ચકીએ ખાધી પાણી-પુરી .
- મમ્મી દોડતી આવી. પકી ચકીની પીઠ પર હાથ ફેરવતાં કહેવા લાગી: 'મેં કહ્યું હતું રોજ પાણી-પુરી ના ખવાય અને પાછી આટલી બધી ના ખવાય... હવે મારી વાત સમજાય છે તને?'
- દિગ્ગજ શાહ
પકી ચકીને પાણી-પુરી ખાવાનો જબરો શોખ. રોજ એને પાણીપુરી ખાવા જોઈએ જ!
મમ્મી-પપ્પા લાડથી સમજાવે : 'બેટુ! દરરોજ પાણી-પુરી ના ખવાય. બીમાર પડાય. દરરોજ એક ફળ ખાવાનું શરૂ કરી દો..'
પકી ચકી ગુસ્સે થઈને કહે : 'મમ્મી-પપ્પા! તુમ ક્યા જાનો પાની-પુરી કી મજા? પાની-પુરી નહીં ખાઈ તો ક્યા ખાયા? ફલ તો બીમાર લોગ ખાતે હૈ!'
મમ્મી-પપ્પા બિચારાં શું બોલે? એકની એક લાડકી દીકરી હતી. અફસોસ અને દુ:ખ કરવા સિવાય એ કાંઈ જ કરી શકે એમ હતાં જ નહીં.
આજે પકી ચકી સ્માર્ટ ફેશનેબલ ડ્રેસ પહેરીને તૈયાર થઈ. મમ્મી- પપ્પાને કહે : 'હમ પાની-પુરી ખા કે થોડી દેર મેં આ જાયેગી... ટેન્શન નહીં લેને કા!'
મમ્મી ગુસ્સે થઈને કહે : 'એક લાફા ઠોક દૂંગી.. ને સારા થોબડા બિગાડ દૂંગી! મેરેકુ ગુસ્સા મત દિલા રે!!'
પકી ચકી હસતાં હસતાં મમ્મીનાં ગાલ પર પપ્પી કરીને જતી રહી. પપ્પા આ તમાશો જોતા રહી ગયા.
બંટુ બંદરના પાણીપુરીનાં સ્ટોલ પર જઈને પકી ચકી કહે : 'બંટુભાઈ! પાણી-પુરી ખવડાવો. તીખી... ચટપટી... મસાલા ડાલકે!'
બંટુ બંદર કહે : 'પકી ચકીજી! પહેલાંના રૂપિયા બાકી છે. એ ક્યારે આપવાના છો? એ રૂપિયા આપો તો મને મજા પડે!'
પકી ચકી કહે : 'આ શું નાની વાત કરી નાખી! તારા રૂપિયા ક્યાં લઈને હું ભાગી જવાની છું? ખાલી સિત્તેર રૂપિયા બાકી છે. લે આ બસો રૂપિયા! બાકીના જમા રાખ, બસ?'
બંટુ બંદરએ ખુશ થઈને પકી ચકીને જોરદાર પાણી-પુરી ખવડાવી!
પકી ચકી પાણી-પુરી ખાઈને ઘરાઈ ગઈ. પકી ચકી જવા માટે નીકળી તો બંટુ બંદર કહે : 'અરે પકી- ચકીજી! આજે કોરી પુરી નથી ખાવાની?'
પકી ચકી કહે : 'અરેરે! એ તો ભૂલી જ ગઈ! પણ હવે મારા પેટમાં જગ્યા જ નથી! છતાં કોરી પુરી ના ખાઈએ તો પાણીપુરી ખાવાની મજા જ નહીં. લાવ, ભાઈ, લાવ... ચાર-પાંચ કોરી પુરી!'
બંટુ બંદરે કોરી પુરી આપી.
પકી ચકી તો ફટાફટ બધી જ પુરી ઝાપટી ગઇ!
પકી ચકી ઘરે આવી. થોડીવારમાં એને ચક્કર આવવા લાગ્યા. આખી પૃથ્વી ગોળગોળ ફરવા લાગી. અને પછી ઉલ્ટી થવા લાગી.
મમ્મી દોડતી આવી. પકી ચકીની પીઠ પર હાથ ફેરવતાં કહેવા લાગી: 'મેં કહ્યું હતું રોજ પાણી-પુરી ના ખવાય. અને પાછી આટલી બધી ના ખવાય... હવે મારી વાત સમજાય છે તને?'
પકી ચકીએ આંખમાં આંસુ સાથે કહ્યું : 'સમજાય છે, પણ પાણીપુરી ખાધા વગર મારાથી નહીં જ રહેવાય!'
પકી ચકીએ ફરી ઉલ્ટી કરી. મમ્મી એના માથે હાથ ફેરવતી રહી.
બે કલાક પછી પકી ચકી સ્વસ્થ થઈ. પકી ચકીએ મમ્મીને ખૂબ જ પ્રેમથી કહ્યું : 'મમ્મી! આજ પછી હું મહિનામાં એક જ વખત બજારની પાણીપુરી ખાઈશ. બાકી તારે દર અઠવાડિયે એક વખત ઘરમાં પાણી-પુરી બનાવીને મને ખવડાવવી પડશે!'
મમ્મી હસતાં હસતાં કહે: 'હા, હા... ચોક્કસ! મને પણ પાણીપુરી ખૂબ જ ભાવે છે... પણ ઘરની!'
પકી ચકી કહે : 'મમ્મી, એક વાત તો છે જ! બજારની પાણી-પુરી જેવી મજા ઘરની પાણી-પુરીમાં નથી જ આવતી!'
મમ્મી કહે : 'બજારની ડુપ્લિકેટ પાણી-પુરી ખાઈખાઈને ઘરની શુદ્ધ પાણી-પુરીમાં તમને બધાને મજા નથી આવતી એ તમારા મનનો વ્હેમ છે!'
પકી ચકી મમ્મીને વળગીને કહે : 'અરે મમ્મીજી! તમે તો ટેસ્ટી પાણીપુરી બનાવો છો. મને ભાવે જ છે તારા હાથની પાણીપુરી! થેંક્યું મમ્મી!'
મમ્મી કહે : 'હું પણ બજારની જેમ તને છેલ્લે ચાર-પાંચ કોરી પાણી-પુરી ખવડાવીશ. ઓકે ખુશને?'
પકી ચકી કહે : 'ખાધા પછી હું તને પૈસા નહીં જ આપું... એક પપ્પી જ આપીશ!'
મમ્મી કહે: 'ઓહ માય સ્વીટ ચાઈલ્ડ.. લવ યુ!'
મા-દીકરીનો પ્રેમ જોઈને પકીના પપ્પા ખૂબ જ ખુશ થયા.