Get The App

સીસી બિલાડી બીમાર પડી...

Updated: Sep 24th, 2021

GS TEAM

Google News
Google News
સીસી બિલાડી બીમાર પડી... 1 - image


એ ક હતી બિલાડી. એનું નામ સીસી. એની એક ફ્રેન્ડ હતી ચકલી. એનું નામ ડીડી. બંને વચ્ચે જોરદાર દોસ્તી. બંને એકબીજા વિના રહી ના શકે એટલી ગાઢ દોસ્તી.

એક દિવસ સીસી બિલાડી અને ડીડી ચકલી ફરવા ગયા. ફરતા ફરતા બંનેને ભૂખ લાગી.

સીસી બિલાડી કહે: મને તો એવી જોરદાર ભૂખ લાગી છેને.. હવે મારે દસ-બાર સમોસા અને દૂધ-મલાઈ ખાવી પડશે..!!

ડીડી ચકલી કહે: ભૂખ તો મને પણ લાગી છે..પણ હું તારા જેટલું જથ્થાબંધ નહીં ખાઈ શકું..! મારે તો ખમણ ઢોકળા ખાવા છે..!!

બંને જણા પીપી વાંદરાની હોટલમાં ગયા..

પીપી વાંદરો કહે : ''અરે..! તમે બંને તો ઘણા સમયે દેખાયા.. બોલો.. બોલો..! શું ખાવું છે..?

સીસી અને ડીડીએ સમોસા, દૂધમલાઈ, ખમણનો ઓર્ડર આપ્યો..વેટર થોડી જ વારમાં બધી જ ડીશો મુકી ગયો...

સીસી બિલાડી તો એટલી જોરદાર ભૂખી થઇ હતી કે, ફટાફટ બધુ ઝાપટવા લાગી... ડીડી ચકલી ધીમે ધીમે ખમણ ખાવા લાગી.

થોડી જ વારમાં સીસી બિલાડીએ તો બધી જ ડીસો સફાચટ કરી નાખી જ્યારે ડીડી તો હજુ ધીમે ધીમે ખમણ ખાઈ રહી હતી..

ડીડી ચકલી કહે : ''અરે સીસી..! લે આ બે-ચાર ખમણ..મારું તો પેટ ભરાઈ ગયું છે..!

સીસી બિલાડી તો રાહ જ જોઇ રહી હતી..એ તો ફટાફટ ચાર ખમણ ઝાપટી ગઈ..!! વેટર બિલ લઇને આવ્યો..!

સીસી બિલાડી કહે : ''ડીડી બેન..!! આ બિલ તમે ચૂકવી દો.. હું બીજી કોઇકવાર તમને પાર્ટી આપી દઇશ..!''

ડીડી ચકલી કહે : ડોન્ટ વરી સીસી..! આજે બિલ મારે જ ચુકવવાનું છે..!! ડીડી ચકલીએ બિલ ચૂકવી દીધું..!!

સીસી બિલાડીએ એટલા બધા સમોસા, ખમણ, દૂધ-મલાઈ 

ઝાપટયા હતા કે એનાથી હવે ચલાતું નહોતું.. હલાતું નહોતુ.. ચક્કર આવતા હતા.. ઉબકા આવતા હતા.. ઉલ્ટી થઇ જસે એવું એને લાગતું હતું.. ગુંગળામણ થતી હતી..

ડીડી ચકલી કહે : સીસીબેન..! તમે ખાઈ ખાઈને કેટલા બધા જાડાપાડા થઇ ગયા છો..? ખાવામાં થોડું ભાન રાખતા હોવ તો..! અત્યારે તમારી હાલત કેટલી ખરાબ થઇ ગઇ છે..!!

સીસી બિલાડી કહે : ''અત્યારે મને ઉપદેશ ના આપો..! મ ને ખાવાનો ગાંડો શોખ છે..! પછી જ્યારે ખાવા બેસુ છું ત્યારે ભાન નથી રહેતું અને જોરદાર ઝાપટી જવાય છે..! આજે પણ મેં ખૂબ દબાવીને ખાધુ છે..!! મને જલ્દી ઘરે લઇ જા..! મારે સૂઈ જવું પડશે..!!

ડીડી ચકલી એને રિક્શામાં ફટાફટ ઘરે લઇ ગઇ.. ઘરે આવીને સીસી બિલાડીને જોરદાર ઊલ્ટી થઇ.. હાંફવા લાગી.. ચક્કર આવવા લાગ્યા.. આખું ઘર ગોળગોળ ફરતું હોય એમ લાગવા માંડયું.. એની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ..એ રડવા માંડી..

ડીડી ચકલીએ ડૉ.ટીટી વાંદરાને ફોન કરીને તાત્કાલીક ઘરે બોલાવ્યો. ડૉ. ટીટી વાંદરો તરત જ સીસી બિલાડીના ઘરે આવી ગયો. એણે સીસી બિલાડીનું ચેકઅપ કર્યું.. નિદાન કર્યું.. ફૂડ પોઇજન થયું છે.. અપચો થયો છે.. આજથી તમારું ત્રણ દિવસ માટે ખાવા-પીવાનું બંધ..આખો દિવસ બસ ખાલી લીંબુ પાણી પીવાનું..!! ડો. ટીટી વાંદરાએ બે ઇન્જેક્શન માર્યા.. બીજી દવાઓ આપી..! પોતાની ફી લઇને ટીટી વાંદરાએ ચાલતી પકડી..!

સીસી બિલાડી કહે : ''અરે ડીડી બેન..! તે આ ડુપ્લીકેટ ડોક્ટર ટીટી વાંદરાને કેમ બોલાવ્યો..! સાલો મોટી ફી લઇ ગયો..ઇન્જેક્શન ઠોકી ગયો..દવા આપી ગયો.. અને મારું ખાવા-પીવાનું બંધ કરાવી દીધું..! ત્રણ દિવસ નહી. જો મને તે ત્રણ કલાક પછી ખીર-પુરી ના ખવડાવી તો હું તો મરી જઇશ..! આવો અત્યાચાર મારા ઉપર ના કરો.. બાપલા..!!''

ડીડી ચકલી કહે : ''અરે સીસી..! ત્રણ દિવસ તારે કશું જ નથી ખાવાનું..! ખાલી લીંબુ પાણી પીવાનું છે.. હું બહુ જ કડક થઇને તારી સારવાર કરીશ..આપણી દોસ્તીની કસમ છે..હવે પછી તારે માપસરનો જ પૌષ્ટીક ખોરાક ખાવાનો.. આટલું બધુ નહીં ઝાપટવાનું..! મને પ્રોમિસ કર.. નહીં તો આપણી દોસ્તી ખલાસ..હું તને નહીં બોલું..!!

સીસી બિલાડીની આંખમાં આંસુ આવી ગયા.. એણે રડતા રડતા કહ્યું : હા સાચી વાત.. તુ મારી સાચી ફ્રેન્ડ છે.. આજ પછી આટલું બધુ હું નહીં ખાઉં.. નહીં ઝાપટું.. પાક્કું પ્રોમિસ.. આપણી દોસ્તી નહીં તૂટવા દઉં.. ડિયર ડીડી..!!

ત્રણ દિવસ સીસી બિલાડીએ કશું જ ના ખાધુ. એ સંપૂર્ણ તાજી માજી થઇ ગઇ.. હવે એ માપસરનો હેલ્ધી ખોરાક જ લે છે અને જલસા કરે છે.. બાપલા..!!

- દિગ્ગજ શાહ

Tags :