Get The App

જન્માષ્ટમીની ઉજવણી

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
જન્માષ્ટમીની ઉજવણી 1 - image

- 'આપણી સોસાયટીમાં ક્યારેય જન્માષ્ટમીનો ઉત્સવ થયો નથી. અમે બધા મિત્રો આ વખતે મટકી-ફોડનો કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે. તમે અમને મદદ કરજો.'

કિરણબેન પુરોહિત

ભોલુ અને તેની બહેન પરીને જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ગમતો. 

આ તહેવાર આવતા જ તેના ઘરમાં મમ્મી અવનવી વાનગીઓ બનાવતી. 

તેમની સોસાયટીની નજીક એક મંદિરમાં મટકી ફોડવાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતો. 

જન્માષ્ટમીમાં મેળામાં તો ખૂબ મજા આવતી.

જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતાં ભોલુએ દાદીને પૂછયું: 

'દાદી જન્માષ્ટમીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે?'

દાદીએ કહ્યું:  'આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. તેમણે બાળપણમાં જ ઘણા રાક્ષસોનો નાશ કર્યો હતો અને ગોકુલવાસીઓનું રક્ષણ કર્યું હતું. પોતાના ગોકુલવાસીઓને ધર્મનો માર્ગ બતાવ્યો હતો. 

ભોલુએ પપ્પાને કહ્યું:  'બાજુની સોસાયટીમાં જન્માષ્ટમી આવે ત્યારે મટકી ફોડવાનો કેવો સરસ ઉત્સવ થાય છે! આપણી સોસાયટીમાં ક્યારેય જન્માષ્ટમીનો ઉત્સવ થયો નથી. અમે બધા મિત્રો આ વખતે મટકી- ફોડનો કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે. તમે અમને મદદ કરજો.'

ભોલુનો ઉત્સાહ જોઈને તેનાં પપ્પાએ હા પાડી.

જન્માષ્ટમી નજીક આવતા જ ભોલુ અને તેના મિત્રો ઉત્સવની તૈયારી કરવા લાગ્યા.

ભોલુના મિત્રો એટલે પિન્ટુ, પલક, રાહુલ, અને ટપુ.  

બધાએ સાથે મળીને ભોલુના ઘર આગળ ખુલ્લી જગ્યામાં મટકી ફોડવાના કાર્યક્રમની તૈયારી શરુ કરી દીધી. 

બાળકોનો ઉત્સાહ જોઈને સોસાયટીમાં બધાનાં મમ્મી-પપ્પાએ તૈયારી કરવામાં મદદ કરી.

નાનકડા મંડપ જેવું બનાવી નાની-નાની મટકીઓ લટકાવી. 

રંગબેરંગી કાગળોથી મંડપ શણગાર્યો.  

ભોલુના પપ્પાએ સુંદર લાઇટિંગ કરાવી આપ્યું. 

પરી અને ચિંકીએ રંગોળી બનાવી. 

ભોલુ કાનુડો બન્યો. 

તેને માથે મોરપીંછ લગાડવામાં આવ્યું. 

એણે કાનુડા જેવી વેશભૂષા ધારણ કરી. 

ભોલુએ હાથમા વાંસળી એકદમ સુંદર રીતે પકડી. 

કાનુડાના વેશમાં ભોલુ ખરેખર ખૂબ સુંદર લાગતો હતો. 

આ બધું જોઈને મમ્મી-પપ્પા અને દાદા દાદી ખુશ થઇ ગયાં. 

ભોલુ કૃષ્ણ બન્યો, તો ટપુ પિતા વાસુદેવ અને ચિંકી માતા યશોદા બની. 

'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી...'નો નાદ થયો.  

ધામધૂમથી મટકી ફોડવાનો ઉત્સવ ઉજવાયો. 

ભોલુએ મટકી ફોડી ને તેમાં ભરવામાં આવેલા માખણની પ્રસાદી સૌને આપી.  

બધાએ કાનાનાં ભજન અને આરતી ગાયાં. 

સોસાયટીનું વાતાવરણ ભક્તિભાવથી ઝળહળી ઉઠયું. 

પિન્ટુએ જન્માષ્ટમીની આ ઉજવણીની સરસ રીતે ફોટોગ્રાફી કરી.

આમ, આ વખતનો જન્માષ્ટમીનો તહેવાર ભોલુ અને તેનાં મિત્રો માટે ખૂબ યાદગાર બની ગયો.