- ચકીબેનને તેમની શાળાના શિક્ષકોએ સમજાવ્યું કે ચકીબેન તમે ઘરે મોબાઈલ પર ગેમ રમ્યાં કરો છો અને ભણવામાં ધ્યાન નથી આપતાં તેથી તમારું પરિણામ સારું નથી આવ્યું.તમે મોબાઈલનો સદુપયોગ કરો.
- મેહુલ સુતરિયા
એક ખૂબ મોટા જંગલમાં એક ચકીબેન રહેતાં હતાં. ચકીબેન તો બહુ રમતિયાળ. નિશાળેથી આવીને તરત જ રમવા ઉપડી જાય. જ્યારે અંધારું થાય અને તેમનાં મમ્મી તેમને બોલાવે ત્યારે તે ઘરે પાછાં આવે.
ચકીબેન ભણવામાં પણ ખૂબ હોંશિયાર. શાળામાં દરેક પ્રવૃત્તિમાં તેઓ ભાગ લેતાં. શાળામાં યોજાતી હરીફાઈમાં ઇનામ પણ જીતતાં.
એકવાર ચકીબેનના મમ્મી નવો મોબાઈલ લાવ્યાં. ચકીબેન તો ખુશ-ખુશ થઇ ગયાં. તેમણે તો તરત જ પોતાનું ઇમેઇલ એકાઉન્ટ બનાવી દીધું અને ફટાફટ પ્લે સ્ટોરમાંથી ગેમ્સ ડાઉનલોડ કરવા લાગ્યાં. ચકીબેનના મમ્મીએ તેમને બહુ સમજાવ્યાં પણ ચકીબેન માને શાના!
હવે તો ચકીબેન નિશાળેથી આવીને સીધાં જ મોબાઈલમાં ગેમ રમવા બેસી જાય. ચકીબેને તો બહાર રમવા જવાનું પણ બંધ કરી દીધું. ચકીબેનના મિત્રો તેમને બોલાવવા આવે તો પણ તેઓ રમવા ન જતાં.
શાળામાંથી પણ હવે તો ફરિયાદ આવવાં લાગી કે ચકીબેન હોમવર્ક પૂરું નથી કરતાં અને કોઈ પ્રવૃત્તિમાં ભાગ નથી લેતાં.
ચકીબેન તો શાળાએથી આવીને મોબાઈલ પકડીને બેસી જાય ને ગાતાં જાય-
'મોબાઈલની કેવી મજા ભાઈ,
મોબાઈલની કેવી મજા,
પ્લે-સ્ટોર પર મળે ગેમ,
રમીશ હું તો રોજની જેમ!'
આમને આમ દિવસો વીતતા ગયા. ચકીબેનની શાળાની પરીક્ષા આવી. ચકીબેન તો પેપર લખવાં બેઠાં પણ તેમને તો કશું યાદ જ ન આવે. ચકીબેન તો ઉદાસ થઇ ગયાં. તેમની પરીક્ષાનું પરિણામ પણ સારું ન આવ્યું.
ચકીબેનને તેમની શાળાના શિક્ષકોએ સમજાવ્યું કે ચકીબેન તમે ઘરે મોબાઈલ પર ગેમ રમ્યા કરો છો અને ભણવામાં ધ્યાન નથી આપતાં તેથી તમારું પરિણામ સારું નથી આવ્યું. તમે મોબાઈલનો સદુપયોગ કરો, જેમ કે G-Shala app, Diksha app પર અભ્યાસના વિડીઓ જુઓ, જેથી તમે ભણવામાં વધુ હોંશિયાર બનો. મોબાઈલમાં ગેમ રમ્યા કરતાં મેદાન પરની રમતો રમો કે જેથી તમારું શરીર પણ મજબૂત બને.
ચકીબેનને હવે પોતાની ભૂલ સમજાઈ. તેમણે મોબાઈલનો ઉપયોગ ખૂબ ઓછો કરી દીધો હવે તેઓ મોબાઈલમાં એજ્યુકેશનલ એપ્સ G-Shala અને, Diksha app જોતાં. હોમવર્ક પૂરું કરીને બહાર રમવા જતાં. હવે ચકીબેન પહેલાંની જેમ અભ્યાસમાં ધ્યાન આપવા લાગ્યાં અને તેમનું પરિણામ પણ ઉત્તમ આવ્યું.
ચકીબેન તો ખુશ થઇ ગયા અને ગાવાં લાગ્યાં- મોબાઈલની કેવી મજા ભાઈ, મોબાઈલની કેવી મજા, પ્લે-સ્ટોર પર G-Shala, દિક્ષા, રોજ મેળવીશ હું શિક્ષા!


