Get The App

મોતિયો .

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
મોતિયો                                              . 1 - image

- સ્વરા બોલી, 'અરરર મમ્મી, એની પૂંછડી કાપે ત્યારે એ રડતુ હશેને? એને કેટલું દુખ થતુ હશે, નહી?' મમ્મી કહે, 'હાસ્તો વળી. નાના બચ્ચાને દુ:ખ તો થાય જ ને!' 

- ભરત પાઠક 'નયન'

સવાર સવારમાં જ બાળકોને સમાચાર મળ્યા કે રાતડી કૂતરી શેરીમાં વિયાણી છે. એક પછી એક બાળકો આવતા ગયા, તેમ તેમ સેવામાં લાગી ગયા. 

કોઈ રોટલી લાવ્યું, કોઈ શીરો લાવ્યું, કોઈ દૂધ લાવ્યું, તો વળી કોઈ કંતાન-કોથળા લાવ્યું. 

રાતડી કૂતરી તો સાવ ભોળીભટ્ટ. સંધાય બાળકોને વ્હાલી, થોડીવારમાં તેના માટે  ઓરડી-(ઘોલકી) બની ગઈ. પાણીની ઠીબડી પણ આવી ગઈ.

નાનાં નાનાં ગલુડિયાં. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને પૂરા છ. કૂતરી તો બચ્ચાને લઈને સુતી હતી. એક દિ'..બે દિ'....ત્રણ દિવસ ગયા. આ પછી તો બધાને નાનાં નાનાં ગલુડિયાં વધારે ગમવા લાગ્યાં.

સ્વરા કહે, 'આ રાતડું-રભ્ભા જેવુ ગલુડિયું મારૃં.' કોઈ વળી કહે, 'આ ઘોળિયુ મારૂ.' 'આ કાળિયુ મારૂ...' એમ છએ છ ગલુડિયાંના માલિક બની ગયા. હજુ તો ગલુડિયાની આંખો ઊઘડી હતી, ત્યાં તો બધા એને પંપાળવા લાગ્યા.  

થોડાક દિવસ પછી તો સ્વરા એના રાતડા-રભ્ભાને લઈ, તેડી તેડીને ફરવા મંડી. તેણે તો તેના ગલુડિયાનું નામ પણ પાડી દીધું -  મોતિયો. 'આ મોતિયો મારો... બીજા કોઈનો નહી હા... કોઈને નહિ આપું!' 

આનંદીબેન તેની દીકરીને વઢે, 'સ્વરા, હવે મૂક એ ગલુડિયાને. તે ભૂખ્યું થયુંહશે.'  

જેવો મોતિયાને તેની મા પાસે મૂકે એવો એ મોતિયો એના ભાંડરડાં ઉપર કૂદતો કૂદતો જઈને પેટ ભરવા મંડી પડે. 

આ પછી એક-દોઢ માસમાં તો ગલુડિયાં શેરીમાં ફરતા થઈ ગયા. કૂતરીને તો એટલું બધુ ખાવાનુ મળતંુ કે પછી ઠીબમાં પડયું રહેતું.

હવે તો સ્વરા શાળાએથી આવે ત્યારે મોતિયો એનું સ્વાગત કરવા સામે દોડી જતો. સ્વરા તેને વઢતી. 'મોતિયા... મારો સ્કુલડ્રેસ ના બગાડતો. હમણા તું અહીંયાં રમ.... હું ફ્રેશ થઈને આવુ છું.' 

મોતિયો પુંછડી પટપટાવતો સ્વરાની ભાષા સમજી જતો હોય તેમ એકબાજુ જઈને ઊભો રહી જતો. 

એક દિવસ સ્વરા મોતિયાને ધમકાવતી હતી. 'તને રોટલા-રોટલી નથી ભાવતા અને એકલા બિસ્કીટ ભાવે છે, ખરું? જા, જતો રહે. આજે તને કઈ ખાવા નહી મળે!' મોતિયો તો આ બધું સમજતો હોય તેમ આંખો પટપટાવતો એક ખૂણામાં જઈને બેસી ગયો. 

થોડા સમય પછી સ્વરાએ જોયું તો મોતિયો હજુ ત્યાં જ રીસાઈને બેઠો હતો. આ જોઈને સ્વરાને દયા આવી. તે રોટલી-ઘી-ગોળ લઈને ગઈ અને મોટેથી બોલી, 'લે હવે રોટલીખાઈ લે! તને  બિસ્કીટ તો નહી જ મળે. પેટમાં ચોંટી જાય...સમજ્યો!'

સ્વરાએ આપ્યુ તે બધું મોતિયો  ઝાપટી ગયો. પાછોપૂછડી પટપટાવતો સ્વરા સામે જોઈને ઊભો રહ્યો. સ્વરા બોલી, 'બસ, હવે વધારે નહી મળે. પછી પેટમાં દુખશે...' આ સાંભળીને મોતિયો તેના ભાંડરડાં સાથે દોડાદોડી કરવા જતો રહ્યો. 

એક દિવસ સ્વરા શાળાએથી આવી ત્યારે એણે જોયું તો મોતિયો વરંડામાં લીલું લીલું ઘાસ ખાતો હતો. સ્વરા તો દફ્તર મૂકીને મમ્મી પાસે દોડી ગઈ. 

'મમ્મી....મમ્મી....મોતિયાને ભૂખ લાગી છે. તેને બિસ્કીટ દઈ આવું?'

'કેમ એને બિસ્કીટ દેવા છે?'

'એને રોટલા-રોટલી-ખીચડી નથી ભાવતા. તે ભૂખ્યો છે.એટલે વરંડામાં લીલું લીલું ઘાસ ખાય છે!' 

મમ્મી કહે, 'ઘાસ ભલેને ખાતો... એ તો સારૂ કહેવાય!'

સ્વરા કહે, 'મમ્મા... ઘાસ તો ગાય-ભેંસ ખાય. કાંઈ ડોગ ન ખાય...' 

આનંદીબેન કહે, 'સ્વરા, હું તને સુદર્શન કે કડવી દવા આપું છું ને!  

સ્વરા કહે, 'હા મમ્મી, મારા પેટમાં જીવડાં કરડે ત્યારે હું કડવી દવા પી જાઉં છું.'

આનંદીબેન કહે, 'આ મોતિયાના પેટમાં કૃમિ-કરમિયા થઈ ગયા હશે. એટલે એ ઘાસ ખાય છે. પછી ઊલટી કરીને તાજો-માજો થઈ જશે.'

સ્વરાને હવે ડાગ શા માટે ઘાસ ખાય છે. તે સમજાયું. 

એક દિવસ સ્વરાને સ્કૂલમાંથી કોઈ પણ પ્રાણીનુ ચિત્ર દોરી લાવવાનુ કહેવામાં આવ્યું. સ્વરાએ તો ડોગનુ ચિત્ર દોરવાનુ નક્કી કર્યુ. તેણે ડોગનુ ચિત્ર દોરીને મમ્મીને બતાવ્યું. 

ચિત્ર જોઈને મમ્મી બોલી, 'સ્વરા, તેં ચિત્ર તો સરસ બનાવ્યુ છે પરંતુ તેમાંએક મોટી ભૂલ છે.'

'શું ભૂલ છે, મમ્મી?'

'તું ડાગની પૂંછડી બનાવતા જભૂલી ગઈ છો! પૂંછડી વિનાનુ કોઈ ડોગ ન હોય, સમજી?' 

સ્વરા કહે, 'પરંતુ મમ્મી, આપણે ગુપ્તાસરને ઘરે ગયા હતા, ત્યારે એના ડાગને તો પૂંછડી ન્હોતી!'

આંનદીબેન કહે, 'દરેક ડાગને પૂંછડી તો હોય જ. એ 'ડાબરમેન'ને પણ પૂંછડી તો હોય જ. પરંતુ એ બે-અઢી માસનું થાય ત્યારે વેટરનરી ડાકટર તેની પૂંછડી કાપી નાખે છે.'

આ સાંભળી સ્વરા બોલી,  'અરરર મમ્મી, એની પૂંછડી કાપે ત્યારે એ રડતુ હશેને? એને કેટલું દુખ થતુ હશે, નહી?' 

મમ્મી કહે, 'હાસ્તો વળી. નાના બચ્ચાને દુખ તો થાય જ ને!' 

પછી સ્વરાએ એના ચિત્રમાં સરસ મઝાની ડોગની પૂંછડી બનાવી નાખી. મમ્મી એ ચિત્ર જોઈને ખુશ થઈ અને બોલી, 'આ તો આપણો મોતિયો હોય એમ લાગે છે!'

શાળામાં સ્વરાનુ ચિત્ર પ્રથમ નંબરે આવ્યું. તેના મેડમે એ ચિત્ર ચાર્ટ ઉપર ચીંટકાડીને નીચે લખ્યું: 

'મોતિયો- પ્રથમ નંબરે. 

ચિત્રાંકન-સ્વરા'

સ્વરા તો ખુશ ખુશ!