજ સ્કૂલમાં રજા-રજા! ચાંદા સાથે રમું છું! શીરો-પુરી જમું છું!'

એ ક હતી ચક્કી. તે એક દિવસ ચાંદાને ઘેર જવા નીકળી.

રસ્તામાં તેને એક ઝાડ મળ્યું. ઝાડે પૂછયું - 'ચક્કી! ચક્કી! કયાં ચાલી?'

ચક્કી બોલી-

'ચાંદાને ઘર જાઉં છું,

તેથી હું હરખાઉં છું!'

ઝાડ કહે - 'વાહ! ચાંદાને મારી યાદરૂપે મારી એક નાનકડી ડાળખી પહોંચાડીશ?'

'હા!' કહીને ચક્કીએ ઝાડની નાનકડી ડાળખી લીધી અને પછી આગળ ઉડવા લાગી.

ત્યાં રસ્તામાં તેને એક મોટું વાદળ મળ્યું.

વાદળે પૂછયું - 'ચક્કી! ચક્કી! ક્યાં ચાલી?'

ચક્કી બોલી-

'ચાંદાને ઘર જાઉં છું,

તેથી હું હરખાઉં છું!'

વાદળ કહે - 'વાહ! હું તને એક નાનકડો મીઠા પાણીનો કૂંજો આપું! તે તને ખૂબ કામ લાગશે!'

'હા!' કહીને ચક્કીએ વાદળ પાસેથી મીઠા પાણીનો નાનકડો કૂંજો લીધો અને પછી આગળ ઉડવા લાગી.

ત્યાં રસ્તામાં એક સુંદર પરી તેને મળી.

પરીએ પુછયું - 'ચક્કી! ચક્કી! ક્યાં ચાલી?'

ચક્કી બોલી-

'ચાંદાને ઘર જાઉં છું,

તેથી હું હરખાઉં છું!'

પરી કહે - 'વાહ! તો તને આ નાનકડી જાદુઇ છડી આપું! એ તને ખૂબ કામ લાગશે!'

'હા!' કહીને ચક્કીએ પરી પાસેથી જાદુઇ છડી લઇ લીધી અને પછી આગળ ઉડવા લાગી.

ઉડતાં-ઉડતાં તેને તરસ લાગી એટલે વાદળે આપેલ મીઠા પાણીનાં કૂંજામાંથી ધરાઇને પાણી પીધું ને પછી ફરી આગળ ઉડવા લાગી.

ખૂબ ખૂબ ઉડી ત્યાં ચાંદાનું ઘર આવી ગયું.

ચક્કીને જોઇને ચાંદો ખૂબ રાજી થયો અને ચાંદાને ઘેર પહોંચીને ચક્કી ખૂબ રાજી થઇ.

સૌ પ્રથમ તેણે ચાંદાને ઝાડની નાનકડી ડાળખી આપી. ચાંદાએ કહ્યું- 'આ ડાળખી રોપી દે!'

ચક્કીએ ડાળખી રોપી દીધી. જોતજોતામાં એમાંથી સરસ ઝાડ બની ગયું. ચક્કીને એ ઝાડ નીચે રમવાની ખૂબ મજા આવતી.

'ચાંદાને ઘર મજા-મજા!

રોજ સ્કૂલમાં રજા-રજા!

ચાંદા સાથે રમું છું!

શીરો-પુરી જમું છું!'

એમ ચક્કી કેટલાય દિવસ ચાંદાને ઘેર રોકાઇ. ત્યાં ખાધું-પીધું ને ખૂબ મજા કરી. પછી તેને પોતાનું ઘર યાદ આવ્યું.

ચાંદાને 'ટા-ટા' કરીને પછી ચક્કીએ પરીએ આપેલી જાદુઇ છડી કાઢીને તેને કહ્યું - 'મને જલદી મારે ઘેર લઇ જા!'

જાદુઇ છડીએ કહ્યું - 'આંખો જરીક બંધ કરીને પાછી ખોલ!'

ચક્કીએ આંખો જરીક બંધ કરીને પાછી ખોલી, ત્યાં તો તે પોતાને ઘેર પહોંચી ગઈ હતી!  


    Sports

    RECENT NEWS