- જંગલનાં પશુ-પંખીઓ ઘણીવાર ચકીબેનના ઘરે એ.સી.ની ઠંડી હવા ખાવા જતાં. તેમાં ખિસકોલીબેન, કોયલબેન, પોપટભાઈ પણ આવે. તેમને પણ ચકીબેનના ઘરે ઠંડી હવા ખાવાનો ચસ્કો લાગી ગયો.
- મેહુલ સુતરિયા
ચકીબેન એક ખૂબ મોટા જંગલમાં રહે. ચકીબેન તો ભારે શોખીન! આખા જંગલમાં એમનો વટ. કોઈપણ નવી વસ્તુ બજારમાં જુએ એટલે ચકીબેન તેની ખરીદી કરે જ.
ઉનાળાની ગરમી પૂરજોશમાં પડી રહી હતી. ચકીબેન તો પરસેવે રેબઝેબ થઈ જાય. સવારથી જ ગરમી એટલી પડે કે ચકીબેન ગરમીમાં ઘરમાં જ પૂરાઈ રહે. ક્યાંય બહાર ન નીકળે. ચકીબેનને ઘરમાં પણ ચેન ન પડે.
એકવાર ચકીબેનને એક મોલમાં ખરીદી કરવા જવાનું થયું. ચકીબેન જેવા મોલમાં પ્રવેશ્યા કે એકદમ ઠંડક અનુભવી. ચકીબેન તો રાજી-રાજી થઈ ગયાં. તેમણે તો મોલમાંથી સારી એવી વસ્તુની ખરીદી કરી. તેમણે જતાં-જતાં જોયું કે આ ઠંડક એક મશીનમાંથી આવી રહી છે. તેમણે મનોમન નક્કી કર્યું કે આવું ઠંડકનું મશીન મારે ઘરે લાવવું જ છે.
ચકીબેન તો બીજા જ દિવસે નજીકના શહેરમાં એક મોટી દુકાને ગયાં. તેમણે દુકાનદારને પૂછયું, 'ભાઈ, આ ગરમીમાં ઠંડી હવા આપે તે મશીનને શું કહેવાય? મારે તે મશીન ખરીદવું છે.' દુકાનદારે કહ્યું, 'ચકીબેન, તેને એ.સી. એટલે કે એરકન્ડીશનર કહેવાય. ગરમીમાં તે ઠંડી હવા આપે અને તેથી આપણને ગરમી ન લાગે.'
ચકીબેન તો ખુશ થઈ ગયાં. તેમણે ઘણાં બધાં એ.સી. જોયાં અને એક સારી કંપનીનું એ.સી. ખરીદી લીધું.
બીજા દિવસે ચકીબેનના ઘરે તો એ.સી. લગાવી દેવામાં આવ્યું. જંગલનાં બધાં પશુ-પંખીઓ તો ચકીબેનના ઘરે એ.સી. જોવા આવવાં લાગ્યાં અને ચકીબેનને અભિનંદન આપવા લાગ્યાં. ચકીબેન તો બધાં પશુ-પંખીઓને પોતાના ઘરે આવેલાં જોઈને આનંદમાં આવી ગયાં.
રોજ દિવસ ઊગે ને ગરમી પડવાની શરૂ થાય ત્યાં તો ચકીબેન તો એ.સી. ચાલુ કરીને ઘરમાં ભરાઈ જાય. કોઈ બોલાવવા આવે તોયે ચકીબેન તો ના પાડી દે ને કહે-
'ઠંડી-ઠંડી હવા ખાઉં,
ગરમીમાં ન બહાર જાઉં!'
જંગલનાં પશુ-પંખીઓ ઘણીવાર ચકીબેનના ઘરે એ.સી.ની ઠંડી હવા ખાવા જતાં. તેમાં ખિસકોલીબેન, કોયલબેન, પોપટભાઈ પણ આવે. તેમને પણ ચકીબેનના ઘરે ઠંડી હવા ખાવાનો ચસ્કો લાગી ગયો. હવે તેઓ પોતાના ઘરે જાય તો ગરમીને કારણે હેરાન-પરેશાન થઈ જાય!
એકવાર પોપટભાઈ બોલ્યાં, 'ખિસકોલીબેન, કોયલબેન... આપણે પણ આપણા ઘરે એ.સી. લગાવી દઈએ તો! હેયને આખો દિવસ એ.સી.માં ઠંડી હવા ખાવાની અને મજા કરવાની!'
ખિસકોલીબેન અને કોયલબેનને પોપટભાઈની વાત ગમી ગઈ. તેઓ બીજા જ દિવસે શહેરમાં જઈને એ.સી. લઈ આવ્યાં.
ખિસકોલીબેન, પોપટભાઈ, કોયલબેનના ઘરે એ.સી. જોઈને ચકીબેન પણ ખુશ થયાં. હવે તો સૌ પોતપોતાનાં ઘરે એ.સી. ચાલુ રાખીને મોજ કરવા લાગ્યાં.
ચકીબેન, ખિસકોલીબેન, પોપટભાઈ અને કોયલબેનના ઘરે એ.સી. સતત ચાલુ રહેવાથી તેમનાં ઘરની બહાર આજુબાજુનો વિસ્તાર ગરમ થવા લાગ્યો. જે પશુ-પંખીઓના ઘરે એ.સી. નહોતું તેઓ તો ગરમીથી ત્રાહિમામ્ પોકારી ઉઠયા! ચાજુ-બાજુ રહેતાં પશુ-પંખીઓએ જોયું કે એ.સી.નો જે ભાગ બહાર લગાવ્યો હતો તેમાંથી ગરમ હવા સતત ફેંકાતી હતી અને બહારના વાતાવરણને ગરમ કરી રહી હતી. પશુ-પંખીઓના આ ટોળામાં એક અનુભવી હાથીભાઈ હતા. તેમણે બધાં પશુ-પંખીઓને કહ્યું, 'તમે ચિંતા ન કરો, હું ચકીબેન, ખિસકોલીબેન, પોપટભાઈ અને કોયલબેનને આ વિશે વાત કરી તેમને સમજાવીશ.'
હાથીભાઈ તો બીજા દિવસે ચકીબેન, ખિસકોલીબેન, પોપટભાઈ, કોયલબેનના ઘરે ગયાં. તેમને એ.સી. ચાલુ કરીને બહાર થોડો સમય રહેવા કહ્યું. પહેલા તો ચકીબેન, ખિસકોલીબેન, પોપટભાઈ, કોયલબેનને ખબર ના પડી કે હાથીભાઈ કહેવા શું માંગે છે!
થોડા સમય પછી તેઓ સૌ પરસેવેથી રેબઝેબ થઈ ગયાં. હાથીભાઈએ તેમને સમજાવ્યું કે તમારા ઘરના એ.સી. સતત ચાલુ રહેવાથી જંગલનું બહારનું વાતાવરણ એકદમ ગરમ થઈ જાય છે જેના કારણે જંગલના અન્ય પશુ-પંખીઓને વધુ ગરમી સહન કરવી પડે છે. ચકીબેન, ખિસકોલીબેન, પોપટભાઈ, કોયલબેનને તેમની ભૂલ સમજાઈ ગઈ. તેમણે એ.સી.નો જરૂર પૂરતો જ ઉપયોગ કરવાની ખાતરી આપી અને પર્યાવરણની રક્ષા કરવાનું વચન આપ્યું.
તેમની વાત સાંભળીને બધાં પશુ-પંખીઓ ખુશ થયાં અને એકસાથે બોલી ઉઠયાં-
'એ.સી.નો ઉપયોગ ઓછો કરીએ,
પર્યાવરણનું અમે રક્ષણ કરીએ!'


