Get The App

બંટી અને બબ્લી .

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
બંટી અને બબ્લી                                          . 1 - image


- બંટી અને બબલી હરખાઈને બોલ્યાં, 'જુઓ જુઓ દોસ્તો... આ છે અમારી નવી બકરી રૂપા! છે ને કેવી એકદમ મસ્ત! જોઇ છે કોઇએ આવી રૂપાળી બકરી ક્યાંય?' 

- ઋષિતા જાની

બંટી અને બબલી નામનાં જોડિયાં ભાઈબહેન. 

એકદમ માસૂમ.  

હોશિયાર પણ ખરાં. 

એક વખત તેમનાં પપ્પા નવી બકરી લાવ્યા. આખું પરિવાર રાજી રાજી થઇ ગયું. હવે તેમના વાડામાં ગાય, ભેંસ અને બકરી એમ ત્રણ જાનવરો થઇ ગયાં. 

ભાઈ બહેનએ હરખાતાં હરખાતાં આ નવી બકરીનું નામ પાડયું 'રૂપા', કારણ કે આ બકરી એવી ચોખલી હતી કે વાત જ ના પૂછો. 

'જોજે બંટી, આખા ગામમાં આપણી રૂપા જેવી ગોરી બકરી એકેય નહીં હોય!' બોલતી બબલી બકરીને પુચકારવા લાગી. 'અરે બબલી! હું તો કહું છું કે રૂપા જેવું ગોરું એકેય જાનવર જ નહીં હોય આપણે ગામમાં...' ગર્વ કરતો બંટી બોલ્યો.

બીજા દિવસે બંને ભાઈબહેનને પોતાના મિત્રોની ટોળીને આ નવી બકરી બતાવી દેખાડો કરવાનું મન થયું, પણ માએ કહ્યું, 'છોકરાંવ, આ બકરી હજી કાલે જ આવી છે ઘરે. એ આપણે કોઇને ઓળખતી નથી. એને આપણા ઘરનો રસ્તો પણ યાદ ન હોય. એવામાં બકરી ખોવાય જાય તો ઘરે કેમ આવે? એટલે હમણાં બકરીને તમારે બહાર લઇ જવાની નથી.' 

બંને બાળકો નિરાશ થઇ આંગણે બેસી ગયાં. બંટીના મગજમાં વિચાર આવ્યો. 

'મા હમણાં ખેતરે જાય ત્યારે ચૂપચાપ આપણે રૂપાને લઇ જઈશું અને મા આવે એ પહેલાં પાછાં આવી જઈશું!'' 

બબલી સહમત થઈ ગઈ. 

બંને બકરીને લઈને ઘરમાંથી બહાર નીકળ્યાં અને પોતાના દોસ્તો પાસે ગયાં. 

''જુઓ જુઓ દોસ્તો... અમારી નવી બકરી રૂપા! છે ને કેવી મસ્ત! જોઇ છે કોઇએ આવી રૂપાળી બકરી ક્યાંય?' બંને ભાઈબહેન હરખમાં આવી બોલ્યાં. 

મિત્રોમાં એમનો મોભો પડી ગયો. બંને રાજી રાજી થઇ ગયાં.

...પણ આ હરખ ઘડીક જ રહ્યો! બંટી-બબલી તો દોસ્તો સાથે રમવામાં મશગૂલ થઈ ગયાં. 

બકરી એકલી પડી. 

થોડી વાર આમતેમ ચક્કર મારીને એ પણ ગેલમાં આવી ગઈ ને એ તો નીકળી પડી!  

રૂપા બકરી ગામની એક પછી બીજી, ને બીજી પછી ત્રીજી એમ બધી શેરીઓમાં ફરવા લાગી.

 આ બાજુ બાળકોની રમત પુરી થતાં કોઇએ કહ્યું, 'અલ્યા, તમારી બકરી ક્યાં?' 

જોયું તો બકરી ગાયબ! 

બંટી-બબલી તો મૂંઝાઈ ગયાં. 

પહેલાં તો દોસ્તારોની ટોળી આજુબાજુ બધે ફરી વળી, પણ રૂપાનો કોઇ પતો નહીં. 

ધીમે ધીમે બધા ગામ તરફ ગયાં, પણ અંધારું થતાં એક પછી એક બધાં બાળકો પોતપોતાના ઘર તરફ જવા લાગ્યાં. 

રૂપા ક્યાંય દેખાઈ જ નહીં!

બંટી-બબલી આખું ગામ ફરી વળ્યાં. આખરે બંને થાકીને ઘરે આવ્યાં.

'બંટી-બબલી! ક્યાં ગયાં હતાં તમે?' મા ખિજાઈ ગઈ, 'છોકરાંવ, તમને ખબર નથી પડતી કે આટલા અંધારામાં બહાર ન રખડાય?' 

કોઇ કશું જ બોલ્યું નહીં. 

માએ પૂછ્યું, 'અને રૂપા ક્યાં છે? અવાજ કેમ આવતો નથી એનો?' 

બંટી-બબલી મૂંઝાયાં, પણ ચતુરાઈ બતાવતાં બંટી બોલ્યો, 'એ...એ...તો નાથુકાકાના ઘરે છે.'

માંએ પૂછ્યું 'કેમ?' 

બબલીએ કહ્યું, 'અમે તો ખાલી એને બતાવવા ગયા હતાં આપણી નવી બકરી. પણ પછી એ પાછી આવી જ નહીં અમારી સાથે! ત્યાં જ રોકાઈ ગઈ! કાલે સવારે અમે લઇ આવીશું એને પાછી.'

માએ એમની વાત માની લીધી. એ કહે, 'હમમમ... ઠીક છે. આ તો આજે ગામવાળા કહેતા હતા કે એક દીપડો જંગલમાંથી  આવ્યો હતો ને કોઈ બકરીને મારીને નાસી ગયો. આ સાંભળીને મને તો ડર લાગ્યો. હું તો જલ્દી ઘરે આવી ગઈ પણ જોયું તો રૂપા જ નહીં! પણ તમે કહો છો કે એ નાથુકાકાના ઘરે છે તો વાંધો નથી.'

મા આટલું બોલી ત્યાં તો બેય બાળકો ડરના માર્યા રડતાં રડતાં એને વળગી પડયા. 

'કેમ? શું થયું? કેમ રડો છો બેય જણા?' માએ પૂછ્યું. 

બંટી-બબલીએ એકબીજાને જોયું. પછી બોલ્યાં, 'મા, આપણી રૂપા ખોવાઈ ગઈ છે...'

...અને પછી બન્નેએ એકસાથે મોટો ભેંકણો તાણ્યો. 

'પણ એ તો નાથુકાકાના ઘરે છેને?' માએ પૂછ્યું. 

પછી તો બંટી અને બબલીએ માને આખી વાત કરી. 

વાત પુરી થતા ફરી પાછું રડવાનું શરું. 

'મા, આપણી રૂપાને દીપડો તાણી ગયો... દીપડાએ આપણી રૂપાને મારી નાખી...!' બોલતાં બોલતાં બંટી અને બબલી હીબકે ચડયાં. 

આખરે માએ કહ્યું, 'બસ બસ, હવે રડવાની જરૂર નથી. રૂપાને કંઇ નથી થયું.'

ભાઈબહેન બોલ્યાં, 'પણ મા, ગામમાં દીપડો આવ્યો હતોને?' 

માએ ચોખવટ કરી, ''કોઇ દીપડો આવ્યો નથી. રૂપા તમારા પપ્પા સાથે જ છે. સાંજ પડયે તમારા પપ્પાને એ બજારમાં દેખાઈ એટલે તરત એને ઘરે પાછા લઈ આવ્યા. ઘરે આવ્યા પછી ખાતરી થઈ ગઈ કે એ આપણી રૂપા જ છે. તમારા પપ્પાએ જ મને બધી વાત કરી.' 

બંટી-બબલી એકબીજાને જોતાં રહ્યાં. 

મા કહે, 'મને ખબર જ હતી કે તમે મારી વાત નહીં જ માનો અને બકરીને બહાર લઈ જ જશો...'

બંટી-બબલી માથું નીચું કરીને માનો ઠપકો સાંભળતાં રહ્યાં. 

મા  કહે, 'તમને પાઠ ભણાવવા જ મેં દીપડાની વાત ઉપજાવી કાઢી હતી. હવે સમજાયું?' 

બંટી-બબલીને જે નિરાંત થઈ છે. 

તેઓ પાછાં રડવા લાગ્યાં. આ વખતે હરખથી! 

બંને ભાઈ-બહેને દિલથી માની માફી માગી. 

મા ભાઈબહેનને ઘરની પાછળ આવેલા વાડામાં લઈ ગઈ. 

રૂપા અને પપ્પા બન્ને ત્યાં જ હતાં. 

રૂપાને જોતાં જ બાળકો દોડયાં ને એને ભેટી પડયાં. 

'રૂપા... રૂપા. હવે અમને મૂકીને ક્યાંય જતી નહીં.' બબલી બોલી ઉઠી.  

બંટીએ મમ્મી-પપ્પાને કહ્યું, 'હવેથી અમે ક્યારેય ખોટું નહીં બોલીએ અને વડીલોનું કહ્યું બધું માનીશું. અમને માફ કરી દો.' 

મા હસી પડી. પછી કહે, 'બસ બસ હવે... કેટલી વાર માફી આપું તમને?'

બંટી અને બબલી પણ હસી પડયાં. 

મમ્મી-પપ્પાએ બેયને વ્હાલથી ગળે લગાડયાં. 

...અને રૂપકડી રૂપા સૌને જોઈને બેં... બેં... કરતી રહી! 

Tags :