- 'સસલાભાઈ, હું તમને રોજ વાડીમાં જવા દઈશ પણ તમારે ફળો ખાઈને ફટાફટ બહાર આવી જવાનું. જો મારા માલિક ઊંટભાઈ આવી જશે તો ...
- મેહુલ સુતરિયા
એક ખૂબ મોટા જંગલમાં ઊંટભાઈ રહેતા હતા. ઊંટભાઈ પાસે એક સરસ મજાની વાડી હતી. વાડીમાં આંબા, જાંબુ, સીતાફળ, જામફળ, દાડમ એમ જાત-જાતનાં ફળોનાં ઝાડ હતાં.
ઊંટભાઈની વાડી આખા જંગલમાં ખૂબ પ્રખ્યાત હતી. ઊંટભાઈએ તેમની વાડીમાં કોઈ પશુ પેસી ના જાય અને વાડીનાં ફળોની કોઈ ચોરી ના કરે તે માટે શિયાળભાઈને ચોકીદાર રાખ્યાં હતાં. શિયાળભાઈ તો આખો દિવસ વાડીમાં આંટા-ફેરાં માર્યા કરે.
એક દિવસ જંગલમાંથી ફરતાં-ફરતાં એક સસલાભાઈ ઊંટભાઈની વાડીમાં આવી ચડયા. જેવા સસલાભાઈ વાડીમાં પેસવા ગયા કે તરત જ શિયાળભાઈએ તેમને રોક્યા. વાડીમાંનાં ફળો જોઈને સસલાભાઈના મોંમાં પાણી આવવાં લાગ્યું, પણ શું કરે બિચારા સસલાભાઈ ?
સસલાભાઈએ ખૂબ વિચારીને એક યુક્તિ શોધી કાઢી. તેમણે શિયાળભાઈને કહ્યું, 'શિયાળભાઈ તમે મને રોજ વાડીમાં ફળો ખાવા જવા દેશો તો હું રોજ તમને મસાલેદાર ખાવાનું ખવડાવીશ.'
મસાલેદાર ખાવાનું નામ સાંભળીને શિયાળભાઈના મોંમાં પાણી આવી ગયું. શિયાળભાઈ બોલ્યાં, 'સસલાભાઈ, હું તમને રોજ વાડીમાં જવા દઈશ પણ તમારે ફળો ખાઈને ફટાફટ બહાર આવી જવાનું. જો મારા માલિક ઊંટભાઈ આવી જશે તો તમારી સાથે મારું પણ આવી બનશે ! જો મારા માલિક આવતાં દેખાશે તો હું જોરથી ગાઇશ કે -
મારી વાડીનાં ફળો બહુ મીઠાં લાગે...
ચેતજો... રે ભાઈ ચેતજો... આફત લાગે..!
હું ગાઉ એટલે તમારે સંતાઈ જવાનું. આફત ટળી જશે એટલે હું ફરી ગાઇશ કે-
મારી વાડીના ફળો બહુ મીઠાં લાગે... !
આવી જાઓ બહાર, બધું ઠીક લાગે... !
આવું હું ગાઉ એટલે તમારે બહાર આવી અને વાડીમાંથી નીકળી જવાનું.
સસલાભાઈ તો રોજ આવીને વાડીમાં ફળો ખાઈને મોજ કરવા લાગ્યા.
આ બાજુ ઊંટભાઈ તો રોજ વાડીમાં મોટું ચક્કર લગાવે. તેમના ધ્યાનમાં આવ્યું કે વાડીમાં નક્કી કોઈક આવીને ફળો ખાઈ જતું લાગે છે.
ઊંટભાઈએ તો ચોકીદાર શિયાળભાઈને બોલાવ્યા અને પૂછ્યું, 'શિયાળભાઈ, આપણી વાડીમાં કોઈ આવે છે ? ઊંટભાઈનો પ્રશ્ન સાંભળીને શિયાળભાઈ તો હેબતાઈ ગયાં ! તેઓ ખચકાતાં-ખચકાતાં બોલ્યા, 'ના, ના... મારા અહીં હોવાથી કોની હિંમત છે કે અહીં આવી શકે?'
ઊંટભાઈ હોંશિયાર હતાં. તેમણે નક્કી કર્યું કે હવે તો ગમે તે સમયે વાડી પર આવવું પડશે !
એક દિવસ સસલાભાઈ તો જામફળી પર ચડીને સરસ મજાનાં જામફળ ખાતા હતા ત્યાં જ શિયાળભાઈએ ઊંટભાઈને આવતાં જોયા. શિયાળભાઈ તો ગભરાઈ ગયાં. હવે શું થશે ? તેમ વિચારીને તેમણે તો સસલાભાઈને ચેતવવા ગાવા લાગ્યાં.
'મારી વાડીનાં ફળો બહુ મીઠાં લાગે...
ચેતજો રે ભાઈ ચેતજો... આફત લાગે!'
શિયાળભાઈને ગાતાં જોઈને ઊંટભાઈ સમજી ગયા કે નક્કી વાડીમાં કોઈક છે. તેમણે આવીને શિયાળભાઈને ધમકાવ્યા અને સાચું બોલી જવા કહ્યું. શિયાળભાઈએ તો ઊંટભાઈને બધી સાચી વાત કહી દીધી.
હવે ઊંટભાઈએ શિયાળભાઈને સસલાભાઈને બોલાવવા કહ્યું. શિયાળભાઈએ ફરી ગાવાનું શરૂ કર્યું -
'મારી વાડીના ફળો બહુ મીઠાં લાગે... !
આવી જાઓ બહાર, બધું ઠીક લાગે... !'
આટલું સાંભળતા જ સસલાભાઈએ તો દોટ મૂકી અને વાડીનાં દરવાજા પાસે આવી ગયાં. શિયાળભાઈની સાથે ઊંટભાઈને જોતાં જ સસલાભાઈનાં મોતિયાં મરી ગયાં. સસલાભાઈ તો ઊંટભાઈ આગળ આજીજી કરવાં લાગ્યાં. સસલાભાઈની આજીજી સાંભળી ઊંટભાઈને તેમની દયા આવતાં તેમને ફરી ક્યારેય વાડી બાજુ નહિ આવવાની સૂચના આપી છોડી મૂક્યા અને શિયાળભાઈને ભારે ઠપકો આપીને ચોકીદારીમાંથી મુક્ત કરી દીધાં.
તો, બાળ મિત્રો આપણે પણ આપણું કામ ખૂબ પ્રમાણિકતાથી કરવું જોઈએ જેથી આપણે ક્યારેય કોઈ મુશ્કેલીમાં ન મૂકાઈએ!


