Get The App

ચકીબેનની ચણિયાચોળી .

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
ચકીબેનની ચણિયાચોળી                                          . 1 - image


- 'જંગલનાં ઘણાં પંખીઓ પાસે નવ દિવસની નવ શું, એક ચણિયાચોળી પણ નહીં હોય... તો શું એ નવરાત્રિ નહીં મનાવે? ગરબાં નહીં ગાય?'

- મેહુલ સુતરિયા

નવરાત્રિ શરૂ થઈ ચૂકી હતી. જંગલમાં તો બધાં પશુ-પંખીઓએ નવરાત્રિની તૈયારી ક્યારની શરૂ કરી દીધી હતી. કોયલબેન, કાબરબેન, મોરભાઈએ તો ગરબાનાં 

અવનવાં સ્ટેપ શીખવા ગરબાનાં ક્લાસમાં જવાનું ચાલુ કરી દીધું હતું. રોજ ક્લાસમાંથી આવીને તેઓ પ્રેક્ટીસ કરતાં અને જંગલનાં અન્ય પંખીઓને પણ 

ક્લાસમાં શીખેલાં સ્ટેપ શીખવાડતાં.

એક દિવસ ફરતાં-ફરતાં ચકીબેન બધાં પંખીઓ જ્યાં ગરબાની પ્રેક્ટીસ કરતાં હતાં ત્યાં પહોંચી ગયાં. તેઓ પણ ગરબાનાં અવનવાં સ્ટેપ્સ શીખવા જોડાઈ ગયાં. 

ચકીબેનને તો મોજ પડી ગઈ. એ રસ્તામાં ચાલતાં-ચાલતાં પણ સ્ટેપ લેતાં જાય અને ગાતાં જાય-

'નવલી નવરાત્રી આવી

રૂમઝૂમ કરતી.

ગરબે હું ઘૂમતી,

મઝા હું કરતી.

ચણિયાચોળી પહેરી

હું ચકીબેન આવી...!'

જંગલના બધાં પશુ-પંખીઓ ચકીબેનને જોઇને હરખાતાં કે ચકીબેન કેવાં મોજમાં છે!

ચકીબેન તો ઘરે આવ્યાં. એમણે  પોતાનાં મમ્મીને કહ્યું, 'મારે આ નવરાત્રિમાં નવ દિવસની નવ અલગ અલગ ચણિયાચોળી લાવવાની છે.'

ચકીબેનનાં મમ્મી તો હસવા લાગ્યાં. એમણે ચકીબેનને કહ્યું, 'એમ નવ દિવસની કંઇ નવ ચણિયાચોળી ન લાવવાની હોય. હું તમને એક ચણિયાચોળી અપાવી દઈશ.'

ચકીબેન તો ઉદાસ થઇ ગયાં ને ગાવાં લાગ્યાં-

'નવલી નવરાત્રિ આવી

રૂમઝૂમ કરતી,

હું ગરબે નથી ઘૂમતી,

હું મઝા નથી કરતી,

હું ચણિયાચોળી નથી પહેરતી,

હું ચકીબેન નથી આવતી...!'

ચકીબેનને ઉદાસ જોઈ તેમની મમ્મીએ કહ્યું, 'જુઓ ચકીબેન, તહેવાર એ ખુશ રહેવાનો, મનથી આનંદિત થઇને સેલિબ્રેટ કરવાનો અવસર છે. તહેવાર માટે 

મનનો ઉલ્લાસ જરૂરી છે. સાચો આનંદ બધાં ભેગાં થઇને તહેવાર ઉજવે તેમાં છે. કોઈ વસ્તુ ન હોય તો તહેવાર ઉજવવાની મજા ન આવે તેવું ન હોય! જંગલના 

ઘણાં પંખીઓ પાસે એક ચણિયાચોળી પણ નહીં હોય, તો શું એ નવરાત્રિ નહિ મનાવે? ગરબાં નહીં ગાય?'

મમ્મીએ કહેલી વાત ચકીબેનના મનમાં ઉતરી ગઈ. ચકીબેન તો હવે બહુ ખુશ છે. ગરબાં ઘૂમતાં ચકીબેન તો ફરી ગાવાં લાગ્યાં-

'નવલી નવરાત્રિ આવી

રૂમઝૂમ કરતી,

ગરબે હું ઘૂમતી,

મઝા હું કરતી,

ચણિયાચોળી પહેરીને

હું ચકીબેન આવી.'

Tags :