Get The App

હોળી ઊજવી કુદરતી .

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
હોળી ઊજવી કુદરતી                             . 1 - image

- દુર્ગેશ ઓઝા

તનય, હિના, ટીના, કોમલ, રોશની, ચંદુ, કેશુ, ચંદન, હિતેન, લખેશ... આ બધાં બાળકો સાતમાં ધોરણમાં ભણતાં હતાં ને એક જ શેરીમાં રહેતાં હતાં. સાંજે બધાં જાતજાતની રમતો રમતાં, જેમ કે... પકડમપકડી, થપ્પો દા, લંગડી, ક્રિકેટ, કબડ્ડી વગેરે. ક્યારેક અંતાક્ષરી, તો ક્યારેક એકબીજાને પૂછવાની રમત પણ રમતાં કે 'ચાલો, પાંચ કે દસ  ફૂલનાં, ફળનાં, પંખીનાં, પ્રાણીનાં વગેરેનાં નામ બોલો...'

શેરીની નજીક જ એક સરસ મજાનો બાગ. એક રવિવારે સાંજે આ બધાં મિત્રો ત્યાં ભેગાં થયાં. તનય બોલ્યો, 'તમને ખબર છે ને થોડા દિવસો પછી હોળીનો તહેવાર આવે છે!' 

ત્યાં તો સૌ ખુશીમાં નાચવા લાગ્યાં ને ગાવા લાગ્યાં- 

'આવે મજાની સરસ હોળી, 

આપણી કેવી સુંદર ટોળી!' 

હિતેન બોલ્યો, 'આ વખતે આપણે કંઈક નવું કરીએ. આ વખતની હોળીમાં આપણે નકલી ને કેમિકલવાળો એકેય રંગ ન ઉડાડીએ તો?'

લખેશ બોલ્યો, 'હિતુ, તારી વાત છે તો મજાની, જે રંગ બહાર મળે છે એમાં જાતજાતનાં કેમિકલ હોય છે, નુકસાન થાય એવી વસ્તુઓ એમાં હોય છે, પણ તો પછી હોળીમાં ઉડાડવું શું? નકરું પાણી?'

'ના લખેશ, મેં આ અંગે વિચારી લીધું છે. હવે સૌ મારી વાતનો જવાબ આપજો. તમારા સૌના ઘરમાં હળદર ને ચંદન તો છે જ ને?'

'હળદર તો બધાના ઘરમાં હોય જ, પણ ચંદન તો આના ઘરમાં જ હોય...' એમ કહી ટીના થોડુંક ડોલી ને ચંદનનો હાથ પકડી આગળ બોલી, 'આ રહ્યો ચંદન.'  

બધાં ખડખડાટ હસી પડયાં. હિના કહે, 'અરે ટીના, આ ચંદન નામના છોકરાની વાત નથી, આપણે પૂજામાં ભગવાનને ને આપણા શરીર પર ચંદનનો લેપ કરીએ છીએ એ ચંદન નામની વસ્તુની વાત હિતેન કરે છે.'

'હિના, મને ખબર છે, હું તો અમથી મજાક કરતી હતી. એમ તો હિના પણ બધાના ઘરમાં ન હોય. હિના એટલે મહેંદી...' એમ કહી ટીનાએ ગાવાનું ચાલુ કર્યું ને પછી તો બધાં ભેગાં મળી ગાવા ને નાચવા લાગ્યાં-

'મહેંદી તે વાવી માળવે, 

ને એનો રંગ ગયો ગુજરાત રે, 

મહેંદી રંગ લાગ્યો રે...'

હિતેન કહે, 'હવે મારી વાત ધ્યાનથી સાંભળો. નકલી રંગોથી ચામડી, વાળ, આંખ, કાન વગેરેને નુકસાન થાય. વળી, કપડાં ને શરીર પરથી એવા રંગો ઝટ નીકળેય નહીં. પાણી, સાબુ વગેરે વધુ વપરાઈ જાય. હળદર, ચંદન, કાળી ને લાલ માટી, અબીલ, ગુલાલ... આ બધું ભેગું કરીને જે રંગ બને એનાથી હોળી રમીએ તો?'

ચંદુ બોલ્યો, 'તો તો બહુ મજા પડી જાય હો! જે રંગ કુદરતી હોય એ રંગ જ હોળી રમવામાં વાપરવાનો. એમાં હિના એટલે કે મહેંદી પણ ઉમેરી દેવાય. ચાલો, કોઈને બીજી કોઈ વસ્તુઓ યાદ આવે છે જે ભેળવી એનો રંગ બનાવી હોળી રમીએ તો શરીરને નુકસાન ન થાય, ઊલટું ફાયદો થાય, ને મજાય આવે?' 

બધાં વારાફરતી બોલવા લાગ્યાં - કડવો લીમડો, મીઠો લીમડો, ટમેટાનો રસ, ધાણાભાજી... ત્યાં તો કોમલ બોલી, 'હું એક સરસ વસ્તુ કહું? કેસુડો!'

કેશુ ચમક્યો ને બોલી ઊઠયો, 'એય કોમલ, તું મારું નામ કેમ બગાડે છે?'

'અરે કેશુ, કેસુડો એટલે તું નહીં. કેસુડો એટલે કેસુડાનું જે ઝાડ થાય છે એ. કેસુડાનાં ફૂલ એમાં ઊગે. ઘણી જગ્યાએ આ ફૂલનો રસ કાઢી હોળી રમાય છે. એમાં મજાય આવે ને શરીરને નુકસાન પણ ન થાય. મારા પિતાજી કહેતા હતા કે કેસુડાનું ફૂલ ચામડી માટે પણ સારું, એનાથી બીજા પણ ઘણા રોગ મટે છે. તો બોલો કેસુડાની...' 

બધાએ એક સાથે કહ્યું, 'જય...'  

ચંદન બોલ્યો, 'મેં તો કેસુડાનાં ફૂલોનું ઝાડ જોયું પણ છે. આહાહા! નારંગી રંગનાં મસ્ત મજાનાં ફૂલથી એ કેવું સુંદર લાગતું હોય છે! પણ જુઓ, એનાં જે ફૂલ નીચે પડી ગયાં હોય એ જ આપણે લઈશું ને એનો રંગ બનાવી ઉડાડીશું, બીજાને લગાડીશું. ઝાડ પરથી ફૂલ તોડીશું નહીં. ને આપણે સૌ ગાશું - ભર પિચકારી, જય ગિરધારી...'

રોશની બોલી, 'ને ખાલી આટલું જ નહીં. આપણે ઘરમાં ને શેરીમાં બીજાં બધાંને પણ આ રીતે હોળી રમવાનું કહીશું. કુદરતી હોળી!' 

...ને પછી તો શેરીના આ મિત્રોએ ને બીજાં ઘણાએ આ રીતે કુદરતી રંગો બનાવ્યા, એકબીજાને ઉડાડયા, ધાણી, દાળિયા, ખજૂર ખાધાં, ભક્ત પ્રહલાદની ને અગ્નિદેવની જય બોલાવી ને મસ્ત હોળી ઊજવી.