Get The App

સેલિબ્રેટ કરો, પણ સંભાળીને... .

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
સેલિબ્રેટ કરો, પણ સંભાળીને...                                . 1 - image

- 'દિવાળી આવી ફટાકડા લાવી, ફટાકડા ફૂટે ધૂમ ધૂમ મિંકી નાચે છુમ છુમ...'

- મિંકી તો ખુશ ખુશ થઈ ગયો. તેણે હા પાડી દીધી. 'હું એકલો ફટાકડા નહીં ફોડું. તમે જોડે હશો ત્યારે જ ફટાકડા ફોડીશ.'

- ગીતા પોપટ 

 આનંદવનમાં દિવાળીની તૈયારી જોશભેર ચાલુ થઈ ગઈ હતી. બધાં પ્રાણીઓ ઉમંગથી દિવાળીની તૈયારી કરી રહ્યાં હતાં. રીમઝીમ હરણી ઘરની સફાઈ કરી રહી હતી. જગુ વાંદરો આસોપાલવના પાનના તોરણ ઘરની બહાર લગાવી સજાવટ કરી રહ્યો હતો. બુલબુલ ઘરની બહાર રંગોળી કરી રહી હતી. ચીંકી સસલી પોતાના માટે નવાં કપડાં લેવા જઈ રહી હતી. મિંકી સસલાએ કહ્યું, 'હું પણ સાથે બજારમાં આવું છું. મારે ફટાકડા લેવા છે.' 

ચીંકીએ કહ્યું, 'ચાલ, તને બજારમાંથી ફટાકડા  લઈ આપું, પણ એક શરતે, તું હજુ નાનો છે તું જાતે ફટાકડા એકલાં નહીં ફોડે. તું પપ્પાની સાથે અથવા મારી સાથે ફટાકડા ફોડીશ. જો તને મંજૂર હોય તો જ ફટાકડા લઈ આપીશ.'

મિંકી તો ખુશ ખુશ થઈ ગયો. તેણે હા પાડી દીધી. 'હું એકલો ફટાકડા નહીં ફોડું. તમે જોડે હશો ત્યારે જ ફટાકડા ફોડીશ.'

મિંકી મા સાથે બજારમાંથી ખૂબ બધાં ફટાકડા લઈ આવ્યો. ફટાકડા જોઈ તે ગીત ગણગણતો હતો,

'દિવાળી  આવી ,

ફટાકડા લાવી

 ફટાકડા ફૂટે ધૂમ ધૂમ

 મિંકી નાચે છુમ છુમ...'

મિંકી વારંવાર ફટાકડાની પેટી ખોલી જોઈ લેતો અને ફટાકડા જોઈ ખુશ થતો. થોડીવાર પછી મિંકી  સસલાએ ઘરમાં જોયું કે મા રસોઈ બનાવવામાં વ્યસ્ત છે. માની નજર ચુકાવી મિંકી ઘરની બાર ફટાકડા લઈને આવી ગયો. એ ગણગણવા  લાગ્યો-

'દિવાળી આવી 

ફટાકડા લાવી,

ફટાકડા ફૂટે ધૂમ ધૂમ

મિંકી નાચે છુમ છુમ...'

પ્રથમ તેણે જમીન ચકકર ફોડવાનું નકકી કર્યુ. એક પથ્થર ઉપર તેણે જમીન ચક્કર મૂક્યું. દીવાસળી કરી તેણે જમીન ચક્કર પર મૂકી. હજુ મિંકી દુર પણ નહોતો ગયો ને જમીન ચક્કર ગોળ ફર્યું. જમીન ચક્કરના તણખા મિંકીના પગ પર ઉડયા.

બૂમો પાડતો મિંકી  ઘરમાં ભાગ્યો, આવીને મમ્મી, મમ્મી કહેતા રડવા લાગ્યો. મમ્મીએ જોયું કે મિંકીનો પગ લાલ થઈ ગયો હતો. મમ્મી તરત જ ડોક્ટર હાથી પાસે લઈ ગઈ. હાથીભાઈ એ તરત જ ક્રીમ લગાડી આપ્યું. સાથે ગોળી આપી.

 ઘેર આવીને મમ્મીએ મિંકીને સમજાવ્યું, 'બેટા મેં તને ના પાડી હતીને કે એકલા ફટાકડા ફોડતો નહીં. હંમેશા મોટા વ્યક્તિ સાથે જ ફટાકડા ફોડવા જોઈએ. જો તંુ અમારી સાથે ફટાકડા ફોડત તો તું દાઝી ન ગયો હોત. આજે તો તું થોડું દાઝી ગયો, પણ ક્યારેક મોટો અકસ્માત થઈ શકે છે.'

મિંકીએ મમ્મીની માફી માંગી, 'હવેથી હું ક્યારે પણ એકલો ફટાકડા નહીં ફોડુ. તમારી જોડે જ ફોડીશ.'

મમ્મીએ મિંકીને ગાલ પર પપ્પી કરી. 

દિવાળીના દિવસે  મિંકીના બધા જ દોસ્ત ફટાકડા ફોડી ખુશી મનાવી રહ્યા હતા જ્યારે મિંકી  દૂરથી ફટાકડા જોઈ રહ્યો હતો. તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે જો હું એકલો ફટાકડા ફોડવા ના ગયો હોત તો આજે હું પણ બધાની સાથે ફટાકડા ફોડી રહ્યો હોત. એ મનમાં ગણગણી રહ્યો હતો-

'દિવાલી આવી,

ફટાકડા લાવી.

ફટાકડા ફોડો સાચવીને

નહીં તો પસ્તાશો દાઝીને...'