- 'નવાઈની વાત. આ છોકરી તો ખરેખર આજ્ઞાાંકિત છે. મેં જે કંઈ કહ્યું છે તે એણે કર્યું જ છે. અરે અત્યારે મેં એને કહ્યું કે જા, અને જુઓ જુઓ, મારો હુકમ માની, મારી વાત માની, એ તો ખરેખર ચાલવા જ લાગી. ખુશીખુશી, ગાતી ગાતી.'
'સાચું કહેજો, મેં તમારો જીવ બચાવ્યો હતો કે નહીં?'
જોતજોતામાં ઘર ખરેખર પૃથ્વી પરનું સ્વર્ગ બની ગયું.
હરીશ નાયક
છોકરી પરણે એટલે પતિનું કહ્યું કરવું જ પડે. એવો વર્ષો જૂનો રિવાજ. છોકરીનાં માતાપિતા પણ એવું જ માને. જો છોકરી પતિનું કહ્યું ન કરે તો માતાપિતા છોકરીને જ ઠપકો આપે. 'સાસરે જા, સખણી રહે, સીધી રહે, તારો વર જેમ કહે એમ કર, જા.'
પણ ગોમા ઘરડા ખડ્ડુસ કદરૂપા, કર્કશ, કકળાટિયા, બૂંગિયા સાથે પરણી હતી. ના, તેને પરણાવી દેવામાં આવી હતી. એક રાત ગોમાના બાપાએ બૂંગિયાને ત્યાં રાતવાસો કર્યો હતો, તેના બદલામાં.
તે જમાનામાં જંગલમાં પગથી એટલે કે કેડી નહિ. હાથીઓ ચાલીને જાય, પગથી ઊભી કરતા જાય, એ જ માર્ગ થઈ જાય. લોકોને આજુબાજુના કે દૂરના ગામે જવું હોય તો હાથીપગા માર્ગે જ જવું પડે. અને સાંજ પહેલાં તો પાછા આવતાં જ રહેવું પડે.
એક દિવસ ગોમાના બાપાને મોડું થઈ ગયું. રાત છવાઈ ગઈ. અંધારું એવું ફળી વળ્યું કે કંઈ દેખાય જ નહિ. પગ ક્યાં પડે છે એ જ જોવા ના મળે. રાતના જંગલમાં જાતજાતના ભય. ભગવાનનું નામ લઈ ભયને ભગાડતો ગોમાનો પિતા જતો હતો અને તેની નજરે હળવો ધીમો પ્રકાશ પડયો. કોઈક ઝૂંપડી હતી અને ઝૂંપડીમાંથી રાંધવાની સુગંધ આવતી હતી. આછું અજવાળું અને રસોઈની સુવાસ, બે જ વાનાં સળગતાં હતાં.
ગોમાના બાપાએ તો હિંમત કરીને પૂછી જોયું - 'રાતવાસો મળશે? બહાર કાળું બિહામણું અંધારું છે, અને...'
ઝૂંપડામાંથી એના જ જેવા કોઈકે પૂછ્યું - 'કોણ છે? શું છે? શાની ધમાલ છે?'
'કોઈક સિંહ મારો પીછો કરતો લાગે છે.' ગોમાના બાપાએ કહ્યું - 'મને બહુ બીક લાગે છે. મને અંદર આવવા દેશો?'
'આવો.'
ગોમાનો પિતા અંદર આવ્યો. ખાવાની મધમધતી સુવાસ નાકને ભરી દેતી હતી. તે કહે - 'હવે બહાર નહિ જાઉં. બહુ ડરામણું છે બધું. હવે તો સવારે જ...'
અંદરનો માણસ કહે - 'મારું નામ બૂંગિયો છે. હું એમને એમ નહિ રહેવા દઉં. તારે મને કંઈક આપવું પડશે.'
ગોમાના બાપા કહે - 'જો આજની રાત બચી જઈશ તો હું તને મારી દીકરી આપીશ. રૂપાળી છે, ડાહી છે, ઘરકામ આવડે છે, હોશિયાર છે.'
'મારી સામે જોઈ લે, ડા', બૂંગિયાએ કહ્યું - 'તું મને સ્વીકારશે? અને કદાચ તું મને અપનાવે તો તારી દીકરી માનશે ખરી?'
દરેક રીતે કદરૂપો કહી શકાય તેવો હતો બૂંગિયો. આંખો ઊંડી, હાડકાં બહાર, કાન મોટા, નાક કાટખૂણિયું. પાછી ઉંમર ઘણી.
ગોમાના બાપા વિચારે કે 'પુરુષોનાં વળી રૂપરંગ શું જોવાનાં? જે રાજી થાય તે જ ેમુરતિયો સાચો. રૂપરંગ જેવા હોય તેવા, તે દયાળુ હોવો જોઈએ. મારી દીકરી માની જાય તેવી છે.'
'ઊભા રહો,' બૂંગિયો કહે - 'તમારી દીકરી કહ્યું કરે તેવી છે? આજ્ઞાાંકિત છે? હું જે કહું તે કરવા તૈયાર થાય ખરી?'
'ખરી...' ગોમાના ઘરડા બાપાએ કહી દીધું. તેને તો રાતના ભયમાંથી બચવું હતું. જીવ બચે કે જલસા. છોકરીને તો આમેય પરણવું જ રહ્યું. એનો બાપ નહિ રહે તો કોણ પરણાવશે, આ જંગલનો ભૂતભાઈ?
બૂંગિયાએ તો ખૂબ આગતાસ્વાગતા કરી. મઘમઘતું ખાવાનું ખવડાવ્યું. ઝૂંપડાની ગરમ જેવી જગ્યાએ તેમને સુવડાવ્યા. હુંફાળું ઓઢવાનું આપ્યું. ગોમાનો પિતા ઊંઘી ગયો અને બૂંગિયો સપને ચડયો.
સવારે પહેલું પંખી બોલ્યું કે બૂંગિયો કહે - 'ઉઠો. હાથીપગથી રાહ જુએ છે, ચાલો. ઘરે જવાનું છે ને? ઘરે જઈને કે તરત જ તમારી દીકરી મને સોંપી દેજો, શું નામ?'
'ગોમા.'
'વાહ! નામ તો સરસ છે.' પછી જાતને જ કહે 'બૂંગિયા તારું ભાગ્ય ખૂલી ગયું, બોલ! શું કહે છે?'
હાથીપગથી પરથી હાથીની જેમ ડોલતા બંને ગામે પહોંચ્યા. ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતાંની સાથે જ ગોમાના બાપા કહે - 'દીકરી ગોમા, બહાર આવીને જો. તારે માટે વર લાવ્યો છું. ઘરવાળો.'
ગોમા દોડીને બહાર આવી. રોકાઈ ગઈ.
બૂંગિયો તો ગોમાને જોઈને પાણી પાણી થઈ ગયો. તે કહે - 'આહ! ગોમા, તો ઊગતા સૂરજ જેવી સોનેરી છે, પૂનમના આખા ચાંદ જેવી ચંદેરી છે. આહા! ગોમા. ચાલ જલદી જલદી હાથ મિલાવ...'
'ના.' ગોમાએ જોરથી કહી દીધું.
બૂંગિયાએ ગોમાના બાપાને કહ્યું - 'એલા, મેં તમારી જિંદગી બચાવી કે નહિ? રાતના ખાણીપીણી સાથે હૂંફાળી મહેમાનગતિ કરી કે નહિ? એક રાતના બદલામાં તેં ગોમા આપી કે નહિ? હવે એ તો હાથ જ મિલાવતી નથી.'
ગોમાના બાપા કહે - 'દીકરી ગોમા, બૂંગિયો તારો વર છે. હાથ મિલાવ.' પછી કરડાકીથી કહ્યું - 'હાથ મિલાવે છે કે નહિ?'
બાપ વિફરે એટલે દીકરીને બાપનું કહ્યું કરવું જ પડે. ગોમાએ બૂંગિયા સાથે હાથ મિલાવ્યા.
બૂંગિયો કહે - 'ચાલ, આપણે ઘેર.'
ગોમા કહે - 'ના.'
બૂંગિયાએ એના બાપાને કહ્યું - 'મેં તમારો જીવ બચાવ્યો. તમને રાત રાખ્યા. તમારી મહેમાનગતિ કરી. રાતના બદલામાં તમે મને ગોમા આપી અને હવે એ તો ઘરે જ આવતી નથી!'
બાપાએ થોડીક શરમ અનુભવી. પછી કહે - 'ગોમા જા, એની સાથે જા.'
ગોમા બૂંગિયાની પાછળ પાછળ જવા લાગી. ઘરે પહોંચતાં જ બૂંગિયો કહે - 'ઘર ગંદુંગોબરું છે. કહે છે કે સ્ત્રીના હાથ ફરવાથી ઘર સ્વર્ગ બને છે. ચાલ, શરૂ કર સફાઈ!'
ગોમા કહે - 'ના.'
બૂંગિયાને એના બાપા પાસે જવું પડયું. તે કહે - 'તમારી જિંદગી અને એક રાતના બદલામાં તમે મને ગોમા આપી કે નહિ? એ તો ઘરની સફાઈ જ કરતી નથી!'
બાપાએ બૂંગિયાના ઘરે જવું પડયું. તે જઈને ગોમાને કહે - 'ઘર સાફસૂફ કર.'
ગોમાએ સફાઈ શરૂ કરી.
જોતજોતામાં ઘર તો ખરેખર ઘર બની ગયું, પૃથ્વી પરનું સ્વર્ગ જ.
બૂંગિયો રાજી રાજી થઈ ગયો. તે કહે - 'ગોમા, બાજુના ઝરણામાંથી પાણી ભરી લાવ.'
ગોમા કહે - 'ના.'
પાછી બૂંગિયાએ બાપાને ફરિયાદ કરી - 'એક જીવતરના બદલામાં, એક રાતના બદલામાં, તમે મને ગોમા આપી કે નહિ? એ તો પાણી ભરવાની જ ના પાડે છે!'
બાપા કહે - 'ગોમા, પાણી ભર.'
ગોમા પાણી ભરી લાવી. બૂંગિયો કહે - 'કેવી રૂપાળી ડાહી અને કામગરી છે મારી વહુ!'
પછી તે જંગલમાં ગયો. ફળફળાદિ, ભાજીપાલો, શાક, મકાઈ, નાળિયેર... બધું લઈ આવ્યો. તે કહે - 'રસોઈ કર.'
ગોમા કહે - 'ના.'
બૂંગિયાને ફરીથી એના બાપા સમક્ષ ફરિયાદ કરવી પડી. તે કહે - 'એક રાતના બદલામાં તમે મને ગોમા આપી કે નહિ? એ તે રાંધવાની જ ના પાડે છે!'
બાપાએ પાછા કહેવું પડયું - 'ગોમા રસોઈ કર.'
ગોમાએ ચૂલો સળગાવ્યો. દાણા બાફ્યા, મકાઈ શેકી, અનાજ છડયું, મઝેદાર રસોઈ બનાવી અને પાછળની બાજુએ બહાર જતી રહી. એકલી એકલી રડવા લાગી - 'મારે બૂંગિયા-ફૂંગિયાની વહુ નથી બનવું. કેવો જડ ને જીંથરો છે. આખો દિવસ હુકમો જ કરે છે. હું તો મારા ઘરે જતી રહીશ.'
બૂંગિયો ખાઈ-પી ને એવો રાજી થઈ ગયો કે ખુશ. તે કહે - 'ગોમા, જો મેં તારે માટે કેટલું બધું રાખ્યું છે! ખાઈ લે.'
ગોમા કહે - 'ના.'
'હવે આ છેવટનું.' બૂંગિયાએ કહ્યું - 'એના બાપને કાન પકડીને...' એમ કહેતો તે સીધે રસ્તે ગયો નહિ. આડે વાંકે વળાંકવાળે રસ્તે ગયો. રસ્તામાં એક ઘરડાં માજીનું ઘર પડતું હતું. ડોસીમા દાદીમા ભલાં હતાં. બૂંગિયાએ કહ્યું - 'દાદી, મારી વહુ મારું કહ્યું કરતી જ નથી. હું ધારું તો ફટકેલા વાંદરાને સીધા કરી શકું. પણ આ તો કોણ જાણે કઈ જાતની છે! આવી અડિયલ વહુ આખા જંગલમાં મેં જોઈ નથી.'
દાદીમા કહે - 'જરા લાડપ્રેમથી વાત કર. માની જશે. જે કહેવું હોય તે હળવે રહીને...'
બૂંગિયો ગોમાને લઈને પોતાને ઘરે ગયો. પણ હજી રોષ ઊતર્યો ન હતો. તે કહે - 'ગોમા, હું કંઈ વિનંતીઓ કરવાનો નથી. તને મનાવવાનો નથી. હું તો તારાથી કંટાળી ગયો છું. તારે સીધી રીતે રહેવું હોય તો રહે, નહિ તો ચાલતી થા તારા બાપાને ઘેર.'
'હું આ ચાલી.' ગોમાએ કહ્યું અને પોતાનો સરસામાન લઈને હાથીપગથી પર જવા લાગી, ઝડપથી, ગાતી ગાતી.
આશ્ચર્ય પામ્યો બૂંગિયો. તે કહે - 'નવાઈની વાત. આ છોકરી તો ખરેખર આજ્ઞાાંકિત છે. મેં જે કંઈ કહ્યું છે તે એણે કર્યું જ છે. અરે અત્યારે મેં એને કહ્યું કે જા, અને જુઓ જુઓ, મારો હુકમ માની, મારી વાત માની, એ તો ખરેખર ચાલવા જ લાગી. ખુશીખુશી, ગાતી ગાતી.'
માથું કૂટતો તે કહે - 'હું જ મૂરખ હતો. જડ અને જડસુ. જ્યારે એ મારી વાત માનવા લાગી, મારું કહ્યું કરવા લાગી, ત્યારે જ મેં એને કહી દીધું - 'જા.'
'ગોમા...! ગોમા...!' તેણે બૂમો પાડી.
પણ ગોમા તો દૂર નીકળી ગઈ હતી. ધીમો પવન, ધીમાં ગીત, ધીમો ધબકાર સંભળાતો હતો!


