Get The App

ભાગીદારોનો બિલાડી પ્રેમ

Updated: Sep 16th, 2022

GS TEAM

Google News
Google News
ભાગીદારોનો બિલાડી પ્રેમ 1 - image


- બિલાડીના પગે પાટાપિંડી હોવાથી એક રાતે ઉંદરને પકડવા જતાં એનાથી નિશાન ચૂકી ગયું. બન્યું એવું કે ડ્રેસિંગનો પાટો દીવાની ઝપેટમાં આવી ગયો. પાટો સળગવા લાગ્યો. બિલાડીએ દોડાદોડ કરી મૂકી...

- બંસી ગાંધી

એ ક ગામ હતું. તે ગામમાં ચાર ભાગીદારોએ કરિયાણાનો ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો. ગોળ, ખાંડ, અનાજ, કઠોળ વગેરે ભરી રાખવા માટે તેમણે એક વખાર ભાડે રાખી ને પછી ધંધો શરૂ કર્યો. ધંધો સરસ ધમધોકાર ચાલવા લાગ્યો. થોડા સમય પછી ઉપાધિ શરુ થઇ. વખારમાં ઉંદરો આવી ચડયા અને માલસામાનને નુકસાન પહોંચાડવા લાગ્યા. કોથળા કોતરી કોતરીને તેઓ અનાજ ખાવા લાગ્યા. આથી ભાગીદારો ગભરાયા. ઉંદરોને ભગાડવા માટે તેમણે એક બહુ જ સુંદર  બિલાડીને પાળી. બિલાડી એટલી સરસ હતી કે ચારે ભાગીદારો તેને રોજ રમાડે, ખવડાવે. ચારે ભાગીદારોએ બિલાડીના ચાર પગના ભાગ પાડયા. જેના ભાગમાં બિલાડીનો જે પગ આવે તે પગનું એણે સરસ રીતે માલીશ કરવાનું! 

બિલાડીના આગમનથી ઉંદરોનો ત્રાસ ઓછો થઇ ગયો. ઘણા ઊંદરો બિલાડીના પેટમાં પહોંચી ગયા. બિલાડીની હાજરીથી માલસામાનને નુકસાન થતું બંધ થયું એટલે ચારેય ભાગીદારો બિલાડીથી બહુ ખુશ હતા. તેઓ એના ઓર સારું ખાવાનું ખવડાવતા, ઓર વહાલ કરતા. 

તે જમાનામાં વીજળી-લાઇટની વ્યવસ્થા ન હતી. તેથી વખારમાં કેરોસીનથી ચાલતો એક દીવો રોજ રાતે વખારમાં સળગાવવામાં આવતો. એક દિવસ બિલાડી કોઈક કારણસર પડી ગઈ. એના એક પગને ખૂબ વાગ્યું અને લોહી પણ નીકળ્યું. આથી જેના ભાગમાં આ પગ આવતો હતો તે ભાગીદાર ખૂબ દુખી થયો. ડોક્ટર પાસે બિલાડીને લઇ જઇને એણે બિલાડીનું ડ્રેસિંગ કરાવ્યું. તે ભાગીદારને એ દિવસે ખાવાનું પણ ન ભાવ્યું. એ સાવ ઉદાસ રહ્યો. આવો હતો બિલાડી પ્રત્યે એનો મોહ.

બિલાડીના પગે પાટાપિંડી હોવાથી એક રાતે ઉંદરને પકડવા જતાં એનાથી નિશાન ચૂકી ગયું. બન્યું એવું કે ડ્રેસિંગનો પાટો દીવાની ઝપેટમાં આવી ગયો. પાટો સળગવા લાગ્યો. બિલાડીએ દોડાદોડ કરી મૂકી. પરિણામે વખારમાં આગ લાગી. ઘણો  માલસામાન બળી ગયો. બિલાડી તો બચી ગઈ પણ ભાગીદારોમાં તકરાર ઊભી થઇ.

એક બાજુ ત્રણ ભાગીદાર અને બીજી બાજુ  જેણે પગનું ડ્રેસિંગ કરાવેલું તે ભાગીદાર. ત્રણ ભાગીદારો કહેવા લાગ્યા: ડ્રસિંગ સળગવાથી આગ લાગી એટલે તારે બધું નુકસાન ચુકવી આપવું પડશે. ડ્રેસિંગ ના કરાવ્યું હોત તો આવો બનાવ ન બનત. 

બિલાડીનું ડ્રેસિંગ કરાવનાર ભાગીદારે કહેવા લાગ્યો: આ નુકસાન માટે હું જવાબદાર નથી, પરંતુ મને થયેલા નુકસાન બદલ તમે જવાબદાર છો. ત્રણ પગ સારી સ્થિતિમાં હોવા છતાં ડ્રેસિંગવાળા પગ સાથે બિચારી બિલાડીએ કૂદવું પડયું. તેથી જ આ નુક્સાન થયું છે.  ઝગડો આગળ વધ્યો. 

બાળમિત્રો, શું તમે કહી શકશો કે વધારે જવાબદાર કોણ ગણાય - ત્રણ પગના ભાગીદારો કે જેણે પાટાપીંડી કરાવી એ ભાગીદાર? ધારો કે આ કેસ કોર્ટમાં આવે ને તમે ન્યાયાધીશ હો તો તમે શું ચુકાદો આપોં? તમે વિચાર કરો, ન્યાય તોળો ને અમને પણ જણાવો! 

Tags :